નાગજી પટેલઃ પથ્થરમાં પ્રાણ ફૂંકે એવો માટીનો માણસ

  • ચિરંતના ભટ્ટ
  • બીબીસી ગુજરાતી માટે
નાગજીભાઈ પટેલ.

ઇમેજ સ્રોત, Nagji M. Patel/Facebook

ઇમેજ કૅપ્શન,

નાગજીભાઈ પટેલ

વડોદરા શહેરની ઓળખ સમા વડ સર્કલ માટે પથ્થરોમાં વડ ઉગાડનારા લબ્ધ પ્રતિષ્ઠીત શિલ્પકાર નાગજી પટેલે થોડા દિવસ પહેલાં છીણી હથોડીને કાયમ માટે આરામ આપ્યો.

નાગજી પટેલ એવા કલાકાર જેમને પગલે ભારતમાં 'પબ્લિક આર્ટ'નો વિચાર કંડારાયો.

તમને આ પણ વાંચવું ગમશે

એમણે પોતાની ભારતની અન્ય શિલ્પ કલાથી શહેરોની વિશેષતાને પણ પથ્થરોમાં જીવંત કરી છે.

તો જાપાન, યુગોસ્લાવિયા, ઝીમ્બાબ્વે, જર્મની, પોલેન્ડ, બલ્ગેરીયા, ઇરાક, ક્યુબા અને કોરિયા જેવા દેશોમાં પણ વિશાળ કદનાં શિલ્પ ઊભાં કરીને ભારતીય શિલ્પ કલાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે.

જે માણસે આખી જિંદગી પથ્થરો સાથે જીવવાનું નક્કી કર્યું હતું એમની ગેરહાજરી શિલ્પકલાનાં એક ખુણાને બુઠ્ઠી કરી ગઈ એમ એમના સાથીદારોનું કહેવું છે.

ઇમેજ સ્રોત, Nagji M. Patel/Facebook

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્ટિસ્ટ ગુલામ શેખ નાગજીભાઈને કૉલેજનાં દિવસોથી જાણતા હતા.

એમણે જણાવ્યું, "સાઠ વર્ષની ઓળખાણને થોડા શબ્દોમાં વર્ણવવી અઘરી છે. ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં અમે સાથે જ ભણતા."

"મારું માસ્ટર્સ ૧૯૬૧માં પુરું થયું અને એમનું ૧૯૬૪ની સાલમાં. મેં એની કલાને વિવિધ તબક્કામાંથી પસાર થતાં જોઈ છે."

"એ મૂળ ધરતીનો જીવ, ગામડામાં ઊછર્યો હતો અને પ્રકૃતિને એણે સતત હાથમાં રાખી. એની કલામાં આધુનિક શૈલીનો જાદુ પણ હતો અને એક સાદા જમીન સાથે જોડાયેલા માણસની કલ્પના પણ હતી."

"સદભાગ્યે ફેકલ્ટીમાં શિક્ષકો પણ એવા હતા જે દરેક વિદ્યાર્થીની સમજને એની કળામાં ગૂંથવા પ્રોત્સાહન આપતા."

"નાગજીએ શાળામાં લાંબો સમય ભણાવ્યું, પહેલાં ભવન્સ અને પછી આઇપીસીએલ. એ પહેલો એવો શિલ્પકાર હતો જેણે યુવા કલાકારો અને સિનિયર કલાકારોને સાથે રાખીને સ્કલ્પચર કેમ્પ કર્યા અને હજી છેલ્લે સુધી પણ એ પ્રથા જાળવી રાખી હતી."

"એની સાદગી, નિર્દોષતા અને પ્રામાણિકતા નાગજીને રોમેનિયન શિલ્પકાર કોનસ્ટેનટીન બ્રાંકુસીનું કામ ખૂબ ગમતું અને એનાં શિલ્પ 'કૉલમ ઑફ ઇન્ફિનીટી'થી ખૂબ પ્રભાવિત હતો."

"મને યાદ છે કે એણે કહ્યું હતું કે, 'એ તો જાણે આકાશને અડતું હોય એવું છે'. છેલ્લાં કેટલાંક વર્ષથી એ એનાં સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ, 42 ફીટનાં સ્કલ્પચર પર કામ કરી રહ્યો હતો."

"મેં સાંભળ્યું છે કે એ વડોદરા સ્ટેશનની સામે મુકાશે. આ 'કૉલમ ઑફ ફેઇધ'માં ફૂલોની પેટર્ન પણ છે અને પાંખો પણ છે. મને લાગે છે કે એને ઊડવું હતું અને એણે એમ જ કર્યું."

ઇમેજ સ્રોત, Nagji M. Patel/Facebook

નાગજીભાઈને પહેલાં એક વિદ્યાર્થી તરીકે અને પછીથી સાથી કલાકાર તરીકે ઓળખતા થયેલા શિલ્પકાર રોબીન ડેવીડનું કહેવું છે, "નાગજીભાઈનું જવું બહુ મોટી ખોટ છે."

"૧૯૭૫માં હું એમને પહેલીવાર નવાસવા શિલ્પકાર તરીકે મળવા ગયો હતો અને આ વખતે પણ વડોદરા આવીને સૌથી પહેલાં એમને મળ્યો."

"એબસ્ટ્રેક્ટ કલાને પબ્લિકમાં મુકવાની પહેલ એમણે કરી. એ યુવા કલાકારોને પ્લેટફૉર્મ આપતા, વિદેશી કલાકારોને આમંત્રિત કરી સિમ્પોઝિયમ યોજતા. એ માનતા કે દરેક કલાકારે પોતાની બીજી પેઢી તૈયાર કરવી જ જોઈએ."

એમના કામ પ્રત્યેના અભિગમ અંગે રોબીન જણાવે છે, "એ બહુ ધીરજથી કામ કરતા. જે શહેર માટે શિલ્પ બનાવવાનું હોય એના મિજાજને પારખી લેતા."

"જેમ કે હૈદરાબાદ માટે એમણે નવાબના સોફા જેવા શિલ્પનો લેન્ડમાર્ક તૈયાર કર્યો હતો. એ પ્રવાસ કરતા હોય તો પણ સતત સ્કેચિંગ કર્યા કરે. એ કામથી ક્યારેય અળગા ન થતા."

ઇમેજ સ્રોત, Nagji M. Patel/Facebook

સ્વભાવે અત્યંત મળતાવડા, સાહજિક એવા નાગજી પટેલ સાદા શબ્દોમાં ઘણું કહી જતા એમ યાદ કરતાં શિલ્પકાર રાજશેખરન નાયર કહે છે, "એમને કારણે મારી કારકિર્દી ઘડાઈ. કૉલેજમાં તો શિક્ષકો સારા હતા જ પણ કૉલેજ બહારની દુનિયામાં કેવી રીતે કામ કરવું એ હું એમની પાસેથી શીખ્યો."

એ કહેતા, "પથ્થર પર કામ શરૂ કરો તો શરૂઆત ખૂબ ધીમી રાખવી, થોડા દિવસ થાય પછી પથ્થર એની કઠોરતા અને શક્તિ ખોઈ બેસે અને કલાકારને તાબે થઈ જાય.' ફ્રિલાન્સિંગની આઝાદી પોતાના વિચારોને કલામાં પ્રતિબિંબિત કરવાની આવડત એમની પાસેથી શીખી શક્યો."

વડોદરા જિલ્લાનાં જિથરડી ગામમાં વિતાવેલાં બચપણમાં પ્રાણીઓ, મંદિરની મૂર્તિઓ અને માટીકામમાં શિલ્પકલાનાં બીજ જોનારા નાગજી પટેલની અચાનક વિદાયથી ભારતીય શિલ્પકલાનો એક પાયો ઓછો થઈ ગયો છે.

એમ કહી શકાય પણ એમણે આપેલો કલાનો વારસો પથ્થરોનાં સૌંદર્યને યથાવત્ રાખશે એ ચોક્કસ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો