હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે જયરામ ઠાકુર

જયરામ ઠાકુર Image copyright FACEBOOK

ભાજપે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. આ પરિણામોના અઠવાડિયા બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

જયરામ ઠાકુર નવી સરકારના વડા બનશે. તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

જયરામ ઠાકુરના નામનો પ્રસ્તાવ સુરેશ ભારદ્વાજ અને મહેન્દ્ર સિંહે મૂક્યો હતો. જેમનું સમર્થન બાકીના ધારાસભ્યોએ કર્યું.

તમને આ વાંચવું પણ ગમશે:

ઠાકુર હિમાચલ પ્રદેશ ભાજપ એકમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની આગેવાનીમાં પાર્ટીએ 2007માં જીત મેળવી હતી.

Image copyright TWITTER
ફોટો લાઈન પ્રેમ કુમાર ધુમલનો પત્ર

ભાજપે હિમાચલ પ્રદેશમાં 68માંથી 44 બેઠકો જીતી છે.

હિમાચલ પ્રદેશના વરિષ્ઠ પત્રકાર અને ઇન્ડિયન એક્સપ્રેસ સાથે સંકળાયેલા અશ્વિની શર્માના જણાવ્યા અનુસાર ઠાકુર સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે, તે પણ તેમની પસંદગીનું એક કારણ હોઈ શકે.

તેમણે કહ્યું, “જયરામ ઠાકુર મંડી જિલ્લાના છે અને પાંચમી વખત ધારાસભ્ય બન્યા છે. તેમની સામે કોઈ પણ પ્રકારના આરોપ નથી લાગ્યા. તેમની ગણના કામ કરનારા નેતાઓમાં થાય છે.”

ચૂંટણી પહેલા ભાજપે પ્રેમ કુમાર ધુમલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. પરંતુ ધુમલ આ ચૂંટણી હારી ગયા હતા.

આમ છતાં તેમના સમર્થકો તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી રહ્યા હતા. જોકે ધુમલે એક નિવેદન થકી પોતાને રેસમાંથી બહાર બતાવ્યા હતા.

આ પછી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જયરામ ઠાકુરના નામ ચર્ચાતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો