બ્લોગ : ઇજ્જત બચાવવાના નામે હક છીનવી લેવાનું ષડ્યંત્ર

  • પ્રિયંકા દુબે
  • બીબીસી સંવાદદાતા
મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સ્ત્રી રક્ષાના નામે પુરુષો હંમેશાથી યુદ્ધ લડી હિંસા ફેલાવતા આવ્યા છે

સ્ત્રીઓનું શરીર યુદ્ધનું એવું મેદાન નથી કે જ્યાં તેમની 'રક્ષા'નાં નામે શંભૂલાલ જેવા લોકો પોતાનું 'ધર્મયુદ્ધ' લડે અને નિર્દોષ માસૂમ લોકોનું લોહી વહાવે.

મુઝ્ઝફરનગર હિંસાથી માંડીને હાદિયા મામલે, સૈફ- કરીનાનાં લગ્ન અને પદ્માવતી ફિલ્મ સાથે જોડાયેલા વિવાદ સુધી સ્ત્રીઓની પ્રતિષ્ઠા બચાવવાના નામે ખૂની નફરત ફેલાવાઈ છે.

શંભૂલાલ રેગરે પણ 'લવ જેહાદ'ના નામે જ પશ્ચિમ બંગાળથી આવેલા 48 વર્ષીય મજૂર મોહમ્મદ અફરાઝુલની હત્યા કરી નાખી હતી.

સ્ત્રીઓને ધાર્મિક, જાતીય અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને તેમની 'રક્ષા' કરવાના નામે પુરુષોના યુદ્ધ લડવા તેમજ હિંસા ફેલાવવાની પરંપરા નવી નથી.

તમને આ પણ વાંચવું ગમશે

પહેલા કોઈ વસ્તુની જેમ સ્ત્રી પર દાવ લગાવવો. પછી તેમના નામે યુદ્ધ કરવું અને વિજયી થવા પર તેમને 'ટ્રોફી' તરીકે હાંસલ કરવાના ઉદાહરણોથી ઇતિહાસનો પટારો ભરેલો પડ્યો છે.

ચીરહરણનો પ્રતિશોધ

ઇમેજ સ્રોત, VIACOM18

ઇમેજ કૅપ્શન,

પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેના ફિલ્મના કાલ્પનિક દૃશ્યને લઇને નારાજ છે

પુરાતન ગ્રંથોના પાનાં પલટીને જોઈએ તો 'સ્ત્રી રક્ષા'ના નામે પ્રચારિત પિતૃસત્તાનો પાખંડ સ્પષ્ટપણે જોવા મળે છે.

જો પાંડવો દ્રૌપદીનાં ચીરહરણનો બદલો લેવા મહાભારત જેવું યુદ્ધ લડે છે. જેમને ધર્મરાજ તરીકે ઓળખવામાં આવે છે તે યુધિષ્ઠિરે જ દ્રૌપદીને જુગારમાં હારી તેમને ચીરહરણ સુધી પહોંચાડ્યાં હતાં.

'પદ્માવતી' ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સે માત્ર રાણી પદ્માવતી અને ખિલજીના એક કાલ્પનિક દૃશ્યને લઇને જ નારાજ નથી, તેઓ આ ફિલ્મમાં રાણી પદ્માવતીના એક ગીત અને નૃત્યનો પણ વિરોધ કરે છે.

પદ્માવતી પોતે સંગીત અને નૃત્યનાં શોખીન હતાં કે નહીં, તેના પર ઇતિહાસકારોના અલગ અલગ મત હોઈ શકે છે.

પણ કરણી સેનાએ પોતાનો ફતવો જાહેર કરીને ઘોષણા કરી દીધી છે કે નૃત્ય 'રાજપૂત' મહિલાઓની પ્રતિષ્ઠાની વિરૂદ્ધ છે.

'લવ જેહાદ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતીય બંધારણ અંતર્ગત પુખ્ત વયની ભારતીય સ્ત્રી પોતાના નિર્ણય સ્વયં લઈ શકે છે

મુઝ્ઝફરનગરમાં વર્ષ 2013માં ફેલાયેલી હિંસાનું કારણ શોધતાં એ ખબર પડી કે એ હિંસા પાછળ પોતાના સમુદાયની મહિલા સાથે થયેલી છેડતીનો બદલો લેવાનો ઉદ્દેશ્ય હતો.

અફરાઝુલની હત્યા બાદ પોતાની 'હિંદુ બહેનો' માટે જાહેર કરાયેલો સંદેશ આ જ કડીમાં એક નવો અધ્યાય છે.

આ સંદેશમાં શંભૂલાલે હિંદુ બહેનોને 'લવ જેહાદ' કરતા લોકોથી સાવધાન રહેવા કહ્યું છે.

'લવ જેહાદ' વિરૂદ્ધ ઝંડો ઉઠાવીને સમગ્ર દેશમાં ઝેર ફેલાવી રહેલા સ્વઘોષિત વીર ખરેખર તો સ્ત્રીઓનાં નામે નિર્ણય લઈને તેમના અસ્તિત્વને જ નકારી રહ્યા છે.

ભારતીય બંધારણ અંતર્ગત પુખ્ત વયની ભારતીય સ્ત્રી પોતાના નિર્ણય સ્વયં લઈ શકે છે.

ભારતીય મહિલા કોઈ હિંદુ સાથે રહેવા માગે કે મુસ્લિમ સાથે કે પછી એકલી, તેનો નિર્ણય લેવાનો એ સ્ત્રીને હક છે.

પોલીસ અને પ્રશાસન

વીડિયો કૅપ્શન,

'નિર્ભયા' પ્રકરણનાં પાંચ વર્ષ બાદ દિલ્હી કેટલું બદલાયું?

સ્ત્રી ગાવા માગે, નાચવા માગે છે કે પછી ચૂપચાપ ખાલી બેસવા માંગે છે, એ વાતનો નિર્ણય શું તેમની જ્ઞાતિની કથિત સેનાઓ કરશે?

ભારતમાં સ્ત્રીઓની બંધારણીય સ્વતંત્રતા પર ભારે જ્ઞાતિ આધારિત - સાંપ્રદાયિક ઝનૂન એક મહત્ત્વનો મુદ્દો છે.

કોઈ પણ અન્ય નાગરિકની જેમ મુસીબતમાં ફસાઈ જવા પર સ્ત્રીઓની મદદ માટે પોલીસ અને પ્રશાસનના અમલદારો હાજર છે.

અંસતુષ્ટ થવા પર તેઓ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી શકે છે અને કોર્ટનો દરવાજો પણ ખખડાવી શકે છે.

એ માટે સ્ત્રીઓની 'રક્ષા કરવા'ના નામે સાંપ્રદાયિક ઝેર ફેલાવતા તેમની સ્વતંત્ર નિર્ણય ક્ષમતાની અવગણના કરવાનાં ષડયંત્રને સમજવું જોઈએ.

સ્ત્રીઓની સામાજિક- શારીરિક ગતિને નિયંત્રિત કરવાના તેમના પ્રયાસને પાછળથી ઝાંકતી પિતૃસત્તાનો ચહેરો સ્પષ્ટપણે જોવા મળે છે.

તેનાંથી નવી પેઢીની શિક્ષિત યુવતીઓને એ પ્રકારના પડકાર જોવા નથી મળી રહ્યાં, જેની આશા એક સભ્ય અને આધુનિક સમાજ પાસે કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો