સેન્સર બૉર્ડની આ પહેલ બાદ રિલીઝ થઈ શકશે ફિલ્મ પદ્માવતી?

દીપિકા પાદુકોણે
ઇમેજ કૅપ્શન,

મેવાડના રાજવી પરિવારને આ ફિલ્મને પ્રમાણિત કરવા આમંત્રણ અપાયું

વિવાદોના વમળમાં ફસાયેલી ફિલ્મ પદ્માવતી હવે નજીકના સમયમાં રિલીઝ થશે એવું અનુમાન થઈ રહ્યું છે.

ધ હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રણવીર સિંઘ, દીપિકા પાદુકોણે, શાહિદ કપૂર અભિનીત અને સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત 'પદ્માવતી' ફિલ્મને રિલીઝ કરી શકાય એ દિશામાં ભારતીય સેન્સર બૉર્ડે પગલું ભર્યું છે.

ગુરુવારે સેન્ટ્રલ બૉર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ના પ્રમુખ પ્રસૂન જોશીએ મેવાડના રાજવી પરિવારના સભ્ય વિશ્વરાજ સિંઘની સાથે આ સંદર્ભે વાત કરી હોવાના અહેવાલો છે.

સીબીએફસીએ મેવાડના રાજવી પરિવારને આ ફિલ્મને પ્રમાણિત કરવા માટે નિમાયેલી પેનલ પર આવવા આમંત્રણ આપ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

ફિલ્મની પટકથાને લઇને રાજપૂત સમાજની નારાજગી સંદર્ભે ફિલ્મની રિલીઝ પૂર્વે અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

જો કે વિશ્વરાજ સિંઘે જ્યાં સુધી ફિલ્મ સંદર્ભે પ્રચલિત માન્યતાઓ વિશે સીબીએફસી દ્વારા કોઈ ચોખવટ કરવામાં ન આવે ત્યાં સુધી સીબીએફસી તરફથી આવું કોઈ આમંત્રણ સ્વીકારવાની તૈયારી દાખવી ન હતી.

સલમાન ખાન સામે વિરોધ

ઇમેજ કૅપ્શન,

સલમાન સામે ગુજરાત, રાજસ્થાન અને યુપીમાં વિરોધ

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સલમાન ખાનની નવી ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ' રિલિઝ થતાની સાથે મુશ્કેલીમાં મૂકાઈ છે. કથિત રીતે એક ટીવી શોમાં ફિલ્મનું પ્રમોશન કરતી વખતે વાલ્મિકી સમાજ સામે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું.

આ મામલે વાલ્મિકી સમાજના લોકોએ રાજસ્થાન, ગુજરાત તથા ઉત્તરપ્રદેશમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. તેમની માગ છે કે સલમાન ખાન આ મામલે માફી માગે.

રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ ફિલ્મના પોસ્ટર બાળવામાં આવ્યાં તો કેટલીક જગ્યાએ થિયેટરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

રેલવે સ્વદેશી વસ્તુ વાપરે : પીએમઓ

ઇમેજ કૅપ્શન,

ટેન્ડર મામલે બે વિભાગો આમને-સામને આવતા પીએમઓનો હસ્તક્ષેપ

એનડીટીવીની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રેલવે માટે ઉપયોગમાં લેવાતા પાટાઓનું ટેન્ડર વિદેશી કંપનીઓને આપવામાં આવતા રેલવે મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય આમને-સામને આવી ગયાં છે.

હવે આ મામલે વડાપ્રધાન કાર્યાલયે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર જેવી સ્વદેશી કંપનીઓને દરકિનાર કરીને રેલવે મંત્રાલયે વિદેશી કંપનીઓને રેલવે માટે વપરાતા સ્ટીલના પાટાનું ટેન્ડર આપ્યું હતું.

જે બાદ વિવાદ થતા બંને વિભાગો સામ-સામે આવી ગયા હતા. જે બાદ વડાપ્રધાન કાર્યાલયે રેલવે વિભાગને સ્વદેશી કંપનીઓને પ્રાથમિકતા આપવાનું કહ્યું છે.

ચારા કૌભાંડમાં આજે ચુકાદો

ઇમેજ કૅપ્શન,

બિહારના બહુ ચર્ચિત ચારા ગોટાળા પર આજે ચૂકાદો

નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ આજે રાંચી સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)કોર્ટ ચારા કૌભાંડ પર ચુકાદો સંભળાવશે.

બિહારના બહુચર્ચિત ચારા ગોટાળામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહીત અન્ય 22 લોકો પર આરોપો છે.

તેમની આ કેસમાં સંડોવણી હતી કે નહીં તે સંદર્ભે આજે રાંચી સ્થિત સીબીઆઈ કોર્ટ ચુકાદો આપશે.

આ કથિત ગોટાળાની વિગતો મુજબ સાલ 1996માં બિહારના પશુપાલન વિભાગમાં કરોડો રૂપિયાના ગોટાળાનો ખુલાસો થયો હતો.

લાલુ પ્રસાદ અને અન્ય 22 લોકો પર ત્રણ જુદી જુદી ઘટનાઓમાં આ કૌંભાડ સંદર્ભે 950 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મુકવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો