શપથ લીધા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આ પડકારો

વિજય રૂપાણી નીતિન પટેલ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ તેમના નવાં મંત્રીમંડળ સાથે આજે શપથ લીધા છે.

ચૌદમી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી છે. જેમાં ઘણા પરિબળોએ ભૂમિકા ભજવી છે.

ભાજપના મોવડી મંડળે ફરી વખત વિજય રૂપાણીને મુખ્યમંત્રી અને નીતિન પટેલને પસંદ કર્યા છે.

પરંતુ હવે મુખ્યમંત્રી સામે કયા મુખ્ય પડકારો હશે તે વાત ઘણી મહત્ત્વની છે.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસીએ રાજકીય વિશ્લેષક અને અન્ય વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી મુખ્ય પડકારો વિશે ચર્ચા કરી.

હાર્દિક-અલ્પેશ-જિગ્નેશની ત્રિપુટી પડકાર

ઇમેજ કૅપ્શન,

દલિત નોતા જિગન્શ મેવાણી અને અલ્પેશ ઠાકોર વિધાનસભામાં ભાજપને ઘેરશે

જેમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરી દેસાઈના મતે મુખ્યમંત્રી સામે આ વખતે મોટો પડકાર હાર્દિક પટેલ-અલ્પેશ ઠાકોર-જિગ્નેશ મેવાણી ત્રિપુટી છે.

વળી મુખ્યમંત્રીએ આગામી લોકસભા ચૂંટણી અને રાજ્યસભા ચૂંટણી માટે પણ તૈયારી રાખવી પડશે.

કારણ કે તાજેતરની ચૂંટણીમાં જે રીતે કોંગ્રસે ટક્કર આપી છે, તેને ધ્યાને લેતા વિધાનસભા ગૃહમાં વિપક્ષ મજબૂત હોવાથી તે પણ એક પડકાર રહેશે.

જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર વિધાનસભા ગૃહમાં ભાજપ માટે પડકારનો પર્યાય બની રહેશે. તેની તીવ્રતા આવનારો સમય કહેશે.

વધુમાં નવી સરકારે ખર્ચમાં પણ શિસ્ત જાળવવી પડશે.

કારણ કે ભૂતકાળમાં આ મામલે સીએજીના અહેવાલમાં સરકારની ટીકા કરવામાં આવી ચૂકી છે.

ખેડૂતોને ટેકાના ભાવ અને પાટીદાર આંદોલનનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પાટીદાર આંદોલનની ચૂંટણીમાં અસર થઈ છે

દરમિયાન રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક કહે છે, "પાટીદાર આંદોલન અને સોરાષ્ટ્ર પ્રદેશના ખેડૂતોને ટેકાના ભાવને મામલે મોટો પડકાર રહેશે."

"મગફળી-કપાસના ભાવ મુદ્દે ખેડૂતો પહેલાથી જ નારાજ છે તેમના માટે સરકારે પગલાં લેવાની જરૂર રહેશે."

"કેમકે વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને સારી સફળતા નથી મળી."

"એટલું જ નહીં પણ છેલ્લા ત્રણ વર્ષોમાં 35 ટકા જેટલા લધુ અને મધ્યમ ઉદ્યોગો પણ બંધ થઈ ગયા છે."

"આમ નાના ઉદ્યોગોને ફરી બેઠા કરવાના પડકારનો પણ મુખ્યમંત્રી રૂપાણીએ સામે પડકાર હશે."

શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પડકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શિક્ષણની ગુણવત્તા પણ પ્રશ્ન

વધુમાં વરિષ્ઠ પત્રકાર નીખિલ મદ્રાસીનું માનવું છે કે મોંઘુ શિક્ષણ અને તેની ગુણવત્તાનો પ્રશ્ન મુખ્યમંત્રી માટે એક પડકાર રહેશે.

કેમ કે સરકાર શાળાામાં મફત શિક્ષણ તો આપે છે પણ તેની ગુણવત્તા જોઈએ તેટલી સારી નથી.

બીજી તરફ રાજ્યમાં ઉચ્ચ-શિક્ષણ વધુને વધુ મોંઘુ થતું જઈ રહ્યું છે.

મધ્યમવર્ગીય પરિવારો માટે શિક્ષણ પરનો ખર્ચ મહત્વનું પરિબળ રહેતું હોય છે.

તદુપરાંત આરોગ્ય મામલે તે કહે છે, "ભૂતકાળમાં જય નારાયણ વ્યાસના સમયે આરોગ્યમાં ખરાબ સ્થિતિ ન હતી."

નવી સરકારે સરકારી હોસ્પિટલોમાં પૂરતા તબીબો અને સારી સુવિધાઓ મળી રહે તે મુદ્દે પણ કામ કરવું પડશે.

ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં મુખ્યમંત્રીએ તબીબી સારવાર મળી રહે તેની ખાતરી કરવી પડશે.

કારણ કે સરકારી દવાખાનાઓમાં સાધનોની અછત પણ એક પ્રશ્ન રહ્યો છે.

સામાજિક-આર્થિક મામલે પડકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

'ગુજરાત રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ અને કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ સારી રહી છે'

બીબીસી સાથે વાતચીતમાં ભૂતપૂર્વ કેદ્રીંય પ્રધાન વાય.કે. અલઘે જણાવ્યું, "ગુજરાત રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ અને કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ સારી રહી છે."

"પરંતુ સામાજિક-આર્થિક સૂચકાંક મામલે ખાસકરીને મહિલાઓ અને કન્યા કેળવણી જેવી બાબતે રાજ્યનું પરફોર્મન્સ નબળું રહ્યું છે."

"સતત મોંઘુ થતું જતું શાળા-કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણ પણ એક પડકાર છે."

"પાટીદાર આંદોલનમાં રોજગારીનું પરિબળ પણ રહેલું છે."

"જો કે તેમણે ઉમેર્યું કે એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અર્થાત ટેકાના ભાવ) એક પડકાર નથી. કેમ કે અન્ય દેશમાંથી જ્યારે નિકાસ કરવામાં આવે છે, ત્યારે તેની અસર વર્તાતી હોય છે."

"જેને લીધે બજારભાવ વધતા ખેડૂતને એવું લાગે છે કે તેમને એમએસપી મામલે સારું વળતર નથી મળ્યું."

રોજગારીનો પ્રશ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સૌથી મહત્ત્વનો પ્રશ્ન રોજગારીનો મુદ્દો

બીબીસી સાથે વાત કરનારા રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો અનુસાર સૌથી મહત્ત્વનો પ્રશ્ન રોજગારીનો મુદ્દો છે.

આથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રોજગારીના સર્જનનો પડકાર ઘણો કઠિન રહેશે.

પાટીદાર યુવાઓ રોજગારી મુદ્દે વારંવાર નારાજગી દર્શાવતા રહ્યા છે.

અન્ય સમુદાયના યુવાઓ પણ રોજગારી મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા છે.

જાતીવાદ સમીકરણ મુદ્દે વિશ્લેષકોનું કહેવું છે કે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી હવે ભાજપ માટે વિધાનસભામાં પડકાર બનશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો