પ્રેસ રિવ્યૂ : 'ગુજરાતને એક ટીપુંય વધુ પાણી નહીં આપીએ'

નાગપુર સ્થિત મહારાષ્ટ્ર વિધાનસભા ભવન જ્યા શિયાળુ સત્ર ચાલી રહ્યું છે Image copyright Getty Images
ફોટો લાઈન નાગપુર સ્થિત મહારાષ્ટ્ર વિધાનસભા ભવન જ્યા શિયાળુ સત્ર ચાલી રહ્યું છે

'ધ હિંદુ'માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, રિવર-લિંકિંગ પ્રોજેક્ટનાં નામે ગુજરાતને મહારાષ્ટ્રની નદીઓમાંથી વધુ પાણી આપવા મુદ્દે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિવાદ સર્જાયો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર ગુજરાતને વધુ પાણી આપી રહી છે.

વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નેશનલ વોટર ડેવલપમૅન્ટ ઑથોરિટી આ પ્રોજેક્ટ્સની વિસ્તૃત યોજના તૈયાર કરી રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષે દમણગંગા-પિંજલ અને પાર-તાપી-નર્મદા નદીઓ જોડવાની રિવર-લિંકિંગ પ્રોજેક્ટને મહારાષ્ટ્રની પ્રજાના હિતમાં નહીં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

રિવર-લિંકિંગ પ્રોજેક્ટને કેન્દ્રમાંથી મળી રહેલા ભંડોળ સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જળસંપત્તિ પ્રધાન ગિરીશ મહાજને ગૃહને ખાતરી આપી છે કે ગુજરાતને એક પણ ટીપું પાણી વધારે નહીં આપવામાં આવે.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના હિતો અને પાણીની જરૂરિયાતને સુરક્ષિત રાખવામાં આવશે.

મહાજને ઉમેર્યું હતું કે, દમણગંગા-પિંજલ રિવર-લિંકિંગ પ્રોજેક્ટનો હેતુ મુંબઈને પીવાનું વધુ પાણી આપવાનો છે, જેનો કુલ અંદાજિત ખર્ચ 2,746.61 કરોડ રૂપિયા છે.

કેન્દ્ર સરકારે ગુજરાતમાં પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ માટે 10,800 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મહાજને જણાવ્યું હતું કે, તેમણે મહારાષ્ટ્ર માટે સમાન ફાળવણીની માગણી કરી છે, કેન્દ્ર સરકારે તેમની માંગ મંજૂર કરી છે અને નદીને જોડવા માટે ભંડોળ પણ આપ્યું છે.


ગુજરાત વિધાનસભા ભંગ

Image copyright Getty Images
ફોટો લાઈન નવી સરકાર અમલમાં ન આવે ત્યાં સુધી વિજય રૂપાણી અને નીતિન પટેલ ઇન્ચાર્જ સરકાર તરીકે કામ કરશે

'ધ હિંદુ બિઝનેસલાઇન'માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ગુરુવારે 13મી વિધાનસભાને વિખેરી નાખી હતી.

ગુજરાત વિધાનસભાના 182 બેઠકોવાળા ગૃહમાં 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો પર જીત મેળવી છે.

જેના કારણે હવે નવી સરકાર અને કેબિનેટની રચના માટેનો માર્ગ મોકળો થયો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ઔપચારિક રીતે 21 ડિસેમ્બરના દિવસે રાજીનામું આપ્યું હતું.

નવી સરકાર અમલમાં ન આવે ત્યાં સુધી વિજય રૂપાણી ઇન્ચાર્જ સરકારના વડા તરીકે કામ કરશે.

શુક્રવારે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી અને ભાજપના જનરલ સેક્રેટરી સરોજ પાંડે ચૂંટાયેલા ધારાસભ્યો અને વિધાનસભા પક્ષના નેતાને મળશે. શપથવિધિ સમારોહ 25મી ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે.


બિટકૉઇન રોકાણકારો પર તવાઈ

Image copyright Reuters
ફોટો લાઈન સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં નોટબંધી બાદ બિટકૉઇનમાં થયેલા રોકાણો વિષે ઇનકમ ટેક્સ ખાતું સતર્ક બન્યું છે

સંદેશ અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં નોટબંધી બાદ બિટકૉઇનમાં થયેલા રોકાણો વિષે ઇનકમ ટેક્સ ખાતું સતર્ક બન્યું છે.

અહેવાલો મુજબ, બિટકૉઇનના વધી રહેલા ભાવને ધ્યાનમાં લેતા સમગ્ર દેશ અને રાજ્યમાં પથરાયેલા આવા બિટકૉઇન રોકાણકારોની માહિતી આઈ.ટી. વિભાગ દ્વારા એકત્ર કરાઈ રહી છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના નિષ્ણાતોએ બિટકૉઇનના ગુપ્ત વ્યવહારોને સમજવા માટે આઈ.ટી. વિભાગ સાથે રાખીને સમગ્ર દેશ અને રાજ્યમાં દરોડાઓ નો દોર શરૂ કર્યો છે.

ગુજરાતમાં અંદાજે 100 બિટકૉઇન રોકાણકારો હોવાનું અનુમાન છે. આઈ.ટી. વિભાગે અંદાજે 40 શંકાસ્પદ બિટકૉઇન રોકાણકારોની યાદી તૈયાર કરી છે.

ભાવનગર ખાતે આઈ.ટી. વિભાગે દરોડા પાડીને 70 કરોડના બિટકૉઇન વ્યવહારો શોધી કાઢ્યાનો અહેવાલ પણ સંદેશ અખબારમાં પ્રકાશિત થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો