દિલ્હી : 'આપ'એ રાજ્યસભા માટેના તેના ત્રણ ઉમેદવારો જાહેર કર્યા

અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ

લાંબા સમય સુધી થયેલી અટકળો બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે ત્રણ ઉમેદવારો જાહેર કરી દીધા છે.

આપ પાર્ટીએ રાજ્યસભા માટે સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામોની જાહેરાત કરી છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં આ નામોની જાહેરાત કરી હતી.

દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટી પાસે 70માંથી 67 ધારાસભ્યો છે.

આથી તેમના ત્રણ ઉમેદવારો ચૂંટાઈ આવે તે નક્કી છે.


વિશ્વાસને રાજ્યસભાની ટિકિટ નહીં

Image copyright @DRKUMARVISHWAS
ફોટો લાઈન કુમાર વિશ્વાસ

અટકળોને સાચી પુરવાર કરતા 'આપ'એ તેના સ્થાપક સભ્ય કુમાર વિશ્વાસને રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.

પત્રકાર પરિષદમાં મનીષ સિસોદીયાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, આટલી બધી ચર્ચાઓ છતાં કયા આધાર પર કુમાર વિશ્વાસને રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો?

ત્યારે તેમણે જવાબ આપ્યો, "ચર્ચા તો તમે લોકો(મીડિયા) કરી રહ્યા હતા. મીડિયા જ જણાવે કે કયા આધાર પર ચર્ચા કરી રહ્યા હતા?"

તમને આ પણ વાંચવું ગમશે

આ નિર્ણય બાદ કુમાર વિશ્વાસના સમર્થકો નારાજ થઈ ગયા છે.


કુમાર વિશ્વાસના સમર્થકોની નારાજગી

અત્રે નોંધવું રહ્યું કે, તાજેતરમાં જ આ મામલે કુમાર વિશ્વાસના સમર્થકોએ પાર્ટીની ઓફિસમાં હંગામો કર્યો હતો.

ત્યાર પછી 28 ડિસેમ્બરે કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું હતું, "મેં હંમેશા તમામને કહ્યું છે કે પહેલા દેશ, પછી પક્ષ, પછી વ્યક્તિ, આમ આદમી પાર્ટીની ઓફિસ પર ભેગા થયેલા કાર્યકર્તાઓને અરજ છે કે

"સ્વરાજ, મૂળભૂત અધિકાર, પારદર્શિતાના મુદ્દાઓ માટે સંઘર્ષ કરે, મારા હિત-અહિત માટે નહીં. યાદ રાખો કે અભિમન્યુના વધમાં પણ તેમનો વિજય છે."

દરમિયાન, એવી પણ અટકળો હતી કે આપના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇચ્છતા હતા કે કોઈ બહારની વ્યક્તિને રાજ્યસભામાં મોકલવામાં આવે.

આ માટે પાર્ટી તરફથી ઘણા લોકોના નામ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.

જેમાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુર તથા ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના નામ સામેલ હતા.

Image copyright Getty Images

બીજી તરફ અલકા લાંબાએ કોઈ મહિલાને રાજ્યસભામાં મોકલવાની માંગ કરી હતી. તેમણે પૂર્વ બેંકર મીરા સાન્યાલનું નામ સૂચવ્યું હતું.

વળી, આ તમામ નામો વચ્ચે અચાનક બે નામ સપાટી પર આવ્યા.

જેમાં દિલ્હીના વ્યવસાયી સુશીલ ગુપ્તા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ નવીન ગુપ્તાનું નામ સામેલ હતું.

રાજ્યસભામાં દિલ્હીની ત્રણ બેઠક છે. આ માટે 16 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 5મી જાન્યુઆરી ઉમેદવારી દાખલ કરવાની આખરી તારીખ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો