ચેન્નઇની કલાકારની રચના આવતા વર્ષે કૉમિક ફોર્મમા આવશે

સથ્વિઘા શ્રીધર

તમે સુપરમેન, બૅટમેન, સ્પાઇડરમેન જેવા અનેક સુપરહીરોની કૉમિક્સ વાંચી હશે અને ફિલ્મો જોઈ હશે. આ બધા જ સુપરહીરો માનવજાતને વિવિધ ખતરાથી બચાવે છે. પરંતુ હજી સુધી કોઈ સુપરહીરોએ આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) સામે માનવજાતને બચાવવાનું કામ નથી કર્યું. પરંતુ દક્ષિણ ભારતમાં ચેન્નઈની 21 વર્ષનાં કલાકાર સથ્વિઘા શ્રીધરે એક એવા સુપરહીરોનું સર્જન કર્યું છે, જે માનવજાત સામેના સૌથી મોટા જોખમથી બચાવવાનું કામ કરે છે.

લાઇટ નામના અર્ધ-માનવીય અને અર્ધ-વૃક્ષ સુપરહીરોના સર્જન બદલ શ્રીધર યુનિસેફ ક્લાઇમેટ કૉમિક્સ હરીફાઈમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યાં છે.

તાજેતરમાં જ વિઝ્યુઅલ આર્ટમાં ગ્રેજ્યુએટ થયેલાં સથ્વિઘા શ્રીધરની પસંદગી ખરેખર તો કૉમિક બુક બનાવવા માટે નહોતી થઈ.

પરંતુ જ્યારે તેની બહેનને ઇન્સ્ટાગ્રામ પરની સ્પર્ધા માટે કૉલ મળ્યો તો તેણે શ્રીધરને પણ અરજી કરવા માટે પ્રોત્સાહન આપ્યું.

તમને આ પણ વાંચવું ગમશે

યુનિસેફ અને તેના પાર્ટનર કૉમિક્સ યુનાઇટિંગ નેશન્સ દ્વારા યોજવામાં આવેલી આ સ્પર્ધામાં 99 દેશોમાંથી લગભગ 2,900 લોકોએ અરજી કરી હતી.

વિજેતા નક્કી કરવા માટે 21 હજારથી વધુ લોકોના મત લેવાયા હતા.

યુનિસેફનાં કૉમ્યુનિકેશન ડિરેક્ટર પાલમા એસ્ક્યુડરોએ જણાવ્યું, "આ આખા વિશ્વ માટે સંદેશ છે. યુવાનોનો જબરદસ્ત પ્રતિભાવ જોઈને મને લાગ્યું કે આબોહવામાં પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) વિશે યુવાઓ ગંભીર છે."


સુપરહીરો લાઈટનો જન્મ

શ્રીધરે સ્પર્ધામાં ભાગ લેવા બાબતે કહ્યું, "મેં મારી અરજી છેલ્લી તારીખે માત્ર 20 મિનિટ બાકી હતી ત્યારે જમા કરાવી હતી. હું સુપરહીરોઝની થીમથી ખૂબ ઉત્સાહિત હતી."

તેમની આ લાઇટ નામની રચના, હવે એક કૉમિક્સ સ્વરૂપે 2018માં પ્રકાશિત થશે.

તેમણે જે થીમ પર સ્ટોરી બનાવી હતી. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, વર્ષ 2025 સુધીમાં માણસ બધું જ ઇંધણ બાળી નાંખશે, બધો બરફ પીગળી જશે અને બધા ટાપુ ડૂબી ગયા હશે."

એક ધૂની વૈજ્ઞાનિક આ સ્થિતિ વિશે કંઈક કરવાનું વિચારે છે. આથી તે વનસ્પતિનું ડીએનએ ધરાવતા ભ્રૂણનું ગર્ભાધાન કરાવે છે અને આ રીતે સુપરહીરો લાઇટનો જન્મ થાય છે. જે શ્વાસમાં કાર્બન ડાયૉક્સાઇડ લઈ ઉચ્છ્વાસમાં ઑક્સિજન કાઢે છે.

એસ શ્રીધર આગળ કહે છે, "આ એક પ્રકારની પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાની નકલ છે. પરંતુ તે તમને અલગ રીતે પ્રકૃતિ સાથે જોડે છે."


પર્યાવરણીય આફતોથી પ્રેરણા

જ્યારે તેણે તેના વિચારોને સ્કેચ પર ઉતારવાની શરૂઆત કરી ત્યારે ભારતની તાજેતરની પર્યાવરણીય આફતોથી તેણે પ્રેરણા લીધી.

એટલું જ નહીં આ સમસ્યાનો સર્જનાત્મક ઉકેલ લાવવા માટે તેમણે સુપરહીરોનું સર્જન કર્યું.

તે કહે છે, "ક્લાઇમેટ ચેન્જના કારણે થયેલી સમસ્યાઓને ચેન્નાઈએ જોઈ છે. અમે આજે પણ પૂર અને ચક્રવાતની અસરો જોઈએ છીએ. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં તેના કારણે ઘણાં જીવન અને વૃક્ષોનો નાશ થયો છે."

ભૂતકાળમાં, ચેન્નઈએ પૂર અને ભારે વરસાદના કારણે વારંવાર અવ્યવસ્થા અનુભવી છે. આ મહિનાની શરૂઆતમાં, ભારતમાં દક્ષિણના રાજ્યોમાં ચક્રવાત ઓખી તોફાનના કારણે સેંકડો માછીમારો ગુમ થઈ ગયા છે.

બે વર્ષ પહેલાં ચેન્નાઈમાં વિનાશક વરસાદે સૌથી વધુ લોકોનો ભોગ લીધો હતો.


કૉમિક્સ્વરૂપે જાણવું રસપ્રદ

શ્રીધરને એમ નથી લાગતું કે આ કાર્ટૂન બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દેશે. પરંતુ તે આશા રાખે છે કે તેનું આ પાત્ર બાળકો, યુવાનો અને લોકો વચ્ચે સંવાદ સાધશે.

તેમણે કહ્યું, "સુપર હીરોને અર્ધ-માનવી અને અર્ધ-વૃક્ષ બનાવવાનો વિકલ્પ અગત્યનો હતો. જેથી તે માનવ વિકાસ અને કુદરતી પરિવર્તન બંને બાજુની સમસ્યાઓ સમજી શકે."

તેને આશા છે કે આ ગંભીર મુદ્દો કૉમિક ફોર્મમાં દેખાડવામાં આવશે તો લોકો તેને સારી રીતે સમજી શકશે. બાળકો માટે તે જાણવું રસપ્રદ બનશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો