આ ખેતી દરમિયાન પત્ની સાથે નથી સૂતા ખેડૂતો

રેશમના કીડા સાથે મિહિર સબર Image copyright MANISH SHANDILYA
ફોટો લાઈન તસરના કીડાનું પાલન કરતા વિવાહીત પુરુષ બ્રહ્મચારી જેવું જીવન વિતાવે છે

શું ગૃહસ્થ અને બ્રહ્મચર્ય જીવન વચ્ચે કોઈ મેળ હોઈ શકે? આ સવાલનો સીધો જવાબ તમે 'ના'માં આપશો.

પણ ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાના ગુડાબાંદામાં મોટી સંખ્યામાં ખેડૂતો વર્ષોથી આ જ રીતે બન્ને પ્રકારનું જીવન જીવી રહ્યા છે.

આ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પરિણીત ખેડૂત વર્ષમાં આશરે બે મહિના જેટલો સમય બ્રહ્મચારી તરીકે વિતાવે છે.

ખેડૂતોના બ્રહ્મચારી જીવન પાછળ છે એક ખાસ પ્રકારની ખેતી.

તમને આ પણ વાંચવું ગમશે


બે મહિના કેમ બને છે બ્રહ્મચારી?

Image copyright MANISH SHANDILYA
ફોટો લાઈન આ તસવીરમાં સુરેશ મહતો રેશમના ફળ બતાવી રહ્યા છે

આ વિસ્તારમાં ખેડૂતો રેશમની ખેતી કરે છે. જેના માટે રેશમના કીડાઓનો ઉછેર કરવાનો હોય છે.

ખેડૂતો અર્જુન અને આસનના વૃક્ષ પર ઉછરતા તસર(રેશમ)ના કીડાઓને કીડીઓ, જીવજંતુઓ અને પક્ષીઓથી બચાવે છે.

ગુડાબાંદાના અર્જુનબેડા ગામના રહેવાસી 50 વર્ષીય સુરેશ મહતોએ બીબીસી સાથે વાત કરી હતી.

તેઓ જણાવે છે, "તસરની ખેતીના સમયે અમે પત્ની સાથે રાત નથી વિતાવતા."

"તેઓ અમને સ્પર્શ નથી કરી શકતી. અમારી પત્નીઓ અલગ જગ્યાએ રહે છે, અમે પણ અલગ જગ્યાએ રહીએ છીએ."

"આ ખેતી સમયે અમે પત્નીઓના હાથે બનેલું ભોજન પણ જમતા નથી."

આમ કરવા પાછળ કારણ શું છે?

અહીંના ખેડૂતો માને છે કે આ ખેતી દરમિયાન પત્નીઓ સાથે ઊંઘવાથી રેશમની ખેતીમાં રોગ આવી જાય છે.

બ્રહ્મચર્ય સિવાય પણ આ ખેડૂતો કેટલાક નિયમોનું પાલન કરે છે.

જેમ કે અર્જુનબેડા ગામના જ નિત્યાનંદ મહતો જણાવે છે, "અમે સ્નાન કરીને કીડાની રખેવાળી કરવા જઈએ છીએ."

"રખેવાળી દરમિયાન કોઈએ શૌચક્રિયા માટે જવું હોય તો તેઓ શૌચક્રિયા બાદ ફરી સ્નાન કરે છે."

"કીડા બીમાર પડી જાય તો પૂજા પાઠ કરીએ છીએ અને ફળ તૈયાર થયા બાદ બકરાની બલિ ચઢાવીએ છીએ."


આવા નિયમો ક્યારથી લાગૂ કરાયા?

Image copyright MANISH SHANDILYA
ફોટો લાઈન મિહિર સબર, નિત્યાનંદ અને સુરેશ મહતો

તસરની ખેતી દરમિયાન સંયમિત જીવન વાળા નિયમ ક્યારથી લાગુ કરાયા છે?

તેના જવાબમાં સુરેશ જણાવે છે, "અમારા દાદાજી આમ કરતા હતા અને તેમના દાદાજીએ પણ એવું કર્યું હતું."

"હાલ અમે પણ આ નિયમો પાળી રહ્યા છીએ અને અમારાં બાળકો પણ આ નિયમો પાળશે."

આ વિસ્તારમાં તસરની ખેતી કરતા લગભગ બધા જ ખેડૂતો ભલે ગમે તે સમાજ સાથે સંબંધ ધરાવતા હોય, પણ તેઓ આ નિયમોનું ચોક્કસ પાલન કરે છે.

આદિવાસી સમાજ સાથે સંબંધ ધરાવતા મિહિર સબર અર્જુનબેડાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા ગામ ધતકીડીહમાં રહે છે.

તેઓ એવા ખેડૂતોમાંના છે કે જેમનાં વૃક્ષો ગામ કરતાં વધારે દૂર જંગલોમાં છે.

તેઓ તસરની રખેવાળી કરવાના કેટલાક નિયમો વિશે જણાવે છે, "તસરની ખેતીના સમયે અમે ઈંડા અને માંસ તેમજ માછલી ખાતા નથી. જંગલમાં જઈને ઝૂંપડી બનાવીને રહીએ છીએ."

"અમે રસોઈ પણ જાતે જ કરીએ છીએ તેનું અમને સારું ફળ પણ મળે છે."


તૂટી રહ્યા છે 'નિયમ'

Image copyright MANISH SHANDILYA
ફોટો લાઈન તસરની ખેતીમાં હવે મહિલાઓ પણ પુરુષોને મદદ કરે છે

જોકે, આ માન્યતા હવે ધીમે ધીમે તૂટી પણ રહી છે.

ધતકીડીહ ગામમાં બનેલા તસર ઉત્પાદન સહ પ્રશિક્ષણ કેન્દ્રમાં અમારી મુલાકાત માકડી ગામના દીપાંજલિ મહતો સાથે થઈ. તેમનો પરિવાર પણ તસરની ખેતી કરે છે.

તેઓ કહે છે, "પહેલાં પુરુષ જ તસરની ખેતી કરતા હતા અને મહિલાઓની નજીક જતા ન હતા. પરંતુ હવે અમે પણ ખેતીમાં તેમને મદદ કરીએ છીએ."

"શરૂઆતમાં પુરુષોને સમજવામાં એક-બે વર્ષ લાગ્યાં, પણ હવે બે-ત્રણ વર્ષોથી આમ થઈ રહ્યું છે. હવે પુરુષોને પણ લાગે છે કે મહિલાઓ પણ તસરની ખેતી કરી શકે છે."

હવે ઝારખંડના પહાડોથી ઘેરાયેલા આ વિસ્તારમાં તસરની ખેતીની આગામી સીઝન લગભગ છ મહિના બાદ ચોમાસામાં શરૂ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો