જયંતિ વિશેષ : રફીનો અવાજ આ ગીત બાદ તૂટી ગયો હતો?

મોહમ્મદ રફી (ફાઇલ ફોટો)

સંગીતકાર નૌશાદ હંમેશાં મોહમ્મદ રફી અંગે એક રસપ્રદ કિસ્સો સંભળાવતા હતા.

એક વખત એક ગુનેગારને ફાંસી અપાઈ રહી હતી. જ્યારે અંતિમ ઇચ્છા પૂછવામાં આવી ત્યારે તેણે ના તો પોતાના કુટુંબીજનોને મળવાની મનશા વ્યક્ત કરી કે ના છેલ્લી વખત કંઈક ખાસ વાનગી જમાડવાનું કહ્યું.

ગુનેગારની માત્ર એક જ ઇચ્છા હતી જે સાંભળીને જેલના કર્મચારીઓ સુન્ન થઈ ગયા.

ગુનેગાર મરતા પહેલાં 'બૈજુ બાવરા' ફિલ્મમાં રફીએ ગાયેલું 'ઓ દુનિયા કે રખવાલે' સાંભળવા ઇચ્છતો હતો.

આખરે જેલમાં એક ટેપરેકૉર્ડર મંગાવાયું અને ગુનેગારની અંતિમ ઇચ્છા પૂરી કરવામાં આવી.

શું આપને ખબર છે કે આ ગીત માટે મોહમ્મદ રફીએ 15 દિવસ સુધી રિયાઝ કર્યો હતો.

ગીતના રેકોર્ડિંગ બાદ તેમનો અવાજ એ હદે તૂટી ગયો હતો કે કેટલાકે એવું કહેવાનું શરૂ કરી દીધું હતું કે રફી પોતાનો અવાજ કદાચ પરત નહીં મેળવી શકે.

તમને આ પણ વાંચવું ગમશે

રફી શ્રીલંકામાં

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન ત્રિનિદાદમાં મોહમ્મદ રફી એ શૉ દરમિયાન

પણ રફીએ એ લોકોને ખોટા ઠેરવ્યા અને તેઓ ભારતના સૌથી લોકપ્રિય ગાયક સાબીત થયા.

ચાર ફેબ્રુઆરી 1980 ના દિવસે શ્રીલંકાના સ્વતંત્રતા દિવસે રફીને દેશની રાજધાની કોલંબોમાં એક શો માટે આમંત્રિત કરાયા.

એ દિવસે તેમને સાંભળવા માટે 12 લાખ કોલંબોવાસી એકઠા થયા હતા. એ સમયે એ એક વર્લ્ડ રેકોર્ડ હતો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ જેઆર જયવર્ધને અને વડાપ્રધાન પ્રેમદાસા ઉદઘાટન બાદ, તુરંત કોઈ અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાના હતા.

જોકે, રફીના અલૌકિક ગાયને તેમને રોકાવા મજબૂર કરી દીધા. એ વખતે બન્ને નેતા કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી ત્યાંથી હલ્યા નહોતા.

મોહમ્મદ રફીની વધુ અને તેમના પર પુસ્તક લખનારાં યાસ્મીન ખાલિદ રફી કહે છે કે રફીની એક ટેવ હતી.

તેઓ જ્યારે પણ વિદેશમાં કોઈ શો કરવા માટે જતા ત્યારે ત્યાં સ્થાનિક ભાષાનું કોઈ ગીત ચોક્કસથી ગાતા. એ દિવસે કોલંબોમાં પણ તેમણે સિંહલામાં એક ગીત ગાયું હતું.

રફીના ભાથામાં તમામ તીર

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન મોહમ્મદ રફી તેમની પત્ની બિલ્કીસ સાથે

પણ જેવા જ તેમણે હિંદી ગીતો ગાવાનું શરૂ કર્યું કે ભીડ બેકાબૂ થઈ ગઈ અને આવું ત્યારે થયું હતું કે જ્યારે ભીડમાંથી ભાગ્યે જ કોઈ હિંદી સમજતું હતું.

એટલે જ જો કોઈ એક ગીતમાં જ 'ઇઝહાર-એ-ઇશ્ક'ના તમામ પ્રકારને દર્શાવવા હોય તો આપ એક જ ગાયક પર આપની તમામ સંપત્તિ લગાવી શકો છો અને એ ગાયક છે મોહમ્મદ રફી.

પછી તે કિશોરાવસ્થાના પ્રેમનું ભોળપણ હોય, તૂટેલાં દિલનું દર્દ હોય, પાકટ પ્રેમ હોય, પ્રેમિકાને પ્રણય નિવેદન હોય કે માત્ર તેનાં રૂપના વખાણ હોય... મોહમ્મદ રફીના તોલે કોઈ ના આવી શકે.

પ્રેમને છોડી દો તો પણ માનવીય સંવેદનાઓનાં પણ જેટલા પ્રકાર હોઈ શકે... એ તમામ દુઃખ, સુખ, શ્રદ્ધા, દેશભક્તિ... કે ગાયકીના કોઈ પણ રૂપ, ભજન, કવ્વાલી, લોકગીત, શાસ્ત્રીય સંગીત કે ગઝલ, મોહમ્મદ રફીના ભાથામાં આ તમામ તીર હતા.


રેજ ઑફ ધ નેશન

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન રફીના દીકરા ખાલિદના લગ્નમાં (ડાબેથી જમણી બાજુ) બિલ્કીસ, સંગીતકાર એસડી બર્મન, રફી, ખાલિદ અને તેમની પત્ની યાસ્મીન

રફીને પ્રથમ બ્રૅક શ્યામ સુંદરે પંજાબી ફિલ્મ 'ગુલબલોચ'માં આપ્યો હતો. મુંબઈમાં તેમની પ્રથમ ફિલ્મ હતી 'ગાંવ કી ગોરી'.

નૌશાદ અને હુસ્નલાલ ભગતરામે તેમની પ્રતિભાને પીછાણી અને એ જમાનામાં 'શર્માજી'ના નામે જાણીતા આજના સમયના ખય્યામે ફિલ્મ 'બીવી'માં તેમની પાસે ગીતો ગવડાવ્યાં.

ખય્યામ યાદ કરે છે, '1949માં મેં તેમની સાથે પ્રથમ ગઝલ રેકોર્ડ કરી જે વલી સાહેબે લખી હતી. 'અકેલે મેં વો ઘબરાતે તો હોંગે... મિટાકે વહ મુજ઼કો પછતાતે તો હોંગે.'

રફી સાહેબના અવાજનું તો પૂછવું જ શું? મેં જેમ ઇચ્છ્યું હતું એવું જ તેમણે ગાયું. જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આ ગીત 'રેજ ઑફ ધ નેશન' સાબિત થયું.

મોહમ્મદ રફીના કરીઅરનો સૌથી શ્રેષ્ઠ સમય હતો 1956થી 1965નો ગાળો. એ વખતે તેમણે કુલ છ ફિલ્મફૅર પુરસ્કાર જીત્યા અને રેડિયો સિલોનમાં પ્રસારીત થનારી 'બિનાકા ગીતમાલા'માં બે દાયકા સુધી છવાયેલા રહ્યા.

આરાધના અને રફીને ઝટકો

Image copyright MOHAN CHURIWALA
ફોટો લાઈન દેવ આનંદ, એસડી બર્મન અને રફી

રફીના કરીઅરને ઝટકો લાગ્યો 1969માં આવેલી ફિલ્મ 'આરાધના'થી. રાજેશ ખન્નાની આભામાં આખા ભારતમાં છવાઈ ગઈ અને આર. ડી. બર્મને મોટા સંગીતકાર બનવા તરફ પ્રથમ ડગ માંડ્યું.

'ઇલસ્ટ્રેટેડ વીક્લિ ઑફ ઇન્ડિયા'ના પૂર્વ સહ-સંપાદક રાજુ ભારતન કહે છે, 'આરાધનાનાં તમામ ગીતો પહેલા રફી ગાવાના હતા.

જો એસ. ડી. બર્મન બીમાર ના પડ્યા હોત અને આર.ડી બર્મને તેમનું કામ ના સંભાળ્યું હોત તો કિશોરકુમાર લોકો સામે આવતા જ નહીં.

આમ પણ 'આરાધના'ના પ્રથમ બે ડ્યૂએટ રફીએ ગાયાં હતા.'

ભારતન જણાવે છે, 'પંચમે બહુ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમને તક મળશે તો તે રફીની જગ્યાએ કિશોર પાસે ગવડાવશે.

જ્યાં સુધી રફીની લોકપ્રિયતામાં આવેલા ઘટાડાની વાત છે તો એના અમુક કારણ હતાં.

જે અભિનેતાઓ માટે રફી ગાતા હતા એ દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને સંજીવ કુમાર એ બધા ત્યાં સુધીમાં જૂના થઈ ગયા હતા.

તેમની જગ્યા નવા અભિનેતાઓ લઈ રહ્યા હતા. એમને નવા અવાજની જરૂર હતી. આર. ડી. બર્મન જેવા સંગીતકાર ઊભરી રહ્યા હતા અને તેમને કંઇક નવું કરવાનું હતું. '

રફીની ઉદારતા

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન રફી તેમની વહુ યાસ્મીન સાથે

સિત્તેરના દાયકાની શરૂઆતમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ સિવાયના સંગીતકારોએ મોહમ્મદ રફીનો સાથ છોડી દીધો હતો.

લક્ષ્મીકાંત તો હવે રહ્યા નથી. પણ પ્યારેલાલ ચોક્કસથી કહે છે કે તેમણે નહીં પણ રફીએ તેમનો સાથ છોડી દીધો.

પ્રખ્યાત બ્રૉડકાસ્ટર અમીન સયાની મોહમ્મદ રફી અને લક્ષ્મીકાંત પ્યારેલાલ અંગે એક રસપ્રદ વાત જણાવે છે.

સયાની કહે છે, 'એક વખત લક્ષ્મીકાંતે મને જણાવ્યું કે તેઓ પ્રથમ વખત રફી પાસે ગીત રેકોર્ડ કરવા ગયા અને તેમને કહ્યું અમે લોકો નવા છીએ, એટલે કોઈ પ્રૉડ્યુસર અમને વધું પૈસા પણ નહીં આપે.

અમે તમારા માટે એક ગીત બનાવ્યું છે. જો તમે એ ગાશો તો ઓછા પૈસામાં ભારે મહેરબાની થશે. '

'રફીએ ધૂન સાંભળી. તેમને બહુ જ ગમી અને તેઓ ગાવા માટે તૈયાર થઈ ગયા. રેકોર્ડિંગ બાદ તે રફી પાસૈ થોડા પૈસા લઈને ગયા.

રફીએ પૈસા એવું કહીને પરત સોપી દીધા કે એ તમે રાખી લો અને અંદરોઅંદર વહેચી લેજો અને આવી રીતે જ વહેંચીને ખાજો.

લક્ષ્મીકાંતે મને જણાવ્યું કે એ દિવસ બાદ તેમણે રફીની એ વાત હંમેશાં યાદ રાખી અને હમેંશા વહેંચીને ખાધું.'


સ્ટાઇલિશ ઘડિયાળ અને કારના શોખીન

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન રફી હજયાત્રા પર

રફી બહુ જ ઓછું બોલતા અને જરૂર કરતાં વધારે વિનમ્ર અને સ્વભાવે મીઠડાં માણસ હતા. તેમનાં પુત્રવધૂ યાસ્મીન જણાવે છે કે તેઓ દારુ-સિગરેટને હાથ પણ નહોતા લગાવતા અને પાન પણ નહોતા ખાતા.

તેમને બૉલિવુડની પાર્ટીઝ્માં જવાનો શોખ પણ નહોતો. ઘરે તેઓ માત્ર ધોતી-કુર્તો જ પહેરતા. પણ જ્યારે રેકોર્ડિંગ માટે જતા ત્યારે હંમેશાં સફેદ શર્ટ અને પેન્ટ પહેરતા.

કેમને સ્ટાઇલિશ ઘડીયાળ અને ફેન્સી કાર્સનો શોખ હતો. લંડનની કાર્સના રંગથી તેઓ બહુ જ પ્રભાવિત હતા.

એટલે જ એક વખત તેમણે પોતાની ફિયાટ કારને પોપટી રંગે રંગાવી હતી.

તેઓ એવી મજાક પણ કરતા કે તેઓ પોતાની કારને એવી રીતે સજાવે છે કે જાણે દશેરામાં બળદને સજાવાય.

લંડન માત્ર જમવા માટે ગયા

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન મો. રફી દીકરા ખાલિદ સાથે

રફી ક્યારેક ક્યારેક પતંગ પણ ચગાવતા હતા અને તેમના પાડોશી મન્ના-ડે તેમની પતંગ કાપી પણ નાખતા. તેઓ ખૂબ સારા યજમાન હતા અને પાર્ટી આપવાનો તેમને ભારે શોખ હતો.

તેમના અંગત મિત્ર ખય્યામ જણાવે છે કે રફીએ કેટલીય વખત તેમને અને તેમની પત્ની જગજીત કૌરને જમવા માટે બોલાવ્યાં હતાં. તેમને ત્યાં બહુ જ સ્વાદિષ્ટ જમવાનું બનતું હતું.

યાસ્મીન ખાલિદ કહે છે કે એક વખતે રફી બ્રિટનનાં કૉવન્ટ્રીમાં શો કરી રહ્યા હતા.

જ્યારે તે પોતાના પતિ ખાલિદ સાથે તેઓ તેમને મળવા ગયા ત્યારે રફીનો મૂડ થોડો ખરાબ હતો. કારણ કે ત્યાં તેમને બરાબર જમવાનું નહોતું મળી રહ્યું.

તેમણે પૂછ્યું કે અહીંથી લંડન જતા માટે કેટલો સમય લાગશે? ખુર્શીદે જવાબ આપ્યો કે ત્રણેક કલાક.

પછી એ યાસ્મીનની તરફ વળ્યા અને પુછ્યું કે શું તમે એક કલાકમાં દાળ, ભાત અને ચટની બનાવી શકશો?

યાસ્મીને જ્યારે હા પાડી ત્યારે રફીએ કહ્યું, "ચાલો લંડન જઈએ. અહીં કોઈને કહેવાની જરૂર નથી. આપણે સાત વાગે શૉ શરૂ થવાના સમય પહેલા પાછા કૉવેંટ્રી આવી જઈશું."

રફી, ખાલિદ અને યાસ્મીન કોઈને કહ્યાં વિના લંડન ગયા. યાસ્મીને ફટાફટ તેમના માટે દાળ-ભાત, ચટની અને ડુંગળી-ટામેટાનું સેલેડ બનાવ્યું.

રફીએ જમીને યાસ્મીનને દુઆ આપી અને એવું લાગ્યું જાણે કે કોઈ બાળકને તેનું મનપસંદ રમકડું મળી ગયું હોય.

જ્યારે એ કાવેંટ્રી પાછા આવ્યા અને આયોજકોને કહ્યું કે તેઓ જમવા માટે લંડન ગયા હતા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

મોહમ્મદ અલી સાથે મુલાકાત

Image copyright YASMIN K RAFI
ફોટો લાઈન મો. રફી, બૉક્સર મોહમ્મદ અલીના મોટા પ્રશંસક હતા

રફીને બૉક્સિંગ જોવાનો બહુ શોખ હતો અને મોહમ્મદ અલી તેમના મનપસંદ બૉક્સર હતા.

1977માં જ્યારે એક શૉ માટે તેઓ શિકાગો ગયા હતા ત્યારે આયોજકોને રફીના આ શોખ વિશે ખબર પડી.

એમણે રફી અને અલીની એક મુલાકાત કરાવવાનું વિચાર્યું પણ તે એટલું સરળ નહોતું.

પરંતુ જ્યારે અલીને કહેવામાં આવ્યું કે રફી પણ ગાયક તરીકે એટલા જ પ્રખ્યાત છે જેટલા તેઓ બૉક્સર તરીકે, તો અલી એમને મળવા માટે તૈયાર થઈ ગયા.

બંનેની મુલાકાત થઈ અને રફીએ બૉક્સિંગ પૉઝમાં મોહમ્મદ અલી સાથે ફોટો પડાવ્યો.


પદ્મશ્રીથી પણ મોટા સન્માન માટે હકદાર

Image copyright LATA CALANDER
ફોટો લાઈન સંગીતકાર નૌશાદ અને લતા મંગેશકર બંને સાથે રફીએ કામ કર્યું હતુ

મેં રાજુ ભારતનને પૂછ્યું કે રફી જે સન્માનના હકદાર હતા તે સન્માન તેમને જીવતે જીવત મળ્યું?

એમનો જવાબ હતો, "કદાચ ના. કારણ કે રફીએ સન્માન મેળવવા માટે ક્યારેય લૉબિંગ કર્યું નહોતું. મને લાગે છે કે તેમને માત્ર પદ્મશ્રી જ મળ્યો. તેઓ તેનાથી વધારેના હકદાર હતા."

રાજુ ભારતન આગળ કહે છે, "1967માં જ્યારે તેમને પદ્મશ્રી મળ્યો તો તેમણે વિચાર્યું કે એ પુરસ્કારનો અસ્વીકાર કરી દે. પરંતુ એમને એવી સલાહ આપવામાં આવી કે તેઓ એક ખાસ સમુદાયના છે. જો તેઓ આવું કરશે તો એમને ખોટા સમજવામાં આવશે. એટલે એમણે એ સલાહને માની લીધી અને એવું ન કર્યું."

તેઓ કહે છે, "જો તેઓ પદ્મભૂષણની રાહ જોતા તો તેમને એ જરૂર મળતો અને તે ખરેખર તેના હકદાર પણ હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો