બ્લૉગ: 'ગર્વથી કહો અમે હિંદુ છીએ અને અમને કોઈ ચિંતા નથી'

  • રાજેશ પ્રિયદર્શી
  • ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
હિંદુ

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર સતત કહી રહી છે કે જનતા દેશ પર ગર્વ કરે. આશા છે કે આ ફૉર્મ્યૂલાથી જનતા દેશ ચલાવનારા લોકો પર પણ ગર્વ કરશે. કેમ કે દેશ, સરકાર, ભાજપ, હિંદુ અને મોદી એક જ તો છે.

વડાપ્રધાને 'ગુજરાતી ગૌરવ'નો શંખનાદ કરતા ચૂંટણી સભાઓમાં જણાવ્યું કે 'ગુજરાતના દીકરા'એ દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી દીધો છે.

તેના માટે દેશ પર, મોદી પર, સરકાર પર અને ભાજપ પર ગર્વ કરવો જોઈએ. ગર્વ કરવાની મત આપવાથી વધુ સુંદર કોઈ અભિવ્યક્તિ હોઈ શકે?

તમને આ પણ વાંચવું ગમશે

જે લોકો સંમત છે તેમને એ જ કહેવામાં આવે છે- તમે શરમ કરો, કેમ કે હિંદુ વિરોધી, રાષ્ટ્રવિરોધી, કોંગ્રેસી, સેક્યુલર, લિબરલ, બુદ્ધિજીવી, પાકિસ્તાન સમર્થક, મુસ્લિમ, આતંકવાદી અને દેશદ્રોહી વગેરે એક જ તો છે.

કેટલાક લોકો તો એવા ઘીટ છે કે તેમને 'શરમ કરો' કહેવામાં આવે છે પરંતુ તેઓ ચિંતા કરવા લાગે છે, ક્યારેક બંધારણની, ક્યારેક લોકતંત્રની, ક્યારેક સંસદની, ક્યારેક સંસ્થાઓની, ક્યારેક દલિતોની, આદિવાસી, મહિલાઓ અને મુસ્લિમોની, ક્યારેક ખેડૂતોની અને મજૂરોની.

ચિંતા કરનારા લોકોની ચિંતા નથી

કેટલાક લોકો વારંવાર ચિંતા કરે છે, તો સરકારે પણ ક્યારેક ક્યારેક થોડી ઘણી ચિંતા કરવી પડે છે.

કેમ કે ચિંતા કરનારા લોકો ગર્વ કરતા લોકોને ભ્રમિત કરે છે, નકારાત્મકતા ફેલાવી દે છે. તેમને એવું કરવાથી રોકવામાં આવે જેથી આખો દેશ કોઈ અડચણ વગર ગર્વ કરી શકે.

આમ તો સરકારની પ્રાથમિકતા સ્પષ્ટ છે, તે ચિંતા કરતા લોકોની ચિંતા નથી કરતી.

પરંતુ ગર્વ કરતા લોકો જ્યારે ચિંતા કરે છે તો સરકારને તેમના કરતા વધારે ચિંતા થાય છે.

ઉદાહરણ તરીકે રાણી પદ્માવતીના સન્માનને બચાવવા માટે ચિંતિત થયેલા લોકોનું તલવાર કાઢવાનું કાર્ય.

સરકાર તુરંત હરકતમાં આવી. રાણી પદ્માવતીને ભારત માતા, ગોમાતા, ગંગા માતાની જેમ રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો.

ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ પ્રતિબંધ લગાવી દેવાયો. જેનાથી ક્ષણિક ચિંતામાં ઘેરાયેલા લોકો ગર્વ કરવાની સ્થિતિમાં પરત ફરી શકે.

ચિંતામુક્ત અને ગર્વયુક્ત સમાજનાં સપનાં સહેલાં નથી.

લોકો ક્યારેક જમવાનું ન મળતા મૃત બાળકીની માનો વીડિયો શૅર કરવા લાગે છે તો ક્યારેક કોઈ નિર્દોષની હત્યાનો. આ કરવાથી ગર્વ કરવામાં અડચણ ઉત્પન્ન થાય છે.

સરકાર નિવેદન આપીને વાત વધારવાના બદલે, ચૂપ રહીને ધૈર્ય સાથે રાહ જુએ છે કે લોકો જલદી ગર્વવાળી સ્થિતિમાં પરત ફરી આવે.

ગર્વ કરવાની માત્રા નિર્ધારિત કરવામાં આવે

ઇમેજ સ્રોત, Dhiraj

ઇમેજ કૅપ્શન,

ઝારખંડમાં સંતોષીનું ભૂખના કારણે મૃત્યુ થયું હતું

ખરેખર ચિંતા કરતા લોકોનો દૃષ્ટિકોણ જ ખોટો છે.

જે ઝારખંડમાં બાળકીનું આધારકાર્ડ ન હોવાથી ભૂખના કારણે મૃત્યુ થયું તે જ રાજ્યમાં ગાય માટે એમ્બ્યુલન્સ સેવા તો સફળતાપૂર્વક ચાલે છે.

સરકાર ગાયો માટે પણ આધારકાર્ડ બનાવી રહી છે, તેના પર ગર્વ થવો જોઈએ કે નહીં?

ગર્વ અને ચિંતા, આ બન્નેમાંથી શું કરવું જોઈએ, કઈ વાત પર ગર્વ કરવો જોઈએ, કઈ વાત પર ચિંતા, અને એ પણ કેટલી માત્રામાં એ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું,

સરકારે તેના પર સ્પષ્ટ નીતિ બનાવવી જોઈએ ત્યારે જ દેશ એકજૂથ થઈને ગર્વ કરી શકશે.

દેશમાં ચિંતાનો નકારાત્મક માહોલ બનાવવા વાળી વ્યક્તિ સાથે કડક વલણ અપનાવવું જોઈએ.

જેવો ગર્વયુક્ત સમાજ ઉત્તર કોરિયાનો છે તેવો અન્ય કોઈ સ્થળે જોવા મળતો નથી. તેઓ જાણે છે કે ગર્વ કેવી રીતે કરાય છે.

ત્યાં ચિંતા વગેરે કરવાનો કોઈ અવકાશ જ નથી.

સરકારની નીતિ સ્પષ્ટ છે, ત્યાં ચિંતા કરતા લોકોને હંમેશા માટે ચિંતામુક્ત કરી દેવામાં આવે છે.

ઉત્તર કોરિયાને જ્યારે ધ્યાનથી જોવામાં આવે છે તો ખબર પડે છે કે ભરપૂર ગર્વ કરવા અને ચિંતા ન કરવામાં લોકતંત્ર બાધક છે.

સરકારે આ વિશે પણ વિચાર કરવો જોઈએ, કેમ કે લોકતંત્રના ચક્કરમાં ઘણી ગર્વ કરવા વાળી વાતો પર પણ ચિંતિત લોકો સવાલ ઉઠાવી દે છે જેનાંથી ગર્વ કરવાની મજા ખરાબ થઈ જાય છે.

લોકો ચિંતા કરવાનું નહીં છોડે તેના માટે સરકારે એક યાદી જાહેર કરવી જોઈએ કે ચિંતા કરવી છે તો આ વિષયો પર કરી લો, જેમ કે ગાંધી પરિવારનો વંશવાદ, કોંગ્રેસ, લાલૂ, મુલાયમ, માયાવતીનો ભ્રષ્ટાચાર, પાકિસ્તાન, આતંકવાદ, મુસ્લિમોની વધતી વસતી અને કટ્ટરતા, લવ જેહાદ, સ્કૂલોમાં શીખવવામાં આવતો ખોટો ઇતિહાસ, હિંદુ પાત્રોનું ખોટું ચિત્રણ અને કેરળ- બંગાળ (જ્યાં સુધી સરકાર નથી બદલી જતી ત્યાં સુધી)ની સ્થિતિ વગેરે.

જમ્મુ કશ્મીર એક અપવાદ છે, જ્યાં ગર્વ કરવા વાળા લોકો સરકારમાં ભાગીદારી કરે છે અને ચિંતા કરવા વાળા મુસ્લિમો બહુસંખ્યક છે.

તે જ કારણ છે કે અહીં ગર્વથી પેલેટ ગન ચલાવવામાં આવે છે. તેનાંથી તેમને ઘાયલ થયેલા યુવાનોની ચિંતા થાય છે તો ઇલાજ માટે એઇમ્સના એક્સપર્ટ મોકલવામાં આવે છે.

ચિંતા કરવા વાળા લોકોએ એક સમયે કશ્મીરીઓ સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો.

મણિશંકર ઐય્યર ગયા તો દેશદ્રોહીનું ચંદ્રક મળી ગયો, યશવંત સિન્હાને જૂના સંબંધોએ બચાવી લીધા.

ગર્વ કરવા વાળા લોકોએ હવે ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ પ્રમુખને પોતાની ચિંતા સોંપી દીધી છે.

ગોબરથી અરબ દેશોને પછાડીશું

ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ખેડૂતોની દુર્દશા પર ચિંતા વ્યક્ત કરનારા લોકોને રાષ્ટ્રવ્યાપી પ્રચારના માધ્યમથી જણાવવું જોઈએ કે ભારતના અબજપતિઓ પર ગર્વ કરો જેથી તેમની પાસેથી પ્રેરણા લઈ શકો કે કેવી રીતે આ લોકોએ પોતાની મહેનતથી સંપત્તિ મામલે દુનિયાના મોટા મોટા લોકોની સરખામણી કરી.

દલિતોની વાત કરનારા જાતિવાદી છે અને આદિવાસીઓની વાત કરનારા માઓવાદી. તેના કારણે તેમના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી.

મુસ્લિમોની ચિંતા જેમને છે તેમણે સમજવું જોઈએ કે રોહિંગ્યા મુસ્લિમો કરતા કેટલી સારી પરિસ્થિતિમાં છે ભારતના મુસ્લિમો.

વિજ્ઞાનના ક્ષેત્રમાં પુષ્પક વિમાન પર સંશોધન ચાલી રહ્યું છે, ચિકિત્સાના ક્ષેત્રમાં ભારત ગોબરના માધ્યમથી અરબ દેશોને પાછળ છોડી દેશે.

ઉદ્યોગના મામલે બાબાના આયુર્વેદિક ઉત્પાદનો વિદેશી કંપનીઓનું નાક દબાવી રહ્યા છે.

સંરક્ષણ ક્ષેત્રે રફાલ વિમાન પર પૂરી રિલાયન્સ છે. શિક્ષણ ક્ષેત્રે દરેક યુનિવર્સિટીમાં રાષ્ટ્રવાદનું ગહન અધ્યયન- અધ્યાપન થઈ રહ્યું છે.

વિદેશ નીતિમાં જોઈએ તો કયા દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આપણા વડાપ્રધાન મોદીને ગળે નથી મળતા?

આ રીતે તાર્કિક દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં બધું જ ગર્વ કરવા લાયક છે.

જે ગર્વ કરવા લાયક નથી તેને જેમ બને તેમ જલદી બદલવામાં આવે.

આ દિશામાં રાજસ્થાન સરકારે ઉદાહરણ રજૂ કર્યું છે. મહારાણા પ્રતાપ પર ગર્વ કરો જેમણે ક્યારેય હાર નથી માની.

નહીં તો સરકાર પર જ ગર્વ કરી લો જેમણે તેમને બેકડેટથી જીતાડી દીધા, બસ ગર્વ કરો.

સ્વેટ માર્ડનની એક એવરગ્રીન બેસ્ટસેલર છે જેનું વેચાણ છેલ્લા ચાલીસ વર્ષોથી ભારતના દરેક રેલવે સ્ટેશન પર થઈ રહ્યું છે- 'ચિંતા છોડો, સુખથી જીવો', તેનું એક રિવાઇઝ્ડ વર્ઝન ભારતમાં દરેક કોર્સમાં અનિવાર્ય હોવું જોઈએ- 'ચિંતા છોડો, ગર્વ કરો.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો