'બકરી ચરાવવા જેવા મામલે દલિત બાળકીઓ પર રેપ'

Image copyright Getty Images

પટનાના સૌથી મોટા સરકારી દવાખાના પીએમસીએમાં 14 વર્ષની નિમ્મી (નામ બદલ્યું છે) રડી રહી છે.

તેના રડવાનો અવાજ કાનમાં ડ્રિલ મશીનના જેવો કર્કશ અવાજ પેદા કરે છે.

નિમ્મી વારંવાર એક જ વાત કરી રહી છે કે તેને પોતાના ગામ ઝંડાપુર(ભાગલપુર) જવું છે.

તેની સારવારમાં લાગેલા તેના કાકા બબલુ રામ વ્યાકુળ થઈને મને કહે છે, 'નિમ્મી બસ રડ્યાં કરે છે. કંઈ જ બોલતી નથી.'

આ બાજુ લગભગ 250 કિલોમીટર દૂર ઝંડાપુરના 'બડી ટોલા' નામના લત્તામાં નિમ્મીના 22 વર્ષના ભાઈ સંતોષ અને બે પરણિત બહેનો પર આભ તૂટી પડ્યું છે.

આ લોકો કેટલીય વાર આંગણમાં આવેલા ચૂલાની આસપાસની જગ્યાને છાણ અને માટીથી લીપી ચૂક્યા છે.

આ એ જ જગ્યા છે, જ્યાં 25 નવેમ્બરની રાતે માછલી વેચતા તેના પિતા કનિક રામ લોહીમાં લથપથ પડ્યા હતા. એમની આંખ ફોડી દેવાઈ હતી.


નાના દીકરાનું ગુપ્તાંગ કાપી નખાયું

Image copyright SEETU TIWARI/BBC

એ ઘટનામાં કનિકના સૌથી નાના પુત્ર છોટુનું ગુપ્તાંગ કાપી નખાયું હતું.

દરવાજા વિનાના બે ઓરડાની અંદર તેમના પત્ની મીનાદેવીની કોઈ ધારદાર હથિયારથી હત્યા કરી દેવાઈ હતી.

અને પટનાના દવાખાનાની અંદર ભયથી થરથરી રહેલી નિમ્મી એક ઓરડામાં નગ્ન હાલતમાં બેહોશ પડી હતી.

લત્તાના દુલારી દેવીએ સૌ પ્રથમ મૃતક પરિવારનો જોયો હતો.

એ કહે છે, '' મેં જોયું કે છોટું માથું પકડીને બેઠો હતો. કેટલીય વાર સુધી બોલાવ્યા બાદ એણે ધીમેથી માથું હલાવ્યું."

"એના માથામાંથી લોહી નીકળતું જોઈ હું કનિક રામના ઘરમાં દોડી. ઘરમાં ચારેયબાજુ લોહી પડ્યું હતું. એ જોયા બાદ હું બેહોશ થઈ ગઈ."

ઝંડાપુરના આ લત્તામાં મહાદલિતોના 70 પરિવાર રહે છે.

અહીં રહેતાં સાબોદેવી, રીમાદેવી, સુરેન્દ્ર રામ અને સંજુદેવી બહુ ડરેલાં છે.

તેઓ જણાવે છે કે ઘટના ઘટી ત્યારથી તેઓ સારી રીતે ઊંઘી શક્યાં નથી.

એટલું જ નહીં, ઘટના બાદ તેમને કામ મળવાનું પણ બંધ થઈ ગયું છે.

તેમના કહેવા પ્રમાણે રોજ કમાતા અને રોજ ખાતા હાથ 25 દિવસોથી બેકાર છે.


બિહારમાં સતત દલિતો વિરુદ્ધ હુમલા

Image copyright SEETU TIWARI/BBC

પોલીસે આ મામલે અત્યારસુધી બે લોકોની ધરપકડ કરી છે અને બે શંકાના ઘેરામાં છે.

ભાગલપુરના નવગછિયાના એસડીપીએ મુકુલ રંજન આ અંગે કહે છે, ''તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકી સાથે થોડા દિવસ પહેલા બે લોકોએ અલગ અલગ સમયે બળાત્કાર કર્યો હતો."

"બાળકીએ આ વાત પોતાના પિતા કનિક રામને જણાવી હતી. 25 ડિસેમ્બરે મામલો ઉકેલવા બધાએ સાથે મળીને તાડી પીધી હતી."

"એ બાદ કનિક રામ પોતાના ઘર પરત આવી ગયા હતા. પણ આરોપીઓ એક વાગ્યે ફરી તેમના ઘરે આવ્યા. તેમણે બાળકી પર ફરીથી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો."

"અને બાળકીને બચાવવાનો પ્રયાસ કરનારા કનિક રામ અને તેના પરિવારની હત્યા કરી નાખી."

બિહારમાં દલિત અને મહાદલિત મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ સતત ઘટી રહી છે.

એકલા કૈમુર જિલ્લામાં જ સપ્ટેમ્બર 2017થી અત્યારસુધી પાંચ મહાદલિત બાળકીઓ પર બળાત્કાર કરવાની ઘટનાઓ સામે આવી છે.


'નજીવી બાબતે દલિત બાળકીઓ પર બળાત્કાર'

Image copyright SEETU TIWARI/BBC

સ્થાનિક સામાજિક કાર્યકર કમલાસિંહ જણાવે છે, ''છેલ્લા ચાર મહિનામાં મહાદલિત બાળકીઓ પર મૂળા ઉખાડવા, બકરી ચરાવવા જેવી બહુ નજીવી બાબતોને લઈને બળાત્કારની ઘટનાઓ બની છે."

"આ વિસ્તારમાં મહિલા એસપી હોવા છતાં પોલીસ આ મામલે આંખ આડા કાન કરે છે. અહીં પોલીસનું ધ્યાન બાલૂ માફિયા અને ઓડીએફ પર છે.''

એનસીઆરબીનો રિપોર્ટ કહે છે કે 2016માં દલિતો વિરૂદ્ધ સૌથી વધુ ગુના ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં નોંધાયા છે.

ભાગલુપુરમાં મહિલાઓ માટે લડતાં રિંકુ યાદવ કહે છે, ''ઝંડાપુરની ઘટનામાં એક પણ વ્યક્તિ સામે નથી આવી."

"લોકોનો સરકાર અને તંત્ર પરથી ભરોસો ઊઠી ગયો છે. ગુનેગારોને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તેમનું કશું જ બગાડી નહીં શકે."

તેમનું કહેવું છે, "સરકાર અનામત આપીને મહિલા સશક્તિકરણનો ઢોંગ કરે છે. બીજી તરફ દરેક ઘટના બાદ અમે લોકો રસ્તા પર ઊતરીને સંઘર્ષ કરીએ છીએ. પરંતુ ના તો પોલીસ સાંભળે છે કે ના તો નીતિશ કુમાર."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો