'વીરેન્દ્ર બાબા છોકરીઓને કહે છે તું મારી સોળ હજાર રાણીઓ પૈકીની એક છો'

વીરેન્દ્ર દેવ દિક્ષિત
ઇમેજ કૅપ્શન,

વીરેન્દ્ર દેવ દીક્ષિત પર છોકરીઓના જાતીય શોષણનો આરોપ છે

"ત્રણ વર્ષ પહેલાં પોલીસે અહીં ધોંસ બોલાવી હતી ત્યારબાદ કાંઈ નથી થયું. એક દિવસે આશ્રમનું બારણું ખૂલ્યું અને છોકરીના મૃતદેહને બહાર રાખી દેવામાં આવ્યો. પોલીસ આવી અને તે છોકરીના મૃતદેહને લઈ ગઈ."

આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયનાં નામ હેઠળ ચાલી રહેલા કથિત આશ્રમ અને એ આશ્રમમાં થતી શંકાસ્પદ ગતિવિધિઓ વિશે સ્થાનિક લોકો આવું કાંઈક કહી રહ્યા છે.

છેલ્લાં 25 વર્ષથી દિલ્હીના વિજયવિહાર, રોહિણી વિસ્તારમાં આ આશ્રમ ચાલી રહ્યો છે અને આશ્રમના માલિકનું નામ વિરેન્દ્ર દેવ દીક્ષિત છે.

70 વર્ષીય વીરેન્દ્ર દેવ દીક્ષિત પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ છોકરીઓને નશાની હાલત હેઠળ આ જેલમાં કેદ કરીને રાખે છે અને ત્યારબાદ તેનું જાતીય શોષણ કરે છે.

'તું મારી 16,000 રાણીઓ પૈકીની એક છો'

ઇમેજ કૅપ્શન,

સંસ્થાના વકીલએ જણાવ્યું હતું કે દીક્ષિત પોતાને શિવના અવતાર ગણાવે છે

ફાઉન્ડેશન ફૉર સોશિયલ એમ્પાવરમેન્ટ તરીકે ઓળખાતી બિન-સરકારી સંસ્થાએ આ કેસમાં એક જનહિતની અરજી દાખલ કરી છે.

સંસ્થાના વકીલએ જણાવ્યું હતું કે વિરેન્દ્ર દેવ દીક્ષીત ખુદને શિવના અવતાર ગણાવે છે.

ઉપરાંત તેમણે કહ્યું, "જે રીતે શિવલિંગની ઉપાસના કરવામાં આવે છે, તેવી જ રીતે તે પોતાના લિંગની પૂજા કરવાનું કહે છે."

જે છોકરીઓ ત્યાં રહે છે તેમને નશાયુક્ત દવા પીવડાવીને ત્યાં રાખવામાં આવે છે.

શરૂઆતમાં આ છોકરીઓ પાસે એક ધાર્મિક વિધિ કરાવવામાં આવતી જેને તેઓ 'ભટ્ટી' કહે છે.

'ભટ્ટી' નામની આ પૂજા-વિધિમાં કન્યાઓને સાત દિવસ માટે એકાંતવાસમાં રાખવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

'ભટ્ટી' દરમ્યાન કન્યાને આશ્રમમાં કોઇને મળવાની પરવાનગી આપવામાં આવતી નથી.

જે છોકરીઓ 'ભટ્ટી' નામની આ વિધિમાંથી પસાર થઈ જાય છે તેમને અન્ય શહેરોના આશ્રમમાં મોકલવામાં આવે છે.

નાની છોકરીઓને સમજાવવામાં આવે છે કે તું મારી ગોપી બનીશ.

આ છોકરીઓ દીક્ષિતને તેમનું જાતિય શોષણ કરવાની છૂટ આપે છે.

દીક્ષિત આ છોકરીઓને કહે છે કે તું મારી 16 હજાર રાણીઓમાંની એક છો.

1998 થી બળાત્કારના કેસો

ઇમેજ કૅપ્શન,

આ આધ્યાત્મિક યુનિવર્સિટી નથી અને સંસ્થાને કોઈ અધિકૃત પત્ર આપવામાં આવ્યો નથી

અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 10 એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવી છે.

તેમાંના મોટા ભાગના બળાત્કારના કેસો છે.

આ ફરિયાદો 1998થી લઈને આજ દિવસ સુધીની છે જે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી છે.

જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં દાખલ કરાયેલી 10 એફઆઈઆર ઉપરાંત મહિલાની આત્મહત્યાનો કેસ પણ પોલીસની એન્ટ્રી ડાયરીમાં નોંધાયેલો છે.

7 ડિસેમ્બર 2016ના રોજ જીટીબી હોસ્પિટલ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. આ મહિલાએ આશ્રમની છત પરથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.

આ ઉપરાંત, માર્ચ 4, 2017ના રોજ કથિત આશ્રમમાં એક મહિલાએ જાતે ગળાફાંસો ખાધો હતો.

આ કેસની તપાસ દરમિયાન આશ્રમની સ્ત્રીઓએ તેમના પર ભૂત-પ્રેતની છાંયા હોવાની વાત પણ કરેલી છે.

ઉપરોક્ત બાબત તપાસનો વિષય હોય, આ તપાસનું શું પરિણામ આવ્યું છે એ વાત હજુ બહાર નથી આવી.

બાબા જુદી જુદી ઓળખ સાથે ફરે છે

ઇમેજ કૅપ્શન,

દીક્ષિત કન્યાઓ પાસે માલિશ કરાવતા અને સાથે સ્નાન કરવાનું કહેતા

રાષ્ટ્રીય મહિલા કમિશનના સભ્ય સુષ્મા સાહુએ જણાવ્યું હતું કે તેમને કેટલીક છોકરીઓ એવી મળી જે ત્યાંથી ભાગી જવામાં સફળ રહી હતી અને તેમણે આ છોકરીઓના નિવેદનો નોંધ્યા છે.

પીડિતાઓ સાથે વાત કર્યા પછી એક વાત સ્પષ્ટ થઇ ગઈ હતી કે તેમને એવી હોર્મોનલ દવાઓ આપવામાં આવતી હતી જેથી દીક્ષિત તેમની સાથે સંભોગ કરી શકે.

દીક્ષિત આ કન્યાઓ પાસે માલિશ કરાવતા, સાથે સ્નાન કરવાનું કહેતા અને ત્યારબાદ તેની સાથે સેક્સ માણવા માટે આ છોકરીઓને લલચાવતા.

કાનપુરની એક 13 વર્ષીય છોકરીએ કહ્યું કે તેને રાજસ્થાન લઈ જઈને તેનું જાતિય શોષણ કરવામાં આવ્યું હતું અને તેને વિરોધ નોંધાવતા તેની સાથે મારવામાં આવતી હતી.

સુષ્મા સાહુએ કહ્યું કે દીક્ષિત અલગ ઓળખ કાર્ડ સાથે ફરે છે અને આ તપાસ દરમિયાન તેને ધમકીઓ પણ આપવામાં આવી હતી.

દેશમાં અને વિદેશમાં આશ્રમ

ઇમેજ કૅપ્શન,

કેનેડા, ઈંગ્લેન્ડ, જર્મની, કાઠમંડુ, મલેશિયા અને અમેરિકામાં પણ આ આશ્રમની શાખાઓ છે

આ આશ્રમની વેબસાઇટ દર્શાવે છે કે દિલ્હી, ભોપાલ, મુંબઈ, હૈદરાબાદ સહિતના 12 મોટાં શહેરોમાં આ આશ્રમની શાખાઓ છે.

પરંતુ લોકોની ફરિયાદો દર્શાવે છે કે આ સિવાય ઘણાં શહેરોમાં શાખાઓ છે.

કેનેડા, ઈંગ્લેન્ડ, જર્મની, કાઠમંડુ, મલેશિયા અને અમેરિકામાં પણ આ આશ્રમની શાખાઓ છે.

એક એફઆઈઆર મુજબ અમેરિકામાં પીએચડી કરનાર એક ભારતીય છોકરીને તેના માતાપિતાને જાણ કર્યા વગર આ આશ્રમમાં લાવવામાં આવી હતી.

બિહારના ખગરીયાના શૈલેશ જણાવે છે કે જ્યારે તેઓ તેમના સાથીની પુત્રીને મળવા આવ્યા હતા ત્યારે તેમને 3 કલાક રાહ જોવી પડી હતી.

ત્યારબાદ પણ તેમને છોકરીને મળવાની મંજૂરી મળી ન હતી.

બાદમાં જાણવા મળ્યું કે તેને રોહતક (હરિયાણા) આશ્રમ મોકલવામાં આવી હતી.

જ્યારે તેઓ રોહતકના આશ્રમે પહોંચ્યા ત્યારે આશ્રમના લોકોની દેખરેખ હેઠળ માત્ર 5 મિનિટ માટે જ આ છોકરીને મળવાની છૂટ આપવામાં આવી હતી.

પાડોશીઓને કન્યાઓના અવાજ સંભળાય છે

ઇમેજ કૅપ્શન,

'આશ્રમ અંગે પોલીસને અનેક વખત ફરિયાદો કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં'

આ વિસ્તારના લોકો દાવો કરે છે કે છેલ્લાં 22 વર્ષોમાં બાબા વીરેન્દ્ર દેવ દીક્ષીતના આશ્રમમાં થતી સંદિગ્ધ કાર્યવાહી વિશે પોલીસને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પોલીસે કોઈ પગલાં લીધાં નહીં.

એક પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે રાત્રે કન્યાઓને કારમાં બેસાડી ને ક્યાંક મોકલવામાં આવે છે પણ એમને ક્યાં મોકલવામાં આવે છે એ ખબર નથી.

કારમાં મોકલવામાં આવતી છોકરીઓનું મોઢું ઢાંકી દેવામાં આવે છે.

ઓસરીને પણ સફેદ ચાદરથી ઢાંકી દેવામાં આવે છે આ આશ્રમ અને તેની આસપાસ એક વિચિત્ર પ્રકારની શાંતિ પ્રવર્તી રહી છે.

ક્યારેક ક્યારેક છોકરીઓની ચીસો અને ચિચિયારીઓ સંભળાય છે.

જે માતાપિતા તેમની દીકરીઓને લેવા આવે છે તે તેમની સાથે જવાનો ઇન્કાર કરે છે.

આ આશ્રમનું નામ પણ ઘણી વખત બદલવામાં આવ્યું છે.

એક પાડોશી કહે છે કે જે માતાપિતા ભક્તો છે તેમને પોતાની પુત્રી આશ્રમને સમર્પિત કરવાનું કહેવામાં આવે છે.

દર 2-3 મહિનામાં અહીં કોઈને કોઈ એવો કિસ્સો બને છે જ્યારે પોલીસને અહીં આવવું પડે છે પરંતુ ત્યારબાદ બધું જ સામાન્ય થઈ જાય છે.

વાંધાજનક સામગ્રી મળી

ઇમેજ કૅપ્શન,

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને પોલીસે ભેગા મળીને આશ્રમની તપાસ આદરી હતી

સીબીઆઇ(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને પોલીસે સાથે મળીને ગુરુવારે આશ્રમની તપાસ શરૂ કરી હતી.

જ્યાંથી તેમને 41 સગીરાઓને મળી આવી હતી જેમને બચાવી લેવામાં આવી છે.

દિલ્હી મહિલા કમિશનના અધ્યક્ષ સ્વાતી માલીવાલે મીડિયા સાથે આશ્રમની અંદર અને ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું, "અમે જ્યારે પોલીસની સાથે અંદર આવ્યા ત્યારે અમે જોયું કે દરેક જગ્યાએ લોખંડના દરવાજા અને ત્યાં તાળાં મારેલા હતા."

"આ એક આધ્યાત્મિક યુનિવર્સિટી નથી. આ સ્થળ અને સંસ્થાને કોઈ અધિકૃત પત્ર આપવામાં આવ્યો નથી."

"આ છોકરી અહીં ક્યાંથી આવી હતી અને અહીંથી ક્યાં લઈ જવાઈ રહી છે તેનો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ નથી."

"અમને અહીંથી એવા પત્રો મળ્યા છે જેમાં છોકરીઓ દ્વારા કથિત બાબા માટે વાંધાજનક વસ્તુઓ લખાવવામાં આવી છે."

"અહીં અમને ઘણી દવાઓ, ઇન્જેક્શન અને ઉપયોગમાં લીધેલી જથ્થાબંધ સોઈ મળી છે."

"આ બાબાની ચુંગાલમાં અંદાજે 200 મહિલાઓ છે જેમાંથી અમે 41 નાની છોકરીઓને બચાવી છે."

છોકરીઓ કશું બોલવાની હાલતમાં નથી. હજુ પણ ત્યાં ઘણી સ્ત્રીઓ છે અને આશ્રમને સીલ કરી દેવામાં આવ્યો છે.

વીરેન્દ્ર દીક્ષિતને શુક્રવારે હાઇકોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ બાબા હાલ ફરાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો