શું મહિલાઓ પુરુષોનું શારીરિક શોષણ કરી શકે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

'પોલીસ એક મહિલા વિરૂદ્ધ છેડતીનો કેસ કેવી રીતે દાખલ કરી શકે છે? એ બની જ ના શકે. આ વાતને કોઈ માને નહીં.'

દિલ્હી હાઇકોર્ટે આ વાત એક મહિલા પર સ્ટૉકિંગનો કેસ દાખલ કરી ધરપકડ કરવાના મામલે પોલીસને કહી હતી.

મહિલા વકીલ દીપા આર્યાનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમના ઘરનો દરવાજો તોડીને ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યાં હતાં.

પોલીસે આ કાર્યવાહી એક પ્રૉપર્ટીના કેસ સાથે જોડાયેલી ફરિયાદ પર કરી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

સમાચાર એજન્સી PTIના આધારે હાઈ કોર્ટે દિલ્હી સરકાર અને ગૃહ મંત્રાલય પાસે આ મામલે તુરંત કાર્યવાહી કરતા પાંચ જાન્યુઆરીના રોજ થનારી સુનાવણી પહેલા રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યા છે.


શું મહિલાઓ સ્ટૉકિંગ નથી કરી શકતી, કાયદો શું છે?

Image copyright Getty Images

આ સવાલનો જવાબ શોધવા માટે એ સમજવું જરૂરી છે કે સ્ટૉકિંગ શું છે.

ભારતીય દંડ સંહિતાની કલમ 354-Dના આધારે, જો કોઈ મહિલા સ્પષ્ટ રીતે પોતાની અસંમતિ વ્યક્ત કરી ચૂક્યાં હોય, તે છતાં પુરુષ તે મહિલા સાથે સંબંધ બનાવવા, તેનો પીછો કરવા પ્રયાસ કરે અથવા તો તેમને એવી નજરે જુએ જેનાંથી મહિલાને અસહજતા અને માનસિક શોષણનો અનુભવ થાય તો તેવા પુરૂષને સ્ટૉકિંગના અપરાધી માનવામાં આવશે.

આ બધા જ કામ કોઈ પુરુષ ઇન્ટરનેટ, ઈ-મેઇલ કે ફોનનાં માધ્યમથી કરી રહ્યો છે તો તે પણ સ્ટૉકિંગ જ માનવામાં આવશે.

દોષિત પુરુષને પાંચ વર્ષની સજા અને દંડ, બન્નેનું પ્રાવધાન છે.

વર્ષ 2012માં દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસ બાદ 'ક્રિમિનલ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ' અંતર્ગત 'સ્ટૉકિંગ' એટલે કે બદઇરાદાપૂર્વક મહિલાનો પીછો કરવાને દંડનીય અપરાધ માનવામાં આવ્યો હતો.

આ કાયદા પર ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માની લેવામાં આવ્યું છે કે સ્ટૉકિંગ પુરુષ જ કરી શકે છે.


પુરુષો માટે નથી કાયદો?

Image copyright Getty Images

કદાચ તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે જો કોઈ પુરુષ સાથે સ્ટૉકિંગની ઘટના બને છે અથવા તો એક મહિલા પુરુષનો બળાત્કાર કરે છે તો તેને માટે કોઈ જ કાયદો નથી.

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ રેખા અગ્રવાલ જણાવે છે, "IPC 354- D માત્ર પુરુષો પર લાગુ જ થઈ શકે છે, મહિલાઓ પર નહીં. IPCમાં મહિલાઓ દ્વારા થતા સ્ટૉકિંગ મામલે કોઈ સ્પેશિયલ કાયદો નથી."

"આજે 21મી સદીમાં જ્યારે આપણે મૉડર્ન ઇન્ડિયાની વાત કરીએ છીએ તો જે કામ છોકરાઓ કરી શકે છે, તે છોકરીઓ પણ કરી શકે છે. તેમાં સ્ટૉકિંગ પણ સામેલ છે. છોકરીઓની સ્ટૉકિંગ મામલે કોઈ કાયદો નથી."

રાષ્ટ્રીય મહિલા પંચનાં પૂર્વ અધ્યક્ષા લલિતા કુમાર મંગલમ છોકરીઓ દ્વારા સ્ટૉકિંગ કરવા મામલે કોઈ કાયદો ન હોવા પર હેરાની વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "જો મહિલાઓ કહે છે કે બરાબરી હોય તો અપરાધ કરવા પર મળતી સજાની પણ બરાબરી હોવી જોઈએ. જો કોઈ મહિલા સ્ટૉક કરે છે તો તેને માટે પણ કાયદો હોવો જરૂરી છે."

"જો કોઈ પુરુષ પોતાની સાથે થયેલા સ્ટૉકિંગનો પુરાવો આપે છે તો તેના માટે પણ કાયદો હોવો જરૂરી છે, જેના અંતર્ગત સજા આપી શકાય."

સુપ્રીમ કોર્ટના વકીલ ઋષિ મલ્હોત્રા કહે છે, "જો તમે સ્ટૉકિંગની પરિભાષા જુઓ તો માની લેવામાં આવ્યું છે કે અભિયુક્ત હંમેશા પુરુષ અને પીડિત હંમેશા મહિલા જ હશે."

"તેમાં પુરુષ દ્વારા મહિલાનો પીછો કરવો, આપત્તિજનક રીતે જોવાની વાત હોય છે. કાયદામાં જો 'પુરુષ'ના બદલે 'એની પર્સન' એટલે કે કોઈ પણ વ્યક્તિ (મહિલા કે પુરુષ) કરી દેવામાં આવે તો વધુ સારૂં રહેશે."


જે પુરુષો સાથે મહિલાઓએ કર્યું સ્ટૉકિંગ!

Image copyright Getty Images

પોતાની સાથે થયેલા સ્ટૉકિંગ વિશે પંજાબના રહેવાસી રજ્જી એસ જણાવે છે, "વિચિત્ર લાગે છે જ્યારે બે આંખો તમને ખરાબ દૃષ્ટિએ જુએ છે. તમે જ્યાં જાઓ, ત્યાં તમારો પીછો કરે છે."

"એ વાત સાચી છે કે સ્ટૉકિંગ છોકરીઓ સાથે વધારે થાય છે પરંતુ તેનો મતલબ એવો નથી કે છોકરાઓ સાથે તે નથી થતું."

રજ્જી આગળ જણાવે છે, "બે લોકો વચ્ચે સંબંધ ત્યારે બનવો જોઈએ, જ્યારે બન્ને એકબીજાને પસંદ કરતાં હોય. પરંતુ મારા મામલે છોકરીને હું એ નજરે પ્રેમ કરતો ન હતો. તેને હું મિત્ર માનતો હતો, પરંતુ તે ઇચ્છતી હતી કે હું પ્રોપર બૉયફ્રેન્ડ બની જઉં."

"હું તેના માટે તૈયાર ન હતો. તે જબરદસ્તી મારી સાથે સંબંધ બનાવવા પ્રયાસ કરતી હતી. આ હરકતોના કારણે હું મારું શોષણ થતું હોવાનું નહોતો અનુભવતો, પણ પરેશાન રહેતો હતો."

"મુશ્કેલી એ પણ છે કે સ્ટૉકિંગ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે તેને લઈને લોકો પાસે યોગ્ય માહિતી નથી."


'પુરુષો માટે નથી રાષ્ટ્રીય પુરુષ આયોગ'

Image copyright Getty Images

પંકજ દિલ્હીમાં રહે છે. તે કહે છે, "લોકોમાં આ સામાન્ય ધારણા છે કે છોકરીઓ સ્ટૉક નથી કરી શકતી. પરંતુ વાસ્તવિકતા એવી નથી."

"છોકરાઓ સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે અમારી સાથે સ્ટૉકિંગ થયું છે અને અમે કોઈને કહીએ તો કોઈ માનતું નથી."

"છોકરીઓ માટે રાષ્ટ્રીય મહિલા આયોગ છે, પરંતુ પુરુષો માટે રાષ્ટ્રીય પુરુષ આયોગ જેવી કોઈ વસ્તુ નથી."

પોતાની સાથે થયેલાં સ્ટૉકિંગ વિશે પંકજ જણાવે છે, "એક યુવતી હતી. પહેલાં મને લાગ્યું કે કદાચ તે મને પસંદ કરે છે. આ ખૂબ સામાન્ય વાત છે, પરંતુ તેનું 'પસંદ કરવું' ધીરે ધીરે પાછળ પડી જવા જેવું બની ગયું."

"ફેસબુકથી માંડીને સામે આવવા સુધી. પરેશાન થઈને મેં તેને બ્લૉક કરી દીધી હતી તો ઑફિસ સામે આવીને ઊભી રહેવા લાગી. સતત ફોન કરતી રહી. લગ્ન કરો, મને મળો નહીં તો હું કંઈક કરી લઇશ જેવી ધમકીઓ મળવા લાગી."

"આ બધું ત્યાં સુધી થતું રહ્યું, જ્યાં સુધી મેં તેને કોઈ સંકેત ન આપ્યા કે મને તેનામાં કોઈ રસ નથી."

"જ્યારે તમને કોઈ છોકરીમાં રસ નથી અને આ પ્રકારની હરકતો થાય તો ખૂબ ટેન્શન રહે છે. તેનાંથી મોટી સમસ્યા એ છે કે છોકરાઓનું સ્ટૉકિંગ થઈ શકે છે, તે વાત કોઈ માનશે નહીં."

અમે કેટલીક છોકરીઓને સવાલ પણ કર્યા કે શું તેમણે પણ ક્યારેય છોકરાઓનું સ્ટૉકિંગ કર્યું છે.

ઓળખ છૂપાવી રાખવાની શર્તે આ છોકરીઓએ કહ્યું, "હા, ફેસબુક પર મેં એક છોકરાની સ્ટૉકિંગ કરી હતી. હું તેના પર નજર રાખતી હતી. પરંતુ મને નથી લાગતું કે તેના પર કોઈ અસર થશે."

"બીજી તરફથી એવા કોઈ સંકેત નથી મળ્યા કે ઑનલાઇન નજર રાખવી અથવા તો મેસેજ મોકલવામાં સ્ટૉકિંગ જેવું કંઈક થઈ રહ્યું છે."


સ્ટૉકિંગ થવા પર શું કરે છે યુવકો?

Image copyright Getty Images

રેખા અગ્રવાલ કહે છે, "છોકરાઓ સાથે જો સ્ટૉકિંગ થાય છે તો તેઓ શોષણ સંબંધિત FIR દાખલ કરી શકે છે."

ઋષિ મલ્હોત્રા કહે છે, "આ ખૂબ ગ્રે એરિયા છે. સ્ટૉકિંગના કાયદા તો સ્પષ્ટરૂપે કહે છે કે પુરુષ જ સ્ટૉકિંગ કરે છે. જો બળાત્કાર સંબંધિત IPCની ધારા 375ની વાત કરીએ તો તેમાં પણ બળાત્કારીને પુરુષ કહીને જ પરિભાષિત કરાયા છે."

"જો IPCની આ ધારાઓની વાત કરીએ તો એક મહિલાની સ્ટૉકિંગ અથવા તો બળાત્કાર માટે ધરપકડ નથી કરી શકાતી."

સ્ટૉકિંગ થવા પર છોકરાઓ શું કરી શકે છે. તેનો જવાબ આપતા ઋષિ મલ્હોત્રા કહે છે, "છોકરાઓ સ્ટૉકિંગનો કેસ દાખલ નથી કરાવી શકતા. કાયદામાં આરોપી માત્ર પુરુષ છે અને પીડિત માત્ર મહિલા છે."

"આ ભેદભાવ કરતો કાયદો છે. આજની તારીખમાં જો કોઈ યુવક કહે કે તેના પર બળાત્કાર થયો છે તો એ જાણી લો કે તેના પક્ષમાં કોઈ કાયદો નથી."

"શારીરિક શોષણને લઈને 354-A છે, તેની પરિભાષા અનુસાર શોષણ કરનારી વ્યક્તિ માત્ર પુરુષ જ છે."

આ તરફ રેખા અગ્રવાલ કહે છે, "મહિલાઓ જો સ્ટૉકિંગ પણ કરે છે તો તેઓ સામે નથી આવી શકતી. એક પ્રકારનો ડર મહિલાઓની અંદર પણ રહે છે. મહિલાઓ માટે ભલે કોઈ કાયદો નથી પરંતુ સ્ટૉકિંગ મહિલાઓ પણ કરે છે."

વાતચીતના અંતે વકીલ ઋષિ મલ્હોત્રા કહે છે, "બધા કાયદામાં પુરુષને જ આરોપી બતાવવામાં આવ્યા છે. કંઈ થયું તો હું જાતે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરીશ."

જો કે એ વાતથી ઇન્કાર નથી કરી શકતા કે સ્ટૉકિંગની વધારે પડતી ઘટનાઓ મહિલાઓ સાથે થાય છે.

'નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો'ના આધારે, વર્ષ 2015માં સ્ટૉકિંગના 6,266 કેસ નોંધાયા થયા હતા.

સ્પષ્ટ છે કે આ બધા મામલે મહિલાઓ સાથે સ્ટૉકિંગ થયું હતું, પુરુષો સાથે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો