રાહુલ ગાંધી : મને ગુજરાતે બહુ શીખવ્યું છે

રાહુલ ગાંધી Image copyright Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉત્સાહજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે અમદાવાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં.

એમણે કહ્યું કે ગુજરાતે તેમને ઘણું બધું શીખવ્યું છે. ગુજરાતથી એમને જે પ્રેમ મળ્યો તે તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.

રાહુલે કોંગ્રેસના પ્રદર્શન પર સંતોષ પ્રગટ કર્યો. તેમણે કહ્યું ભાજપ અને મોદી તેમના સવાલોના જવાબ ના આપી શક્યા.


કોંગ્રેસે જોરદાર લડત આપી

Image copyright TWITTER
ફોટો લાઈન શનિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરતા રાહુલ ગાંધી

રાહુલે કહ્યું એમના સવાલોને કારણે મોદી વિકાસ છોડી બીજા મુદ્દા પર બોલવા લાગ્યા હતા.

તેમણે કહ્યું, “ત્રણ ચાર મહિના પહેલા અહીં સવાલ હતો કે કોંગ્રેસ અહીંથી ચૂંટણી લડશે કે નહીં? કોઈએ નહોતું વિચાર્યું કે કોંગ્રેસ ભાજપને આટલી જોરદાર ટક્કર આપશે. ભાજપે 150 સીટનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ 20-25માં જ સમેટાઈ જશે.”

તમને આ પણ વાંચવું ગમશે

રાહુલે કહ્યું, ''પણ કોંગ્રેસ જોરદાર લડી. ભાજપ પાસે બધું જ હતું. પૈસા હતા, સાધનો હતા. અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ હતા. એમના હાથમાં પોલીસ હતી. ઉદ્યોગપતિઓ હતા. આપણી સાથે માત્ર સત્ય હતું. આપણે દેખાડ્યું કે પ્રેમથી ચૂંટણી કેવી રીતે લડી શકાય છે.”

કોંગ્રેસ પ્રમુખે કહ્યું, “ગુજરાત કોંગ્રેસે આખા હિંદુસ્તાનને દેખાડી દીધું કે કોંગ્રેસ પાર્ટી એક થઈને તેની વિચારધારા મુજબ લડે તો જીતી શકે છે.”


નવું નેતૃત્વ તૈયાર

Image copyright TWITTER

રાહુલે કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે પાર્ટીના પાંચ-દસ ટકા લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. જેમણે સારું કામ કર્યું છે તેમને સંગઠનમાં આગળ વધારવામાં આવશે.''

તેમણે કહ્યું, ''ગુજરાત વિધાનસભામાં પાર્ટીએ નવું નેતૃત્વ તૈયાર કર્યું છે. અમને ખાતરી છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને 135 બેઠકો મળશે.”


ગુજરાત અવાર નવાર આવતો રહીશ

Image copyright TWITTER

રાહુલે કહ્યું, “હું ગુજરાત અવાર નવાર આવતો રહીશ. અમને ખેડૂતો, યુવાનો અને મહિલાઓએ મત આપ્યા છે. આવનારા પાંચ વર્ષોમાં ભાજપ પાંચ-દસ ઉદ્યોગપતિઓની સરકાર ચલાવશે. આપણી જવાબદારી બને છે કે તેમના પર નજર રાખી તેમની નીતિઓની ટીકા કરીએ.”

રાહુલે કહ્યું, “ગુજરાતની ચૂંટણીમાં હારનું કારણ મને ખબર છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ અને નરેન્દ્ર મોદીએ ઝુંબેશ ચલાવી હતી. મારી સામે સૌથી મોટો પડકાર એ જ હતો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને સ્થાનિક નેતૃત્વને એ વિશ્વાસ અપાવવો કે આપણે ચૂંટણી જીતી શકીએ છીએ. આ વખતે 70 ટકા લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને તેની અસર પરિણામ પર જોવા મળી.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો