જાધવની પત્નીના વારંવાર આગ્રહ છતાં પાકિસ્તાને તેમના બૂટ પરત ના કર્યા

મુલાકાત લેવા ગયેલાં કુલભૂષણના માતા અને પત્ની

'એક માની પોતાનાં પુત્ર સાથેની, એક પત્નીની પોતાનાં પતિ સાથેની મુલાકાતને પાકિસ્તાને પ્રૉપગૅન્ડામાં બદલી નાખી.'

પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ અને તેમના પરિવારની મુલાકાત પર ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સંસંદમાં સંબંધિત નિવેદન આપ્યું છે.

'પાકિસ્તાને ના માત્ર તેમના પત્ની પણ તેમના માતાનો ચાંદલો પણ હટાવડાવ્યો. કુલભૂષણ જાધવના માતા સાથે મેં આ અંગે વાત કરી છે.

કુલભૂષણે આ અવસ્થામાં માતાને જોયા તો પૂછ્યું 'પિતાજીને કેમ છે?' તેમને લાગ્યું કે તેમની ગેરહાજરીમાં કોઈ દુર્ઘટના ઘટી છે.'

ભારતના વિદેશ પ્રધાનના નિવેદન સંબંધે ઉઠાવાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે ભારતના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

શું કહ્યું સુષમા સ્વરાજે?

કુલભૂષણ જાધવની પત્નીના વારંવાર આગ્રહ છતાં પાકિસ્તાને તેમના બૂટ પરત ના કર્યા. પાકિસ્તાની મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે તેમના બૂટમાં કેમેરા કે રેકૉર્ડર હતા.

આનાથી વધુ ખોટી વાત બીજી કોઈ ના હોઈ શકે. તેઓ આ જ બૂટ પહેરી બે ફ્લાઇટ્સમાં સફર કરી ચૂક્યાં હતાં.

આમાં માનવતાવાદી વર્તન જેવું કંઈ જ નહોતું. પરિવારના લોકોનાં માનવાધિકારનું વારંવાર હનન કરવામાં આવ્યું. તેમના માટે ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો.

કુલભૂષણ જાધવના માતા માત્ર સાડી જ પહેરે છે. તેમને સલવાર સુટ પહેરવાની ફરજ પડાઈ. મા અને પત્ની બન્નેનાં ચાંદલા હટાવાયાં. મંગળસુત્ર પણ ઊતારી દેવાયું.

બન્ને પરિણીત મહિલાઓને વિધવા જેવાં દેખાવા મજબૂર કરવામાં આવ્યાં.

પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું કે કમાન્ડર જાધવના પત્ની અને માતાને ઇસ્લામિક પરંપરા તેમજ દયા-કરુણા દાખવતા માનવતાના ધોરણે રૂબરૂ મુલાકાતની પરવાનગી આપવામાં આવી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય ખાતે આ મુલાકાત 25મી ડિસેમ્બરના રોજ શક્ય બની હતી.

ઘણા બધા અંતરાયો છતાં ઉપરોક્ત મુલાકાત શક્ય બની તે માટે તેને એક્નોલેજ કરવી - અનુમોદન આપવું જરૂરી છે.

ત્રીસ મિનિટ માટે નક્કી થયેલી મુલાકાત વિનંતીને માન્ય રાખી ચાલીસ માટે લંબાવાઈ અને તેને અંતે જાધવના માતાએ પાકિસ્તાન સરકારનો આભાર માન્યો એ જ તેની સફળતા બતાવે છે.

આ મુલાકાત સંદર્ભે ભારતીય માધ્યમોમાં 'જાધવના માતા, પત્નીના કપડાં બદલાવવામાં આવ્યા, તેમના જૂતાં જપ્ત કરી લેવામાં આવ્યા' વિગેરે જેવા જે અહેવાલો પ્રસારિત થયા અને તેની નૈતિકતા સંદર્ભે જે સવાલો ઉઠાવવામાં આવ્યા તેનો જવાબ આપતાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ જણાવ્યું કે માનવતા દાખવવાની તમામ હકીકતો સામે ભારતે એ ભૂલવું જોઇએ નહીં કે આ માતા-પુત્ર કે પતિ-પત્ની વચ્ચેની સામાન્ય મુલાકાત નહોતી.

કમાન્ડર જાધવ ભારતીય નૌ સેનાનો અધિકારી છે, આરોપો સાબિત થયેલો આતંકવાદી હોવા ઉપરાંત તે એવો જાસૂસ છે જે પાકિસ્તાનમાં આતંક ફેલાવતા અગણિત લોકોના મૃત્યુ માટે પણ જવાબદાર છે એ ભારતે યાદ રાખવું જોઇએ.

રાજદ્વારી સ્તરે નક્કી થયેલી મુલાકાતના ભાગરૂપે મુલાકાતીઓની સુરક્ષાના કારણોસર ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તે મુદ્દે બન્ને દેશ સંમત થયા હતા. મુલાકાતીઓનું માન જાળવતાં તેમને કપડાં બદલવાનું અને ઘરેણાં દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું.

જે મુલાકાતના અંતે તેમણે પૂર્વવત ધારણ કરી લીધા હતા. પત્નીનાં જૂતાંનું સિક્યુરિટી ચેક નહોતું થયું અને તેમાંથી મળી આવેલી એક મેટલ ચીપના કારણે તેને અમારા પઝેશનમાં (જપ્તીમાં) રાખ્યા છે.

ભારતના રાજકારણને ભારતીય માધ્યમો ચલાવી રહ્યા છે એ બાબતને દુઃખદ ગણાવતા તેમણે એમ પણ કહ્યું કે જગતના ઘણા એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર ચહેરા પરનો બુરખો કે ગળામાંનો ક્રોસ (ખ્રિસ્તી ધર્મનું પ્રતિક) દૂર કરાવે છે. તેને ધર્મના અપમાન સાથે જોડવી જોઈએ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો