ચૂંટણીમાં ભાજપના વિજય છતાં સાઠમારી કેમ?

નીતિન પટેલ Image copyright NITIN PATEL/FACEBOOK

પાતળી સરસાઈ સાથે ગુજરાતમાં સરકારના ગઠન બાદ ભાજપમાં આંતરિક કલહ ઊભો થયો છે.

કથિત રીતે પસંદગીના વિભાગો નહીં મળવાથી નારાજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પદભાર નથી સંભાળ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના નેતા હાર્દિક પટેલે આહ્વાન કર્યું છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમના સમર્થક ધારાસભ્યો તેમની સાથે જોડાઈ જાય, જેનાં કારણે રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે.

ત્યારે બધાની નજર એ વાત પર છે કે, નીતિન પટેલ હવે શું કરશે? શું સરકાર પર સંકટ ઊભું થશે?


શરમજનક સ્થિતિમાં સરકાર

Image copyright Twitter/Nitinbhai_Patel

રાજકીય વિશ્લેષક અજય ઉમટના કહેવા પ્રમાણે, "ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરીને સમર્થન વ્યક્ત કરી રહ્યાં છે. તેઓ શક્તિપ્રદર્શન કરી રહ્યાં છે.

"પરંતુ તેઓ બળવો કરીને પાસ નેતા હાર્દિક પટેલની સાથે જોડાય જાય તેવી શક્યતા નથી."

અજય ઉમટ ઉમેરે છે, "વર્તમાન ઘટનાક્રમથી ભાજપ સરકારને કોઈ સંકટ હોય તેમ નથી જણાતું. પરંતુ પાર્ટીને ચોક્કસપણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

ભાજપની છાપ શિસ્તબદ્ધ સંગઠનની છે. જ્યારે તાજેતરના ઘટનાક્રમથી આ શાખને ચોક્કસથી બટ્ટો લાગ્યો છે."

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ માને છે, "નીતિન પટેલ આ વખતે માંડ સાત હજારની લિડથી જીત્યા છે. એ માટે પણ તેમણે ચૌધરી પટેલો પર આધાર રાખવો પડ્યો હતો.

"ત્યારે તેમની પાસેથી શાંતિથી બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.

"હાર્દિક પટેલે ગંભીરતાથી નીતિન પટેલને ઓફર કરી નથી. કોંગ્રેસ પણ નીતિન પટેલને પાર્ટીમાં સામેલ કરવાને બદલે સંગઠનને વધુ મજબૂત બનાવવાનું પસંદ કરશે.

તેઓ શંકરસિંહ વાઘેલા નથી કે જે બળવો કરી શકે."


સંઘ દરમિયાનગીરી કરશે?

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

વર્તમાન સ્થિતિમાં શું સંઘ દરમિયાનગીરી કરશે? તેવા સવાલના જવામાં અજય ઉમટ જણાવે છે, "નીતિન પટેલ માત્ર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

આ સંજોગોમાં અમિત શાહ વચલો રસ્તો કાઢશે જેથી કરીને 'ઘીનાં ઠામમાં ઘી' પડી જાય."

"સંઘ 'ડે-ટુ-ડે'ની બાબતમાં માથું નથી મારતું. તે માત્ર નીતિવિષયક નિર્ણયો જ લે છે અને માર્ગદર્શન આપે છે."

હરિ દેસાઈ માને છે, "જો સંઘે ભૂમિકા ન ભજવી હોત તો આ વખતે ગુજરાતમાં ભાજપનો વિજય શક્ય ન બન્યો હોત.

"છતાંય નાગપુર જઈને ફરિયાદ રજૂ કરવાની પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી લુપ્ત થઈ ગઈ છે. સંઘ એવું કાંઈ નહીં કરે જે મોદીને પસંદ ન હોય.

"એક સમયે સંઘના લાડકા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને નીતિન ગડકરીની સ્થિતિ આજે શું છે તે આપણે જોઇએ છીએ."

આ અંગે ભાજપની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રવક્તા ઉપલબ્ધ બન્યા ન હતા.


શું કહ્યું નરોત્તમ પટેલે?

Image copyright ANI/Twitter

જો કે પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરોત્તમ પટેલને સમાચાર સંસ્થા એએનઆઈને એમ કહેતા ટાંક્યા હતા કે, “નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને ખૂબ જ કાર્યક્ષમ નેતા છે.

હું અહીં તેમને મળવા માટે એટલા માટે આવ્યો કારણ કે તેમને જે ખાતાં મળવાની ઇચ્છા હતી તે તેમને નથી મળ્યાં આથી તે નારાજ છે.

હું ઇચ્છું છું કે પક્ષ તેમની પસંદગીના ખાતાં તેમને આપવાની વિચારણા કરે.”

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીના કહેવા પ્રમાણે, "આ બાબત ભાજપની આંતરિક છે અને છતાં પાર્ટી વર્તમાન સ્થિતિ પર નજર રાખી રહી છે.

"પાટીદાર નેતાઓની શક્તિનો ઉપયોગ કરીને સત્તા મેળવવી અને સત્તા મળે એટલે તેમને અપમાનજનક સ્થિતિમાં મૂકવા એ પાર્ટીની નીતિ રહી છે.

"કેશુભાઈ પટેલ, ડૉ. એ.કે. પટેલ, આનંદીબેન પટેલ, વલ્લભભાઈ કથીરિયા અને હવે નીતિન પટેલ."


પદભાર ન સંભાળ્યો

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

ભારે મડાગાંઠ બાદ ગુરુવારે પ્રધાનોને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. નીતિન પટેલ પાસેથી નાણાં ખાતું, પેટ્રો કેમિકલ્સ અને મહેસુલ ખાતા જેવા મહત્વપૂર્ણ વિભાગે લઈ લેવામાં આવ્યા છે.

જેના કારણે નીતિન પટેલ નારાજ થયા છે. શુક્રવારે ગાંધીનગર સચિવાલય ખાતે પદભાર સંભાળ્યો ન હતો.

નીતિન પટેલ શુભેચ્છા આપવા માટે પહોંચેલા અધિકારીઓ, પદાધિકારીઓ, પત્રકારો કે ધારાસભ્યોને પણ મળ્યા ન હતા. એટલું જ નહીં, તેમની સાથે ફોન પર ચર્ચા કરવાનું પણ ટાળ્યું હતું.

એવી ચર્ચા છે કે જો વિભાગો પરત ન મળે નીતિન પટેલે કેબિનેટમાંથી અને નાયબ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દેવાની તૈયારી દાખવી છે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ચેમ્બર જેટલી સાઇઝની જ ચેમ્બર આપવામાં આવશે. જેથી કરીને તેમની નારાજગી દૂર કરી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો