ક્રિકેટ માટે ફાસ્ટ પીચ બનાવવા ગુજરાતના આ સ્થળની માટી 'ખાસ'

પીચની તસવીર Image copyright Mirani Patel

કોઈપણ ક્રિકેટ મેચમાં જેટલું મહત્ત્વ બન્ને ટીમના ખેલાડીઓનું હોય છે, તેટલું જ મહત્ત્વ જે સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હોય, તેની પીચનું હોય છે.

બનાવટનાં આધારે જ પીચની તાસિર નક્કી થઈ જતી હોય છે કે તેનાથી ફાસ્ટ બૉલર્સને લાભ મળશે કે સ્પીન બૉલર્સને સપોર્ટ કરશે.

સુરતની પાસે આવેલા ગણદેવી ગામની લાલ માટીનો ઉપયોગ બીસીસીઆઈ દ્વારા તેનો ફાસ્ટ પીચ બનાવવા માટે થાય છે.

લગભગ 25 વર્ષથી આ ક્રમ ચાલુ છે. અહીંની માટી વિદેશ પણ મોકલવામાં આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે


લાલ માટીની પીચની કમાલ

Image copyright Swetal Desai

રેડ સોઇલની પીચ અંગે ભૂતપૂર્વ રણજી કેપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ મેચ રેફરી નિસર્ગ પટેલ કહે છે, "રેડ સોઇલ દ્વારા જે પીચ બનાવવામાં આવે છે તેના કારણે બૉલ બાઉન્સ વધારે થાય છે એટલે બૉલર વધારે ફાસ્ટ બૉલ નાખી શકે છે.

"ઉપરાંત બેટ્સમેનને પણ એ બૉલ પર રમવાની વધારે મજા આવતી હોય છે. આ રેડ સોઇલથી બનેલી વલસાડની પીચ રણજી મેચ માટે બેસ્ટ ફાસ્ટેસ્ટ પીચ જાહેર કરવામાં આવી છે."

દશરથભાઈના કહેવા પ્રમાણે, "લાલ માટીની પીચમાં ક્રેક ખૂબ જ પડતી હતી. એક હદ સુધી બૉલને બાઉન્સ કરવા માટે તે સારી બાબત છે, પરંતુ જો વધારે ક્રેક પડવા લાગે તો બોર્ડર પરથી માટી નીકળવા લાગે અને પીચ નિષ્ફળ જાય.

"આથી અમે 10 ટકા મુંબઈ મોરમ ઉમેરીને પીચ તૈયાર કરી. જે સફળ રહી. હવે મોટાભાગે એ માટીનો જ ઉપયોગ થાય છે."


અગાઉ નળિયાં બનતાં પણ...

Image copyright Swetal Desai

ગણદેવી ગામમાં રહેતા નિકુંજભાઇ ગજ્જીવાલાના દાદા લગભગ સો વર્ષ પહેલા તેમના ખેતરની માટીનો ઉપયોગ નળિયાં બનાવવાં માટે કરતા હતા.

જેમજેમ શહેરીકરણ થતું ગયું, તેમતેમ ગામડાંમાં પણ પાકાં ઘરો બનવાં લાગ્યાં. જેથી નળિયાંની બનાવટ બંધ થઈ ગઈ. થોડાં વર્ષો સુધી તો લાલ માટી હોવાનાં કારણે જમીનનો કોઈ ઉપયોગ થયો નહીં.

લગભગ પચ્ચીસેક વર્ષ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નારાયણ સાટમે બરોડા ક્રિકેટ એસોસિયેશનને લાલ માટીમાંથી પીચ બનાવવાની સલાહ આપી હતી.

બીસીસીઆઈ (ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના ક્યુરેટર દશરથભાઈ પરદેશી જણાવે છે, "જ્યારે નિકુંજભાઈના ખેતરની લાલ માટીનો ઉપયોગ કર્યો, ત્યારે તેમાં સારું એવું બાઇન્ડિંગ જોવા મળ્યું અને બૉલ ખૂબ બાઉન્સ થતો હતો."

નિકુંજભાઈના કહેવા પ્રમાણે, તેમના પિતાએ વિદેશોમાં શારજાહ અને કોલંબો સહિત અન્ય કેટલાક સ્થળોએ પણ લાલ માટી મોકલી છે.

વેસ્ટ ઝોનમાં એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટાભાગે ગણદેવીની રેડ સોઇલનો જ ઉપયોગ થાય છે. સામાન્ય માટીના ટ્રકની કિંમત રૂ. આઠથી દસ હજાર હોય છે, જ્યારે લાલ માટીની બમણી કિંમતે વેચાય છે.


કેવી પીચ આદર્શ?

Image copyright Swetal Desai

બીસીસીઆઈના નિયમ પ્રમાણે, પીચ ત્રણ લેયરમાં બનાવવામાં આવે છે. ચાર ઇંચના પડમાં બે મિલીમીટરની સાઇઝના કાકરા પાથરવામાં આવે છે. તેની ઉપર રેતાળ માટીની ચાર ઇંચની લેયર તૈયાર કરવામાં આવે છે.

ત્યારબાદ 17 ઇંચનું મધર સોઇલનું લેયર તૈયાર કરવામાં આવે છે. જે કાળી કે લાલ માટીનું બનેલું હોય છે.

રેડ સોઇલમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, જેનાં કારણે તે સરળતાથી તૂટતી નથી અને બૉલ સારી રીતે બાઉન્સ થઈ શકે છે.

જેની ઉપર ચાર મિમી જેટલું ઘાસ ઉગે તે પીચને સારી પીચ માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા