પ્રેસ રિવ્યૂ : મોદી સરકારના દબાણને કારણે જીડીપીના સારા આંકડા - સ્વામી

સુબ્રમણિયમ સ્વામી Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સ્વામીના મતે સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિકલ ઑર્ગેનાઇઝેશન(SCO)ના અધિકારીઓ પર જીડીપીના સારા આંકડા દર્શાવવા દબાણ હતું.

આવું કરીને સરકાર દર્શાવવા માગતી હતી કે નોટબંધીની અર્થતંત્ર અને જીડીપી ગ્રોથ પર નકારાત્મક અસર નથી પડી.

અમદાવાદમાં એક કાર્યક્રમમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સને સંબોધતા સ્વામીએ કહ્યું, ''જીડીપીના ત્રિમાસિક આંકડાઓ પર વિશ્વાસ ના કરો. એ બધા બનાવટી છે."

"એસસીઓના અધિકારીઓ પર નોટંબધીને લઈને સારા આંકડા દર્શાવવા દબાણ હતું."

સ્વામીએ રેટિંગ એજન્સીઝ પર પણ સવાલ ઊભા કર્યા, ''આ મૂડી અને ફિચના રિપોર્ટ પર પણ ભરોસો ના કરતા. પૈસા આપીને તેમની પાસેથી ગમે તેવો રિપોર્ટ જાહેર કરાવી શકાય છે."


મેવાણી મહારાષ્ટ્ર જશે

Image copyright SANJEEV MATHUR

ઇન્ડિયન એક્સપ્રેસના જ એન્ય એક અહેવાલ અનુસાર, જિગ્નેશ મેવાણી કોરેગાંવ યુદ્ધનાં 200 વર્ષ પુરા થવાના અવસરે મહારાષ્ટ્ર જશે.

પહેલી જાન્યુઆરી 1818માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મહાર સૈનિકો થકી પેશવા બાજીરાવ બીજાની ત્રણ ગણી મોટી સેનાને હરાવી હતી.

અંગ્રેજોએ પૂણે પાસે આ ઐતિહાસિક લડાઈની યાદમાં વિજયસ્તંભ પણ બનાવ્યો છે.

દર વર્ષે મહારાષ્ટ્રના કોરેગાંવમાં આ યુદ્ધના ઉપલક્ષમાં મોટા પ્રમાણમાં સમારોહ આયોજિત કરાય છે.


ઝેરી પાણી પીવા મજબૂર

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતનાં 21 રાજ્યો અને 153 જિલ્લાઓમાં રહેતા લોકો ઝેરી પાણી પીવે છે.

આ રાજ્યોમાં રહેતા 24 કરોડ લોકો અત્યંત જોખમી ગણાતા આર્સેનિક સ્તરવાળું પાણી પીવા મજબૂર છે.

આ અંગેના પ્રશ્નનો જવાબ આપતા સંસાધન મંત્રાલયે લોકસભામાં જણાવ્યું, ''આસામની 65 ટકા વસ્તી આર્સિનિકથી પ્રદૂષિત પાણી પીવે છે. પશ્ચિમ બંગાળ અને બિહારમાં આ સંખ્યા 44 અને 60 ટકા છે.''

જોકે, વસ્તીના હિસાબે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય ઉત્તરપ્રદેશ છે. જ્યાં સાત કરોડ લોકો આ ઝેરીલું પાણી પીવા મજબૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો