કોણ હતા સફદર હાશમી જેને લોકો હજી ભૂલી શક્યા નથી

સફદર હાશમી Image copyright SAHAMAT
ફોટો લાઈન સફદર હાશમી

''દેશમાં તાર્કિકતા સાથે ઉઠતા દરેક અવાજને ડરાવવા-ધમકાવવામાં આવતો હોય, દરેક વ્યક્તિ પર ખાસ વિચારધારા થોપવાના પ્રયાસ કરવામાં આવતા હોય ત્યારે અને સત્તા નિરંકુશ બને એવી દરેક પરિસ્થિતિમાં સફદર હાશમી પ્રાસંગિક બની રહેશે અને યુવાઓને યાદ આવતા રહેશે.''

આ રીતે સફદર હાશમીને યાદ કરતા તેમના મોટાભાઈ સુહૈલ હાશમી એકલા નથી.

સુહૈલ હાશમીની સાથે સંખ્યાબંધ યુવાનો દિલ્હીની કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ સફદર હાશમીને યાદ કરવા એકઠા થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગયા સોમવારે સાંજે આ ભીડમાં જોવા મળેલા બુઝુર્ગો પાસે પણ સફદર હાશમીની સ્મૃતિઓ, તેમના મૃત્યુને 29 વર્ષ થયા પછી પણ છે.

માત્ર 34 વર્ષ જીવેલા સફદર હાશમીએ કરેલું કામ લોકોના હૈયામાં સ્થાન બનાવી ચૂક્યું છે.


સફદર હાશમીએ શું કર્યું હતું?

Image copyright SAHAMAT
ફોટો લાઈન સાથી કલાકાર જોડે નુક્કડ નાટક ભજવી રહેલા સફદર હાશમી

સફદર હાશમીએ દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અંગ્રેજી સાહિત્યમાં એમએ સુધીનો અભ્યાસ કર્યો હતો.

સંપન્ન પરિવારના સફદર સૂચના અધિકારીના પદ પરથી રાજીનામું આપીને માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્ણકાલીન સભ્ય બન્યા હતા.

એ પછી તેમણે સામાન્ય લોકોનો અવાજ બુલંદ બનાવવા માટે નુક્કડ નાટકોને તેમના જીવનનો ઉદ્દેશ બનાવ્યાં હતાં.

તેમણે 1978માં જનનાટ્ય મંચની સ્થાપના કરી હતી. સામાન્ય મજૂરોનો અવાજ વ્યવસ્થાતંત્ર સુધી પહોંચાડવાની તેમની ઝૂંબેશ અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ હતી.

એ ઝૂંબેશનો પ્રભાવ એટલો જોરદાર હતો કે દિલ્હી નજીકના ગાઝિયાબાદના સાહિબાબાદમાં 'હલ્લા બોલ' નામનું નુક્કડ નાટક તેઓ ભજવતા હતા.

એ વખતે સ્થાનિક કોંગ્રેસી નેતા મુકેશ શર્માએ તેમના ગુંડાઓ સાથે સફદર હાશમીના નાટ્યદળના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો.

સફદર હાશમીના પરિવારજનો અને તેમના દોસ્તોએ એ હુમલાના ગુનેગારોને સજા અપાવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો.

સુહૈલ હાશમી કહે છે, ''એ ઘટના દિલ્હી નજીક ધોળે દહાડે બની હતી. તેના સાક્ષીઓ પણ હતા. તેમ છતાં હત્યાના આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.''

''અમારે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. દોષીઓને સજા કરાવવામાં 14 વર્ષ લાગ્યાં હતાં.''

''સફદરની લડાઈ સામાન્ય લોકોના હકની લડાઈની સાથે ન્યાય મેળવવાની લડાઈ પણ બની ગઈ હતી.''

સફદર હાશમીના મૃત્યુના 48 કલાકમાં જ તેમનાં પત્ની મૌલીશ્રી અને અન્ય સાથીઓએ જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો એ જ સ્થળે 'હલ્લા બોલ' નાટક ભજવ્યું હતું.

એ દિવસ હતો ચોથી જાન્યુઆરી, 1989.


બધા વર્ગના લોકો રસ્તા પર ઊતર્યા

Image copyright SAHAMAT
ફોટો લાઈન સફદર હાશમીની અંતિમ યાત્રામાં ઉમટેલા લોકો

સાહિબાબાદના હુમલામાં ઘવાયેલા સફદર હાશમી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બીજી જાન્યુઆરીએ મૃત્યુ પામ્યા હતા.

સફદર હાશમી પર કેવો હુમલો કરવામાં આવ્યો હતો તેની ઝલક સફદરનાં માતાએ લખેલા 'પાંચવા ચિરાગ' પુસ્તકમાં વાંચવા મળે છે.

પુસ્તકમાં લખ્યું છે કે ''રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે માથામાં ત્રણ તરફ ફ્રેક્ચર થયું છે. બચવાની શક્યતા નહીંવત છે.''

સફદર હાશમીના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કારમાં સામાન્યથી માંડીને દિલ્હીના ભદ્ર એમ તમામ વર્ગના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

એ જમાનામાં મોબાઈલ કે ઈન્ટરનેટ ન હતા. એ સમયે પણ સફદર હાશમીના અંતિમ સંસ્કારમાં 15,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.

વિખ્યાત કવિ અને પત્રકાર મંગલેશ ડબરાલ માને છે કે આજના સમયમાં સફદર હાશમી જેવા યુવાનોની જરૂર વધુ છે.

મંગલેશ ડબરાલ કહે છે, ''સામાન્ય લોકો, ગરીબ મજૂરોના હિતની વાત કરવા, તેમને તેમનો હક અપાવવા સફદર હાશમીએ નુક્કડ નાટકનો ઉપયોગ હથિયારની માફક કર્યો હતો.''

''તેમણે જે પ્રકારનાં નાટકો કર્યાં એ કારણે જ તેમની હત્યા થઈ હતી. એવાં નાટકોની કલ્પના પણ આજના સમયમાં શક્ય નથી.''

સુહૈલ હાશમીને ખાતરી છે કે વર્તમાન સમાજમાં લઘુમતીઓને હાંસિયામાં ધકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે તેના પર પૂર્ણવિરામ મૂકવાનું કામ સફદર જેવા યુવાનો જ કરશે.

સુહૈલ હાશમી કહે છે, ''સફદરની પ્રાસંગિકતા આજે કેટલી એવું મને લોકો પૂછે છે. મને લાગે છે કે વર્તમાન સમયમાં સફદરની પ્રાસંગિકતા વધી ગઈ છે.''

સફદર હાશમીનો પરિવાર દિલ્હીનો સંપન્ન, શહેરી પરિવાર હતો, પણ સફદર સામાન્ય મજૂરોના મુદ્દા ઉઠાવતા હતા.

સમસામયિક મુદ્દાઓ પર ગંભીર વ્યંગાત્મક શૈલીમાં નુક્કડ નાટકો લખતા હતા. એટલું જ નહીં, એ નાટકોને અત્યંત જીવંત શૈલીમાં પ્રસ્તુત કરતા હતા.

તેમની શૈલી એવી હતી કે સામાન્ય લોકો સાથે તેમનો સીધો સંબંધ સ્થપાઈ જતો હતો.

મંગલેશ ડબરાલ પણ માને છે કે એ સફદર હાશમીની મોટી ખાસીયત હતી. તેઓ સામાન્ય લોકોના રંગઢંગમાં બહુ જલદી રંગાઈ જતા હતા.


'કિતાબેં તુમ્હારે પાસ રહના ચાહતી હૈં'

Image copyright SAHAMAT
ફોટો લાઈન વિખ્યાત લેખક ભીષ્મ સહાની સાથે સફદર હાશમી

સફદર અને સુહૈલ હાશમીના દોસ્ત છે દિલ્હીની સત્યવતી કોલેજના નિવૃત્ત પ્રોફેસર મદન ગોપાલ સિંહ.

મદન ગોપાલ સિંહ કહે છે, ''સફદર હાશમીની સાથે હતા ત્યારે તેઓ કેવું કામ કરી રહ્યા છે એ સમજાયું ન હતું.''

''એ સમયે મંજીત બાબા, એમ. કે. રૈના, સફદર, સુહૈલ બધા સાથે જ હતા, પણ સફદર હાશમીનું વ્યક્તિત્વ કરિશ્માયુક્ત હતું.''

''લાંબા કદ-કાઠી અને મોહક સ્મિત સાથે સફદર જે કંઈ કરતા, કહેતા હતા તેનો અંદાજ નિરાળો હતો. લોકો સાથે તેમનો સીધો સંબંધ સ્થપાઈ જતો હતો.''

નુક્કડ નાટકો ઉપરાંતની સફદર હાશમીની બીજી લાક્ષણિકતાની વાત મંગલેશ ડબરાલ જણાવે છે.

મંગલેશ ડબરાલ કહે છે, ''સફદર હાશમીએ જર્મન નાટ્યકર્મી, લેખક અને કવિ બર્તોલ્ત બ્રેખ્તની કવિતાઓનો અદભૂત અનુવાદ કર્યો હતો.''

''બાળકો માટે સફદર હાશમીએ જેટલી કવિતાઓ લખી છે, જે શૈલીમાં લખી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ બાળ મનોવિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતા હતા.''

સફદર હાશમીએ લખેલી કવિતાઓ પૈકીની કેટલીકનો જાદુ સમય સાથે ઝાંખો પડ્યો નથી.

તેમણે એક કવિતા લખી હતીઃ કિતાબેં કરતી બાતેં, બીતે જમાને કી, દુનિયાકે ઈન્સાનોકી.

આ કવિતામાં સફદર હાશમીએ લખ્યું હતું, ''કિતાબેં કુછ કહના ચાહતી હૈં, તુમ્હારે પાસ રહના ચાહતી હૈં.''

સામાન્ય બાળકોની જીભે ચડેલી સફદર હાશમીની એક કવિતા શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે.

''પઢના-લિખના સીખો, ઓ મહેનત કરને વાલોં,

પઢના-લિખના સીખો, ઓ ભૂખ સે મરને વાલો.

ક ખ ગ ઘ કો પહચાનો, અલિફ કો પઢના સીખો,

અ આ ઇ ઈ કો હથિયાર બનાકર લડતા સીખો.''

આ ઉપરાંત સફદર હાશમીએ બાળકો માટે સ્કેચ, મુખવટા અને સેંકડો પોસ્ટર પણ ડિઝાઈન કર્યાં હતાં.


'ખુદને લીડર ગણ્યા નહીં'

સફદર હાશમીના વ્યક્તિત્વ બાબતે વિખ્યાત નાટ્ય દિગ્દર્શક હબીબ તનવીરે સુંદર શબ્દો લખ્યા હતા.

હબીબ તનવીરે લખ્યું હતું, ''સફદર હાશમી સુંદર ગીતો લખતા હતા, પણ ખુદને ગીતકાર શાયર માનતા ન હતા.''

''તેઓ દિગ્દર્શન કરતા હતા, પણ ખુદને દિગ્દર્શન આવડતું જ ન હોય એવું દર્શાવતા હતા.''

''એક્ટિંગ સારી કરતા હતા, પણ ખુદને તેમણે ક્યારેય અભિનેતા ગણ્યા ન હતા.''

''લીડર હતા, પણ ખુદને ક્યારેય નેતા ગણતા ન હતા.''

''તેઓ સીધા-સાદા હસમુખ વ્યક્તિ હતા. તેઓ જ્યાં પગલું મૂકતા હતા ત્યાં વાતાવરણ જીવંત થઈ જતું હતું.''

દિલ્હીના મંડી હાઉસ પાસેના સફદર હાશમી માર્ગ પરથી ક્યારેક પસાર થાઓ તો ત્યાંની હવામાં જિંદગીની એ લહેરને અનુભવવાનો પ્રયાસ જરૂર કરજો.

સફદર હાશમીને ભૂલશો નહીં, કારણ કે વર્તમાન સમયમાં સફદર હાશમી થવું કોઈના પણ માટે આસાન નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ