કાશ્મીર : કોણ હતો ચાર ફૂટનો 'મોતનો સોદાગર' જે માર્યો ગયો

નૂર મોહમ્મદ તાંત્રે Image copyright PANUN PRESS
ફોટો લાઈન નૂર મોહમ્મદ તાંત્રે માત્ર ચાર ફૂટ બે ઇંચનો હતો

ભારતીય સુરક્ષાબળોએ મંગળવાર (26 ડિસેમ્બર 2017)ના રોજ ચર્ચિત ચરમપંથી નૂર મોહમ્મદ તાંત્રેને શ્રીનગરની બહાર થયેલી એક અથડામણમાં ઠાર કર્યો છે.

નૂર મોહમ્મદ તાંત્રે પાકિસ્તાનથી સંચાલિત ચરમપંથી સમૂહ 'જૈશ-એ-મોહમ્મદ'નો કમાન્ડર હતો.

પોલીસે જણાવ્યું છે કે લાંબા સમય સુધી ચાલેલી અથડામણમાં તાંત્રેનું મૃત્યુ થયું છે.

તાંત્રેના પુલવામા સ્થિત ઘરમાં અન્ય બે ચરમપંથીઓ તેમની સાથે હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી.

તાંત્રેની વર્ષ 2003માં ધરપકડ કરનારા એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તાંત્રેને તેમના નાના કદના કારણે ચરમપંથીઓએ તેમના સમૂહમાં સામેલ કર્યો હતો.

તાંત્રે માત્ર ચાર ફૂટ બે ઇંચની લંબાઈ ધરાવતો હતો.

અધિકારીની માહિતી મુજબ, "કોઈને પણ તેમના ચરમપંથી હોવા પર શંકા ન થતી અને આ જ કારણ હતું કે જૈશ એ મોહમ્મદે તેમની ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે ભરતી કરી હતી."

પરંતુ આ નાનું કદ તેમની ઓળખ પણ બની ગયું. જેના કારણે સુરક્ષાબળો માટે તેમને ઓળખવું સહેલું બની ગયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે


કોણ હતો નૂર મોહમ્મદ તાંત્રે?

Image copyright BILAL BAHADUR
ફોટો લાઈન તાંત્રેને 2011માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ 2015માં તે પેરોલ તોડી નાસી છૂટ્યો હતો

47 વર્ષીય નૂર મોહમ્મદ તાંત્રેને એક કેસની સુનાવણી દરમિયાન 'મોતનો સોદાગર' કહેવામાં આવ્યો હતો.

તાંત્રે વર્ષ 2001માં ભારતીય સંસદ પર થયેલા હુમલાનો કથિત માસ્ટરમાઇન્ડ અને જૈશના કમાન્ડર ગાઝી બાબા સાથે નજીકના સંબંધ ધરાવતો વ્યક્તિ હતો.

દિલ્હીમાં જ્યારે વર્ષ 2003માં તેમની ધરપકડ થઈ હતી ત્યારે તેમની પાસેથી બોરી ભરીને રૂપિયાની નોટો મળી હતી.

વર્ષ 2011માં તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ 2015માં તેઓ પેરોલ તોડી નાસી છૂટ્યા હતા.

સ્થાનિક મીડિયાના રિપોર્ટના આધારે પેરોલથી નાસી છૂટ્યા બાદ તાંત્રે પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા હતા. તેમણે મધ્ય કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદની કમાન સંભાળી હતી.

માનવામાં આવે છે કે ઑક્ટોબરમાં શ્રીનગર એરપોર્ટ પાસે BSF કેમ્પ પર થયેલા હુમલાના માસ્ટરમાઇન્ડ પણ તાંત્રે જ હતા.


કેવી રીતે થઈ અથડામણ?

Image copyright AFP
ફોટો લાઈન તાંત્રેનું એન્કાઉન્ટર ભારતીય સૈન્ય માટે એક મોટી સફળતા છે

જમ્મુ કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ એસ.પી.વૈદ્યના જણાવ્યા અનુસાર ખૂબ સટીક ગુપ્ત જાણકારીના આધારે ચલાવવામાં આવેલા ઑપરેશન દરમિયાન તાંત્રેનું મૃત્યુ થયું છે.

તેમણે કહ્યું, "જોકે, બે ચરમપંથી ભાગવામાં સફળ રહ્યા હતા."

વૈદ્યની માહિતી અનુસાર તાંત્રે શ્રીનગર જમ્મુ હાઇવે પર ગાડીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.

ભારત પ્રશાસિત જમ્મુ કાશ્મીરમાં 1989 બાદ વારંવાર હિંસા થતી જોવા મળી છે.

પરંતુ જુલાઈ 2016માં ચરમપંથી બુરહાન વાનીનું ભારતીય સૈનિકોએ હાથ ધરેલા અભિયાન દરમિયાન મૃત્યુ થયા બાદ હિંસાનો નવો દોર શરૂ થયો છે.

નૂર મોહમ્મદ તાંત્રેનાં મૃત્યુને આ વિસ્તારમાં ચરમપંથીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહેલા સૈનિકો માટે મોટી સફળતા માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો