સાંસદ નરેશ અગ્રવાલે જાધવ મામલે એવું શું કહ્યું કે સંસદમાં હોબાળો થઈ ગયો

રાજ્યસભામાં નરેશ અગ્રવાલ Image copyright RSTV/YOUTUBE

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર આપેલા નિવેદન બાદ વિવાદ થયો છે.

નરેશ અગ્રવાલે કહ્યું હતું, "કયા દેશની શું નીતિ છે તે દેશ જાણે છે. જો તેમણે કુલભૂષણ જાધવને પોતાના દેશમાં આતંકવાદી માન્યા છે તો તેઓ એ હિસાબે જ વ્યવહાર કરશે."

"આપણા દેશમાં પણ આતંકવાદીઓ સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ. કડક વલણ અપનાવવું જોઈએ."

"હું નથી જાણતો કે માત્ર કુલભૂષણ જાધવની વાત જ કેમ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલોમાં મોટી સંખ્યામાં ભારતીયો કેદ છે, તે દરેકની વાત કેમ કરવામાં આવતી નથી?"

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેવામાં નરેશ અગ્રવાલની પાકિસ્તાન માટે નરમ કહેવાતી આ ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ભાજપના સોશિઅલ મીડિયા પ્રમુખ અમિત માલવીયાએ ટ્વીટ કર્યું, "સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલ પાકિસ્તાનના પ્રવક્તા જેવી વાત કરી રહ્યા છે."

"આ રાહુલ ગાંધીના સર્જિકલ સ્ટ્રાઇકલ પર સવાલ ઉઠાવવા તેમજ પુરાવા માગવાથી અલગ નથી. UPA હોય તો બીજા દુશ્મનોની શું જરૂર છે?"

તમને આ પણ વાંચવું ગમશે


'પાકિસ્તાનનો પક્ષ લે છે'

Image copyright TWITTER

પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવ પર જાસૂસીના આરોપ છે અને પાકિસ્તાનની કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી છે.

સોમવારના રોજ જાધવના માતા અને તેમના પત્નીએ તેમની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી.

ભારતે પાકિસ્તાન પર જાધવના માતા અને પત્ની સાથે ગેરવર્તણૂકના આરોપ લગાવ્યા છે જેમને પાકિસ્તાને ફગાવી દીધા છે.

બન્ને દેશોની મીડિયામાં પણ જાધવનો મામલો હેડલાઇન્સમાં છવાયેલો છે.

તેવામાં ભારતમાં રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલે પાકિસ્તાનના જાધવ પ્રત્યેનાં વલણને યોગ્ય ગણાવતા વિવાદ થયો છે.

ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે ટ્વીટ કર્યું, "સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલ અને નેશનલ કૉન્ફરન્સના મુસ્તફા પાકિસ્તાનના પક્ષમાં કોંગ્રેસના નેતૃત્વ વાળા યુપીએની રાષ્ટ્રહિતો સાથેની છેતરપિંડી દર્શાવે છે."

"તેઓ પાકિસ્તાનનો પક્ષ લે છે. પાકિસ્તાનના નેતાઓ સાથે જમે છે, ભારતીય સેના પ્રમુખને અપશબ્દો કહે છે. સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવે છે. કુલભૂષણ જાધવને આતંકવાદી કહે છે. દુ:ખદ."


સપાએ પણ ટીકા કરી

આ તરફ ભાજપ સાંસદ સુબ્રમણ્યન સ્વામી કહે છે કે નરેશ અગ્રવાલે માફી માગવી જોઈએ.

તેમણે કહ્યું કે સંસદીય કાર્યમંત્રીએ નરેશ અગ્રવાલ પાસે સંસદમાં માફી મગાવવા માટે પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા પંખુડી પાઠકે ટ્વીટ કર્યું, "અમે નરેશ અગ્રવાલના નિવેદનની નિંદા કરીએ છીએ. કુલભૂષણ જાધવ આતંકવાદી નથી અને એક દેશ તરીકે અમે તેમની સાથે ઊભા છીએ અને એકજૂથ છીએ."

"સરકારે જવાબ આપવો જોઈએ કે તેઓ તેમનાં માતા અને પત્નીની મુલાકાતને સન્માનીય કરાવવામાં કેમ નિષ્ફળ રહ્યા. તેનાથી પાકિસ્તાનનું શરમજનક વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સામે આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો