ફોનમાં અમિત શાહે આદેશ નહીં વિનંતી કરી : નીતિન પટેલ

નીતિન પટેલની તસવીર Image copyright Twitter/AmitShah

ગુજરાત સરકારમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નાણાં ખાતું આપવામાં આવ્યું છે. રવિવારે સવારે નીતિન પટેલે સચિવાલયમાં પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો.

પટેલના કહેવા પ્રમાણે, રવિવારે સવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહનો તેમને કૉલ આવ્યો હતો, જેમાં પદભાર સંભાળી લેવા વિનંતી કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

નીતિન પટેલે ઉમેર્યું હતું કે તેઓ પાર્ટીમાં જ રહેશે અને ભાજપ છોડીને અન્ય કોઈ પક્ષમાં જોડાશે નહીં.

ઉલ્લેખનીય છે કે સૌરભ પટેલને નાણાં વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જે તેમની પાસેથી પરત લઈને નીતિન પટેલને આપવામાં આવી છે.

આ સાથે જ ગુરુવારે મોડી સાંજે શરૂ થયેલા સસ્પેન્સનો અંત આવ્યો હતો.


શું કહ્યું મુખ્યમંત્રી રૂપાણીએ?

Image copyright Twitter/Nitinbhai_Patel

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું, “કેંદ્રીય મોવડીમંડળે નીતિનભાઈની લાગણીને ધ્યાનમાં રાખી ખાતાની ફાળવાણીમાં ફેરફાર કર્યો છે.”

“હવે નાણાં ખાતુ નીતિનભાઈને આપવામાં આવ્યું છે. આ વિશેની જાણ કરતો સત્તાવાર પત્ર પણ રાજ્યપાલને મોકલી દેવામાં આવ્યો છે. હવે આ પ્રશ્ન પૂરો થાય છે.”

તેમણે ઉમેર્યું કે, “ભાજપ પરંપરા અને પદ્ધતિ પ્રમાણે નિર્ણયો કરે છે. આ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ઘણા વિરોધીઓના મોઢામાં પાણી આવ્યા હતા. હવે ઘીના ઠામમાં ઘી રહ્યું છે.”


અમિત શાહે કૉલ કર્યો

Image copyright Getty Images

નીતિન પટેલે રવિવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે રવિવારે સવારે અમિત શાહે તેમને કૉલ કર્યો હતો. જેમાં તેમને પદભાર સંભાળી લેવા વિનંતી કરી હતી.

પટેલના કહેવા પ્રમાણે, "પાર્ટીના અધ્યક્ષ તરીકે અમિત શાહ મને આદેશ કરી શક્યા હોત પરંતુ તેમણે મને પદભાર સંભાળી લેવા વિનંતી કરી છે.

"તેમણે મને મારા અનુભવ અને નાયબ મુખ્યપ્રધાનના હોદ્દાને શોભે તેવું પદ આપવાની ખાતરી આપી છે. એટલે હું મંત્રાલયમાં જઈને પદભાર સંભાળી લઇશ."

પટેલે ઉમેર્યું હતું કે, નવા વિભાગ અંગે રાજ્યપાલને જાણ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સોંપવામાં આવશે.


'પાર્ટી નહીં છોડું'

Image copyright NITIN PATEL/FACEBOOK

નીતિન પટેલના કહેવા પ્રમાણે, તેમની માગ સત્તા માટેની ન હતી, પરંતુ અનુભવને છાજે જેવા ખાતા સોંપવાની માંગ હતી.

તેમણે ઉમેર્યું હતું કે, સારાં કે માઠાં સંજોગોમાં તેઓ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર છે અને રહેશે. તેમણે ભાજપ છોડીને અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો.

છેલ્લા બે વર્ષ દરમિયાન ગમે તેવા સંજોગો હોય પણ પાર્ટી નેતૃત્વે જે કંઈ કરવા માટે સૂચના કે માર્ગદર્શન આપ્યા, તે મુજબ કામ કર્યું છે.


શુક્રવારે શરૂ થયું સસ્પેન્સ

Image copyright Twitter/ChouhanShivraj

ગરુવારે કલાકોની ઢીલ બાદ નવા નિમાયેલા પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ, નાણા અને પેટ્રો કેમિકલ્સ જેવા ખાતા લઈ લેવામાં આવ્યા હતા.

જેથી નીતિન પટેલ નારાજ થઈ ગયા હતા. શુક્રવારે તેમણે સચિવાલયમાં પદભાર સંભાળ્યો ન હતો અને શુભેચ્છકો સાથે મુલાકાત પણ કરી ન હતી.

શનિવારે અનેક પાટીદાર સંગઠનો, ભાજપના પાટીદાર નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોએ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી.

પાસના નેતા હાર્દિક પટેલે આહ્વાન કર્યું હતું કે જો નીતિન પટેલ ભાજપ છોડીને તેમની સાથે જોડાય જાય, તો તેઓ કોંગ્રેસને વાત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ