પ્રેસ રિવ્યૂ : વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલનું કદ કપાયું?

નીતિન પટેલ Image copyright NITIN PATEL/FACEBOOK

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ત્રણ દિવસની અસમંજસની પરિસ્થિતિ બાદ વિજય રૂપાણીની સરકારમાં મંત્રીઓને ખાતાં ફાળવાયાં છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરી એક વખત 'કદ પ્રમાણે વેતરી નાખવામાં' આવ્યા છે

નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ અને નાણાં વિભાગ છીનવી લેવાયો છે.

શહેરી વિકાસની જવાબદારી મુખ્યમંત્રી રૂપાણીએ સ્વીકારી છે. તો નાણાં વિભાગ સૌરભ પટેલને આપી દેવાયો છે.

જોકે, સૌરભ પટેલને ઉદ્યોગ વિભાગ ફાળવવામાં નથી આવ્યો.

આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાને ફરીથી ગૃહવિભાગ અપાયો છે.

જ્યારે જયદ્રથસિંહ પરમાર પાસેથી માર્ગ મકાનની જવાબદારી પરત લઈ લેવાઈ છે.

આપને આ વાંચવું ગમશે :


Image copyright PIB

'સંદેશ'ના અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલી રો-રો ફેરીની સેવાનું ત્રણ મહિનામાં જ 'બાળમરણ' થયું છે.

અહેવાલ અનુસાર ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થયેલી રો-રો ફેરીની સેવાને 3 જાન્યુઆરીથી બંધ કરવામાં આવી રહી છે.

આ સેવા ફરી ક્યારે શરૂ થાય એ અંગે હાલમાં કોઈ માહિતી નથી. સેવાનું ઑનલાઇન બુકિંગ બંધ કરી દેવાયું છે.

અખબારનું કહેવું છે કે 968 ટનનો લિંક સ્પાન ઇન્સ્ટૉલ નહીં થતાં ફેરી સેવામાં વાહનો લઈ જઈ શકાતા નથી.


Image copyright Getty Images

'સંદેશ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાને ભારતના 145 માછીમારોને મુક્ત કર્યા છે.

આ માછીમારોને વાઘા બૉર્ડર પર ભારતીય અધિકારીઓને સોપવામાં આવશે.

ઇદી ફાઉન્ડેશન તરફથી માછીમારોને રોકડ રકમ અને અન્ય ભેટ પણ આપવામાં આવી છે.

ગત સપ્તાહે પાકિસ્તાનનાં વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે 8 જાન્યુઆરી સુધીમાં 291 માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો