લોકસભામાં ટ્રિપલ તલાક બિલ ધ્વનિમતથી પસાર

રવિશંકર પ્રસાદ Image copyright Getty Images

ટ્રિપલ તલાક બિલ (મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ) લોકસભામાં ગુરૂવારના રોજ પાસ થઈ ગયું.

લાંબી ચર્ચા બાદ બિલ વિરૂદ્ધ બધાં સંશોધન ફગાવી દેવાયાં હતાં એટલે કે તેને કોઈ સંશોધન વગર પાસ કરી દેવાયું છે.

આ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

બિલ પર વિપક્ષો 19 સંશોધન પ્રસ્તાવ લઈને આવ્યા હતા પરંતુ ગૃહે બધાં સંશોધનોને ફગાવી દીધાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

ત્રણ સંશોધનો પર મતદાનની માગ કરવામાં આવી અને મતદાન થયા બાદ સ્પીકર સુમિત્રા મહાજને પરિણામોની ઘોષણા કરતાં કહ્યું કે સંશોધન ફગાવી દેવાયાં છે.

સંશોધન વિરૂદ્ધ 241 મત મળ્યા જ્યારે તેના પક્ષમાં માત્ર બે જ મત મળ્યા હતા.

આ બિલમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

બિલ પ્રમાણે જો કોઈ પુરુષ તલાક આપે છે તો તેમને પોલીસ સ્ટેશન કે કોર્ટ, ક્યાંયથી પણ જામીન નહીં મળે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્રિપલ તલાક બિલમાં વર્ણિત સજાની જોગવાઈ વિરૂદ્ધ વાંધો ઉઠાવ્યો હતો.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે હોબાળા વચ્ચે આ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું, "દેશની મહિલાઓ ખૂબ પીડિત હતી. 22 ઓગષ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય બતાવી હતી. આજે સવારે મેં વાંચ્યું કે રામપુરના એક મહિલાને ટ્રિપલ તલાક આપી દેવાઈ કે તેઓ સવારે મોડાં ઉઠ્યાં હતાં."

"આ બિલ કોઈ ધર્મ કે સંપ્રદાય વિરોધી નથી, પણ બંધારણ પ્રમાણે છે. આ બિલ મહિલાઓની ગરિમા અને સન્માન માટે છે."

RJD (રાષ્ટ્રીય જનતા દળ)ના સાંસદ જયપ્રકાશ યાદવે કહ્યું, "આ મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સાથે ચર્ચા અને તેમની સંમતિ મેળવવા પ્રયાસ કરવો જોઈએ."

"પતિ જેલમાં, પત્ની ઘરમાં, બાળકોની દેખરેખ કોણ કરશે. સકારાત્મક પગલું લેવું જોઈએ."

હૈદરાબાદમાં AIMIM (ઑલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહ દૂલ મુસ્લિમ)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "આ મુદ્દા પર સંસદને કાયદો બનાવવાનો કોઈ હક નથી કેમ કે આ બિલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે."

"આ બંધારણના અનુચ્છેદ 15નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે પહેલાં જ તલાક-એ-બિદ્દતને રદ કરી દીધી છે."

"દેશમાં પહેલાંથી કાયદો છે, ઘરેલૂ હિંસા નિવારણ નિયમ છે, IPC છે. તમે તેવા જ કામને ફરી અપરાધ ઘોષિત નથી કરી શકતા."

"આ બિલમાં વિરોધાભાસ છે. આ બિલ કહે છે કે જ્યારે પતિને જેલમાં મોકલી દેવામાં આવશે, ત્યારે પણ સાથે રહેવાનો અધિકાર રહેશે. તેમને ભથ્થું પણ આપવું પડશે."

"એ કેવી રીતે શક્ય છે કે જે વ્યક્તિ જેલમાં હોય તે ભથ્થું પણ આપી શકે. તમે કેવો કાયદો બનાવી રહ્યા છો."

"મંત્રીજીએ શરૂઆતમાં જ કહ્યું કે બિલ પર કોઈની સાથે ચર્ચા કરવામાં આવી નથી. જો આ બિલ પાસ થઈ જાય તો મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય થશે. લોકો પોતાની પત્નીઓને છોડી દેશે."

"દેશમાં 20 લાખ મહિલાઓ છે, જેમને તેમનાં પતિએ તરછોડી દીધી છે અને તે મુસ્લિમ નથી."

"તેમની માટે પણ કાયદો બનાવવાની જરૂર છે. તેમાં ગુજરાતમાં આપણા ભાભી પણ છે. તેમને ન્યાય અપાવવાની જરૂર છે. આ સરકાર એવું નથી કરી રહી."

Image copyright DOMINIQUE FAGET/AFP/GETTY IMAGES

કેરળના મુસ્લિમ લીગના સાંસદ મોહમ્મદ બશીરે કહ્યું, "આ બિલ બંધારણના અનુચ્છેદ 25નું ઉલ્લંઘન છે. આ બિલ પર્સનલ લૉમાં અતિક્રમણ કરે છે."

બીજૂ જનતા દળના સાંસદ ભૃતહરિ મહતાબે કહ્યું કે આ બિલમાં ખામીઓ છે. આ બિલમાં ઘણા વિરોધાભાસ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ