રાજેશ ખન્નાને પોતાનો જ ચહેરો જોવો ગમતો ન હતો?

રાજેશ ખન્ના

પોતાના પ્રશંસકો વચ્ચે 'કાકા'ના નામે પ્રખ્યાત રાજેશ ખન્નાનો 29 ડિસેમ્બરે જન્મદિવસ છે.

એ રાજેશ ખન્ના જ હતા કે જેમણે વર્ષ 1960 અને 1970ના દાયકામાં પડદા પર રોમાન્સને નવી ઓળખ આપી હતી.

રાજેશ ખન્નાના જન્મદિવસના અવસર પર બીબીસી તમને રાજેશ ખન્ના વિશે જણાવી રહ્યું છે એવી વાતો જે માત્ર તેમના નજીકના મિત્રો જ જાણતા હતા.

બીબીસીએ રાજેશ ખન્નાના કેટલાક નજીકના મિત્રો અને સહ-અભિનેતાઓ સાથે વાત કરી હતી જેમણે રાજેશ ખન્ના સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી.


અનીતા ડવાણી, નજીકના મિત્ર (તેમનાં જ શબ્દોમાં)

Image copyright ANITA ADVANI

હું તેમને પહેલી વખત મળી ત્યારે મારી ઉંમર ખૂબ નાની હતી. મારા એક પરિચિત મને ફિલ્મનું શૂટિંગ જોવા લઈ ગયા હતા.

તેઓ સેટ પર એક ખુરશી પર ટુવાલ લપેટીને બેઠા હતા. હું તેમને જોતી જ રહી ગઈ.

ત્યારથી માંડીને અત્યાર સુધી મને તેમના સિવાય બીજું કોઈ સારું લાગ્યું નથી.

હું તેમને ફરી વખત મહેબૂબ સ્ટૂડિયોમાં મળી હતી. ત્યારે મારી ઉંમર 13 વર્ષ હશે. ત્યારબાદ આઠ-દસ મહિના સુધી સતત તેમને મળતી રહી હતી.

તેઓ મને જોઈને ખુશ થઈ જતા હતા. હું સમજી શકતી ન હતી કે આટલા મોટા સુપરસ્ટાર મને કેમ આટલી પસંદ કરે છે.

હું મારા વતન જયપુર જતી રહી અને અમારી વચ્ચે સંપર્ક તૂટી ગયો.


ફરી મુલાકાત

Image copyright PR

પછી ઘણાં વર્ષો બાદ 1990-91માં ફરી હું તેમને એક પાર્ટીમાં મળી હતી.

તેઓ મારી નજીક આવ્યા અને મળવાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો.

વર્ષ 2000 બાદ હું મુંબઈ સ્થિત તેમના ઘર 'આશીર્વાદ' પણ આવવા લાગી.

કાકાજી એકલતાથી ખૂબ ડરતા હતા. તેઓ રાત્રે ટીવીનો અવાજ ઊંચો રાખીને તેમજ ઘરની લાઇટ ચાલુ રાખીને ઊંઘતા હતા.

મને એક વાત આશ્ચર્યજનક લાગતી હતી કે તેઓ પોતાની જ ફિલ્મો જોતા ન હતા.

ટીવી પર જ્યારે તેમની કોઈ ફિલ્મ આવતી તો હું કહેતી કે કાકાજી, ચાલો આ ફિલ્મ જોઈએ.

તો તેઓ મને કહેતા કે મારે નથી જોવી, તમે જ જૂઓ. કદાચ પોતાને સ્ક્રીન પર જોવું તેમને પસંદ ન હતું.


ખૂબ ગુસ્સો કરતા

તેઓ દરેક કામ વ્યવસ્થિત રીતે થયેલું જ પસંદ કરતા હતા.

કોઈ વાત તેમને પસંદ ન આવી હોય અથવા તો કોઈ સામાન તેની જગ્યાએ ન હોય, તો તેઓ ખુબ ગુસ્સો કરતા હતા.

તેમનો સ્ટાફ તેમનાથી ખૂબ ડરતો હતો. ઘણી વખત તેઓ ગુસ્સામાં જમવાની થાળી પણ ફેંકી દેતા હતા.

પરંતુ સાંજ થતા થતા તેઓ એક બાળક જેવા બની જતા હતા. જીદ કરવા લાગતા કે મારે આઇસક્રીમ ખાવો છે. મને છોલે ભટૂરે ખવડાવો, વગેરે વગેરે.

તેઓ ખૂબ રોમેન્ટીક હતા. ઘણી વખત પોતાના ગીત 'મેરે સપનોં કી રાની' સાંભળતા સાંભળતા નાચવા લાગતા હતા.

તેઓ ધાર્મિક પણ હતા. ઘરમાં પૂજા-પાઠ પણ કરતા હતા.


અંતિમ સમય

Image copyright ASHVIN THAKKAR

દારૂ તેમના માટે ખૂબ નુકસાનકારક સાબિત થયો.

અંતિમ દિવસો દરમિયાન તેઓ ખૂબ નબળા પડી ગયા હતા. વારંવાર જમીન પર પડી જતા હતા.

જેના કારણે તેમને ઘણી જગ્યાએ ફ્રેક્ચર પણ થઈ ગયા હતા.

અંતિમ દિવસો દરમિયાન તેઓ ખૂબ ઉદાસ રહેતા હતા. ઊંઘતા ન હતા. કહેતા હતા કે કોઈ બીજા ગ્રહ પરથી આવશે અને મને લઈ જશે.

તેમને મૃત્યુનો ડર લાગતો હતો. વારંવાર તેઓ કહેતા હતા કે હું 70 વર્ષ કરતાં વધારે નહીં જીવી શકું. તેઓ તેની પહેલા જ જતા રહ્યા.


જૂનિયર મહેમૂદ, સહ- અભિનેતા (તેમના જ શબ્દોમાં)

Image copyright PREM CHOPRA

"મેં 'દો રાસ્તે', 'કટી પતંગ' અને 'આન મિલો સજના' સહિત કાકાજી સાથે દસ કરતા વધારે ફિલ્મો કરી હતી.

તેમની સુપરસ્ટારડમનો જે જમાનો મેં જોયો છે, તેવી લોકપ્રિયતા મને નથી લાગતું કે બીજા કોઈને મળી હશે.

એક વખત તેમનું શૂટીંગ જોવા કૉલેજથી કેટલીક છોકરીઓ આવી હતી.

કાકાજી સેટ પર પહોંચ્યા અને છોકરીઓએ તેમને ઘેરી લીધા હતા. કાકાજી માટે છોકરીઓ અંદરો અંદર ઝગડવા લાગી હતી.

તે દરમિયાન કાકાના કપડાં પણ ફાટી ગયા હતા.


સેટ પર શાંત રહેતા હતા

Image copyright AFP

સેટ પર કાકા ખૂબ શાંત રહેતા હતા. સહ કલાકારો સાથે પણ ખૂબ ઓછી વાતો કરતા હતા.

ક્યારેક ક્યારેક મારા હાલ ચાલ પૂછી લેતા, પણ વધુ વાત કરતા ન હતા.

સ્પૉટબૉય અથવા તો સેટ પર હાજર આસિસ્ટન્ટ તરફ તો તેઓ ધ્યાન પણ ન આપતા.

ધીરે ધીરે અમારી વચ્ચે સંપર્ક ઓછો થતો ગયો.

ઘણા વર્ષો પહેલા અમે એરપોર્ટ પર મળ્યા હતા. તેમણે પ્રેમથી મારા હાલ ચાલ પૂછ્યા અને પછી અમે બન્નેએ અમારા અલગ અલગ રસ્તા પકડ્યા હતા.

એ મારી તેમની સાથે છેલ્લી મુલાકાત હતી.


પ્રેમ ચોપડા, સહ અભિનેતા (તેમના શબ્દોમાં)

Image copyright PREM CHOPRA

મેં તેમની સાથે બે-ત્રણ નહીં પણ 25-26 ફિલ્મો કરી હતી.

અમે મિત્રોની જેમ રહેતા હતા. મજાક મસ્તી કરતા. હું તેમના ઘરે જમવા જતો હતો. તેમને દાળ બનાવવાનો ખૂબ શોખ હતો.

તેમના વિશે એવી ધારણા છે કે તેઓ ખૂબ ઘમંડી હતા પરંતુ મને તેવું જરા પણ લાગતું ન હતું.

ઘણી વખત તેઓ પોતાના સહયોગીઓની મદદ પણ કરતા હતા. પરંતુ કોઈને ખબર પડવા ન દેતા.

તેમના જમાનામાં તેઓ ખૂબ પ્રખ્યાત હતા. હંમેશા છોકરીઓનું ટોળું તેમની આસપાસ જોવા મળતું હતું.


અચાનક લોકોથી દૂર થઈ ગયા

Image copyright PREM CHOPRA

તેમની સાથે સમસ્યા એ હતી કે તેઓ નિષ્ફળતાના દુઃખમાંથી બહાર ન નીકળી શક્યા.

બદલતા સમયની સાથે તેઓ પોતાને બદલી ન શક્યા.

અમિતાભ બચ્ચને જે રીતે સફળતાપૂર્વક સમય સાથે પોતાને બદલ્યા, તેવું કાકા ન કરી શક્યા.

પોતાના અંતિમ દિવસો દરમિયાન તેમનો દુનિયાના લોકો સાથે સંપર્ક જ તૂટી ગયો હતો.

એક વખત હું તેમને એક પાર્ટીમાં મળ્યો હતો. જૂના સાથી હોવાના સંબંધે હું તેમને ગળે મળ્યો. પરંતુ તેમની પ્રતિક્રિયા ખૂબ ઠંડી હતી.

એ જોઈને મને ખૂબ અફસોસ થયો. દુઃખ એ વાતનું ન હતું કે તેમણે મને ઉપેક્ષિત કરી નાખ્યો.

દુઃખ એ વાતનું હતું કે તેઓ પોતાની જાતથી જ દુઃખી હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો