ગુજરાતના જીરાનું શું છે સીરિયા કનેક્શન?

જીરું Image copyright Getty Images

ગુજરાતના મહેસાાણા જૂનામાંકા ગામના જેઠાભાઈ ગંગારામ પટેલ છેલ્લા ચાર દશકથી જીરાની ખેતી કરી રહ્યા છે. પરંતુ જેટલા પૈસા તેમને જીરાની ખેતીના આ વર્ષે મળ્યા છે એટલા ક્યારેય નથી મળ્યા.

ભારતમાં જીરાની કિંમત મહેસાણાના ઊંઝામાં એપીએમસી(ખેત ઉત્પાદન બજાર સમિતિ)થી નક્કી થાય છે. અહીં અત્યારે એક ક્વિન્ટલ જીરાની ખરીદી 21000 રૂપિયામાં થઈ રહી છે.

આ વર્ષે નવેમ્બરમાં જીરાની કિંમત પહેલીવાર 20 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી હતી.

જીરાની કિંમતોમાં થયેલા ઉછાળાની સીધી અસર ખેડૂતોની આવક પર થઈ છે.

તમને આ પણ વાંચવું ગમશે

જેઠાલાલ કહે છે હવે એક વિઘા ખેતરમાં જીરાના પાકથી 25થી 30 હજાર રૂપિયાની આવક આરામથી થઈ જાય છે.

90 દિવસમાં તૈયાર થનારો જીરાનો પાક ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યો છે.

ઓછાં પાણી અને ઓછી મહેનતમાં થતી આ ખેતી માટે ખાસ પ્રકારની ઋતુ અને વાતાવરણની જરૂર હોય છે.

આવી આબોહવા ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે.

જીરાની કિંમત વધવાના બે કારણો છે. એક કે આ વર્ષે જીરાનો સ્ટૉક બહુ ઓછો છે અને બીજું ભારત પછી જીરાનું મુખ્ય ઉત્પાદન કરનારા દેશો તુર્કી અને સીરિયાથી જીરાની નિકાસ ઘટી છે.


Image copyright apmcunjha.com

ઊંઝા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ગૌરાંગ પટેલ કહે છે, "માંગ બજારમાં કિંમત નક્કી કરે છે. માંગ વધતા કિંમત વધે છે."

"જીરાનો જૂનો સ્ટૉક આ વર્ષે બહુ જ ઓછો છે જેના કારણે કિંમત વધી ગઈ છે. ફેબ્રુઆરી-માર્ચમાં નવો પાક આવતા સુધી કિંમત વધેલી જ રહેશે."

ઊંઝાના બજારમાં આ સમયે ત્રણથી ચાર બોરી (એક બોરીમાં વીસ કિલો જીરું હોય છે) જીરું દરરોજ વેચાવા માટે પહોંચે છે.

પાકની કાપણી સમયે આ બોરીઓની સંખ્યા 55થી 60 બોરી પ્રતિદિવસ વધી જાય છે.


વધારે વાવણી

કિંમત વધવાનું એક કારણ એ પણ છે કે આ વખતે ખેડૂતોએ મનભરીને વાવણી કરી છે.

ગૌરાંગ પટેલના કહેવા પ્રમાણે જીરાની વાવણી પહેલાંની સરખામણીમાં દોઢગણી વધી છે. એવામાં જ્યારે નવો પાક આવશે ત્યારે એવું બની શકે કે કિંમત થોડી ઘટી જાય.

ઊંઝા માર્કેટ એસોસિએશનના અધ્યક્ષ સીતારામભાઈ પટેલ કહે છે કે આખું વર્ષ ખેડૂતોને જીરાની કિંમત સારી મળી છે. એના પરિણામ સ્વરૂપ ખેડૂતોએ જીરાની વાવણીનો વિસ્તાર વધારી દીધો છે.

સીતારામ પટેલે કહ્યું, "ગયા વર્ષે આ પ્રદેશમાં 2 લાખ 95 હજાર હેક્ટર ખેત જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

"આ વર્ષે અત્યાર સુધી 3 લાખ 48 હજાર હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. જે હજી પણ પોણા ચાર હેક્ટર સુધી પહોંચી શકે છે."

સીતારામ પટેલ કહે છે, "તુર્કી અને સીરિયાનું જીરું બજારમાં નથી આવી રહ્યું એટલે આંતરરાષ્ટ્રિય બજારમાં ભારતના જીરાની માંગ વધી છે."


સીરિયાની હાલત

Image copyright Reuters

જીરા એક્સપૉર્ટ ઍસોસિએશનથી જોડાયેલા તેજસ ગાંધી કહે છે, "સીરિયા અને તુર્કીની રાજકીય સ્થિતિના કારણે ત્યાંથી જીરું બજારમાં નથી આવી રહ્યું. જેનો સીધો ફાયદો અમને થયો છે."

સીરિયામાં વર્ષ 2011થી આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે અહીંનું જીરું આંતરરાષ્ટ્રિય બજારમાં નથી આવી રહ્યું.

સીરિયાથી જીરું આયાત કરનારા દેશો હવે ભારત તરફ વળ્યા છે.


ભારતમાં વધી રહ્યું છે ઉત્પાદન

સ્પાઇસ બૉર્ડ ઓફ ઇન્ડિયા પ્રમાણે ભારતમાં વર્ષ 2012-13માં કુલ 593980 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું.

જેમાંથી કુલ 394330 ટન જીરાનું ઉત્પાદન થયું હતું. 2016-17માં 760130 હેક્ટર ક્ષેત્રમાં 485480 ટન જીરાનું ઉત્પાદન થયું.

2015-16માં આ આંકડો વધીને 808230 હેક્ટરમાં 503260 ટન ઉત્પાદને પહોંચ્યો છે.

જીરાથી થઈ રહેલી અઢળક આવકના કારણે ખેડૂતો જીરાની ખેતી તરફ વળી રહ્યા છે. જોકે જીરાની ખેતી પર ઋતુની પ્રતિકૂળ અસર પણ થતી હોય છે.

ગૌરાંગ પટેલ કહે છે, " ખરાબ ઋતુની અસર જીરાના પાક પર પડે છે. જો અનુકૂળ વાતાવરણ ના મળે તો પાક નષ્ટ થઈ શકે છે. ગયા વર્ષે જીરાનું ઉત્પાદન તેના પાકમાં થયેલા નુકસાનનાં કારણે ઘટી ગયું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા