દિલ્હી : રાજ્યસભા દાવેદારીમાં વિશ્વાસ-આશુતોષના પત્તાં કપાયાં

અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસની તસવીર Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

રાજ્યસભામાં દિલ્હીની ત્રણ બેઠક માટે આમ આદમી પાર્ટીએ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામ પંસદ કર્યા છે.

જો કે, ત્રણ નામોની પંસદગી કરવામાં આવી તે પૂર્વે કેટલાક અન્ય નામો અંગે અટકળો ચાલી રહી હતી.

જેમાં પાર્ટીના નેતા આશુતોષ, રાઘવ ચઢ્ઢા અને આશીષ ખેતાનના નામ પણ સામેલ હતા.

તદુપરાંત પાર્ટીના સંસ્થાપક સભ્ય કુમાર વિશ્વાસે સાર્વજનિક રીતે રાજ્યસભા માટે દાવેદારી રજૂ કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ત્યારે અરવિંદ કેજરીવાલના પક્ષે રાજ્યસભા માટે જે ત્રણ નામ પંસદ કર્યા છે, તેના પર એક નજર.


સંજય સિંહ

Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

સંજય સિંહ એવી વ્યક્તિ છે જેમને પાર્ટીના સંસ્થાપક સભ્ય ગણી શકાય છે.

આમ આદમી પાર્ટીની રચના પૂર્વે રામલીલા મેદાનમાં અન્ના આંદોલન વખતનો આ ચહેરો છે.

સંજય સિંહ કેજરીવાલના વિશ્વસનીય વ્યક્તિ પણ ગણાય છે.

મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના સંજય સિંહે એક સમયે રસ્તા પર સામાન વેચતા ફેરીયાઓ માટે ઝુંબેશ ચલાવી હતી.

એક સામાજિક કાર્યકર્તાની ઓળખ ધરાવતા સંજય સિંહને આમ આદમી પાર્ટીએ પંજાબની વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી બનાવ્યા હતા.


નારાયણ દાસ ગુપ્તા

આમ આદમી પાર્ટીના ટ્વીટર એકાઉન્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, નારાયણ દાસ ગુપ્તા અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઑફ એકાઉન્ટ્સના બૉર્ડમાં ચૂંટાઈ આવનારા પ્રથમ ભારતીય છે.

તેમણે દિલ્હીની શ્રી રામ કોલેજ ઑફ કોમર્સમાંથી બી.કોમ કર્યું છે.

નારાયણ દાસ ગુપ્તાના નામની જાહેરાત કરતી વેળા મનીષ સિસોદીયાએ જણાવ્યું કે, નારાયણ દાસ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિયેશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

તેઓ દેશની અર્થવ્યવસ્થા પર નજર રાખનારી કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે.

તથા નેશનલ પેન્શન સ્કીમ અને ડેવલપમૅન્ટ ઑથૉરિટીના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે.

નારાયણ દાસ જીએસટીના નિષ્ણાત તરીકે જાણીતા છે. તેમણે અર્થવ્યવસ્થા પર કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.


સુશીલ ગુપ્તા

Image copyright FACEBOOK SUSHIL GUPTA

સુશીલ ગુપ્તા કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે અને વર્ષ 2013માં તેમણે કોંગ્રેસ પાર્ટી તરફથી મોતી નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી.

તેમણે એક સમયે આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર કુલદીન સિંહ ચન્ના વિરુદ્ધ ચૂંટણી લડી હતી.

જોકે, તે સમયે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સુભાષ સચદેવનો વિજય થયો હતો.

સુશીલ ગુપ્તા છેલ્લા 25 વર્ષોથી દિલ્હીના પંજાબી બાગ ક્લબના અધ્યક્ષ છે.

આ સિવાય તેઓ 13 વર્ષથી પંજાબી બાગ ક્લબ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ પણ રહી ચૂકયા છે.

કોલેજકાળમાં તેઓ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના સભ્ય રહી ચૂક્યા છે.


ત્રણ મહિના પહેલા કોંગ્રેસમાં હતા

આમ આદમી પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર સુશીલ ગુપ્તાએ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઘણું કાર્ય કર્યું છે.

ત્રણ મહિના પૂર્વે તે કોંગ્રેસમાં જ હતા. મનીષ સિસોદીયાએ જણાવ્યું કે સુશીલ ગુપ્તાએ દિલ્હી અને હરિયાણામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે.

અહીં પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ સિવાય સુશીલ ગુપ્તા ચાર મોટી ચૅરિટી હોસ્પિટલના સંચાલનમાં પણ સેવા આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો