મુંબઈ આગ : જાણો, આગ લાગ્યા બાદ શું થયું? કેવી રીતે લોકો બહાર નીકળ્યાં?

આગની તસ્વીર Image copyright Amol Rode

મુંબઈમાં આવેલી કમલા મિલ્સ કોમ્પલેક્ષમાં આગ લાગવાને કારણે 14 લોકોનાં મોત થયાં છે.

25 જેટલાં લોકોને ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પીટીઆઈ(પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના જણાવ્યા પ્રમાણે લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આગ લાગી હતી.

આ બિલ્ડિંગ ચાર માળની છે અને જેમાં ત્રીજા માળે આગ લાગી હતી.

ઘટનાસ્થળે હાજર લોકોના કહેવા મુજબ આશરે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના કહેવા મુજબ ઈજાગ્રસ્તોને કેઈએમ અને સાયન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.


આગ લાગ્યા બાદ શું થયું?

બીબીસી ન્યૂઝ ગુજરાતીના એડિટર અંકુર જૈન એ જ રેસ્ટોરાંમાં હતા જ્યાં આગ લાગી. તેમના જ શબ્દોમાં સ્થિતિનું વર્ણન.

એ સાંજે અમે બધા ખુશ હતાં પણ થોડીક જ ક્ષણોમાં આ રાત મારા માટે સૌથી ભયાવહ બની ગઈ હતી.

હું મારી બહેન અને બીજા મિત્રો સાથે '1 Above' રેસ્ટોરાંમાં હતાં ત્યારે અચાનક જ બૂમ સંભળાઈ, 'ભાગો.. આગ લાગી છે.' કોઈ કંઈ સમજે એ પહેલા આગ ફેલાવા લાગી અને નાસ-ભાગ શરૂ થઈ ગઈ.

કમલા મિલ્સ વિસ્તારમાં મુંબઈના સૌથી મોટા રેસ્ટારાં આવેલા છે. છતાં આ જગ્યા પર આવી કોઈ સ્થિતિને પહોંચી વળવા માટેની પૂરતી સગવડો નહોતી.

ફાયર એક્ઝિટ તરફ જતાં રસ્તા પર જ સૌથી પહેલાં આગ લાગી હતી. અમે નસીબદાર હતાં કે બહાર આવી શક્યા પણ ત્યાં હાજર ઘણા તેનો ભોગ બન્યા.

અમે જ્યારે સીડીથી નીચે ઉતરી રહ્યા હતાં ત્યારે અગાશી પર આવેલા રેસ્ટોરાંના બ્લાસ્ટ સંભળાઈ રહ્યા હતા.

આ જગ્યા ચલાવવા માટે લાઇસન્સ હતું કે કેમ એ એક પ્રશ્ન છે અને જો હોય તો કયા ધોરણોને આધારે આ લાયસન્સ આપવામાં આવ્યા હતા.


'સાવચેતી રાખી હતી'

Image copyright JANHAVEE MOOLE/BBC

દુર્ઘટનામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી વન અબવ રેસ્ટોરાંએ આ ઘટના બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને મેનેજમેન્ટના પક્ષે કોઈ બેદરકારીનો ઇન્કાર કર્યો છે.

વન અબવના મેનેજમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું કે ફાયર સેફટી, લાયસન્સ અને અન્ય ધારાધોરણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે.

ફાયર સેફટીની વ્યવસ્થાને કારણે જ અમે અનેક લોકોને બચાવી શક્યાં હતાં.

વન અબવના જણાવ્યા અનુસાર, તેમની રૂફ ટોપ રેસ્ટોરાં નજીક કોઈ પણ સ્થળે ગેસ સિલિંડર રાખવામાં આવ્યાં ન હતાં.

ગેસ બેન્ક નિયમાનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે. આગ ફાટી નિકળ્યાનું ધ્યાન આવ્યા બાદ તરત ગેસ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી વધારે નુકસાન થતું અટકાવી શકાય.

આગની શરૂઆત વન અબવની બાજુમાં આવેલાં ક્વાર્ટર્સમાંથી થઈ હોવાનું પણ રેસ્ટોરાં મેનેજમેન્ટે જણાવ્યું હતું.


આગ બાદ શું છે સ્થિતિ?

ઘટના સ્થળેથી બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણનૂર પરિસ્થિતિ અંગે જણાવી રહ્યા છે.

રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયર ફાઇટર્સ, એમ્બ્યૂલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

ઘટનાસ્થળ પર હાજર એનએમ જોશી પોલીસ સ્ટેશનના અધિકારી અહમદ ઉસ્માને બીબીસી સંવાદદાતા માનસી દાસને જણાવ્યું, "કેઈએમ હોસ્પિટલ સિવાય 13 લોકોને હિદુંજા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે."

મળતી માહિતી પ્રમાણે વન અબૉવ નામની રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ રેસ્ટોરાં બિલ્ડિંગના ત્રીજા માળે આવેલું છે.

અહીંથી શરૂ થયેલી આગ બાદમાં આગ આજુબાજુના રેસ્ટોરાંમાં ફેલાઈ હતી.


કમલા મિલ્સ શું છે?

37 એકર વિસ્તારમાં ફેલાયેલી કમલા મિલ્સ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલી છે.

આ મિલ વર્ષો અગાઊ બંધ પડી ગઈ હતી. બે વર્ષ પહેલાંથી કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં વ્યાપક વિસ્તરણ શરૂ થયું હતું.

તેમાં સંખ્યાબંધ રેસ્ટોરાં, હોટેલો ઉપરાંત કોર્પોરેટ, મીડિયા અને એડવર્ટાઈઝિંગ કંપનીઓની ઓફિસો છે.


વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

મુંબઈની આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

રોયટર્સના અહેવાલ મુજબ મૃતકોમાં મોટાભાગે મહિલાઓ છે. અહીં આવેલા એક રેસ્ટોરન્ટની છત પર બર્થ ડે પાર્ટી થઈ રહી હતી. એ સમયે જ આગ લાગી હતી.

28 વર્ષની યુવતી જે પોતાનો બર્થ ડે ઊજવી રહી હતી તે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામી છે. આ માહિતી રોયટર્સ સાથે વાત કરતા મૃતક યુવતીના દાદાએ આપી હતી.

કમલા મિલ્સ કપાઉન્ડમાં લાગેલી આગમાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો