પ્રેસ રિવ્યૂ: વડાપ્રધાન મોદીનો ઇન્ડિયન કોફી હાઉસ સાથેનો જૂનો નાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આઈએમગુજરાતમાં પ્રકાશિત અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈકની ઓર્ડર અપાયેલી કોફી પી ગયા અને તે પણ બિલ ચૂકવ્યા વગર.

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી જયરામ ઠાકુરના શપથગ્રહણ સમારોહમાંથી પાછા ફરી રહેલા વડાપ્રધાને અચાનક જ સિમલામાં માલ રોડ પર આવેલ ઇન્ડિયન કોફી હાઉસ પાસે પોતાનો કાફલો રોકી દીધો.

તેઓએ ગાડીમાંથી બહાર નીકળીને લોકોને અભિવાદન કર્યું. આ પછી તેમણે કોફી માટે ઇશારો કર્યો.

વડાપ્રધાન મોદીએ ચૂસકી લેતા-લેતા જૂની યાદોને તાજી કરી.

તમને આ પણ વાંચવું ગમશે

કોફી હાઉસના સહાયક મેનેજર નરેન્દ્ર સિંહ નેગીએ વડાપ્રધાનની કોફીનું બીલ ના સ્વીકાર્યું. તેમના મુજબ વડાપ્રધાનનું તેમની કોફી હાઉસની બહાર ઉભા રહેવું એક ગૌરવની વાત છે.

32 વર્ષોથી ઇન્ડિયન કોફી હાઉસમાં મેનેજર તરીકે કાર્યરત આત્મારામ શર્મા મુજબ નરેન્દ્ર મોદી ઇન્ડિયન કોફી હાઉસના જૂના ગ્રાહક છે.

તેઓ જ્યારે હિમાચલના પ્રભારી હતા ત્યારે પણ ઘણીવાર કોફી હાઉસમાં બેસીને સમય પસાર કરતા હતા.

એ વાત અલગ છે કે જે કોફી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુ કરવામાં આવી હતી તેનો ઓર્ડર અન્ય કોઈ ગ્રાહકે આપ્યો હતો.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પોલીસ સ્ટેશનને ઘેરાવ

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે વડગામથી ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં એક હજારથી વધુ લોકો સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

મેવાણીના જણાવ્યા મુજબ 150થી 200 અડ્ડાઓ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યા છે. જેમાંનો એક દેશી દારુનો અડ્ડો પોલીસ સ્ટેશનની સામે જ ધમધમી રહ્યો છે.

જીગ્નેશ અને તેમના સમર્થકોએ પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા શીતલ થિયેટરથી લઈને ગોમતીપુર ગામ સુધી ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા કહ્યું છે.

સાથે સાથે જીગ્નેશ અને તેમના સમર્થકોએ શહેરમાંથી બુટલેગર, ચેઇન સ્નેચર અને પાકિટમારને પકડવા પોલીસને આવેદન આપ્યું હતું.

આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ગોમતીપુર પોલીસ સ્ટોશન પહોંચી ગયા હતા.

માલેગાંવ બ્લાસ્ટના આરોપીઓ પરથી 'મકોકા' હટાવાયો

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા, લેફટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત સહિતના અન્ય આરોપીઓને રાહત મળી છે.

આ તમામ આરોપીઓ પરથી મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) યુએપીએ (અનલૉફુલ પ્રિવેંશન એક્ટિવિટીઝ એક્ટ) કલમ 17, 20 અને 13ને હટાવવામાં આવી છે.

આ આરોપીઓ વિરૂદ્ધ અનલોફુલ એક્ટીવિટીઝ એક્ટની કલમ 18 અને અન્ય કલમ હેઠળ જ કેસ ચાલશે.

જો કે કોર્ટે સાધ્વી પ્રજ્ઞાને ષડયંત્રના કેસમાંથી મુક્ત ન કરી શકાય તેમ જણાવ્યું છે.

હાલ તો માલેગાંવ વિસ્ફોટના તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે ત્યારે સ્પેશિયલ NIA કોર્ટે તેમની જામીન અવધિ પણ વધારી છે.

હવે એનઆઈએની સ્પેશિયલ કોર્ટ દ્વારા વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ કરવામાં આવશે.

29 સપ્ટેમ્બર, 2008નાં રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં રમજાન દરમિયાન નમાઝના સમયે વિસ્ફોટ થયો હતો.

જેમાં 7 લોકોનાં મોત નિપજ્યા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.

આ મામલામાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો