ભીમા-કોરેગાંવ હિંસા મામલે જિગ્નેશ મેવાણી સામે ગુનો દાખલ

ભીમા કોરેગાંવ ખાતે ભડકેલી હિંસાના પગલે મહારાષ્ટ્ર પોલીસે જીગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ગુન્હો નોંધ્યો છે Image copyright AFP/GETTY IMAGES

ભીમા-કોરેગાંવ ખાતે ભડકેલી હિંસાના મામલે મહારાષ્ટ્ર પોલીસે પૂના ખાતે જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ગુનો દાખલ કર્યો છે.

ઉશ્કેરણીજનક ભાષણો કરીને સમાજના બે સમૂહો વચ્ચે હિંસા ભડકાવાના પ્રયાસ મામલે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપ છે કે ભીમા-કોરેગાંવ ખાતે યોજાયેલી રેલી પહેલાં તારીખ 31મી ડિસેમ્બરના રોજ પૂના સ્થિત શનિવારવાડા ખાતે જિગ્નેશ અને ઉમર દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યાં હતાં.

જિગ્નેશ અને ઉમર દ્વારા પૂના ખાતે કરાયેલાં કથિત ઉશ્કેરણીજનક નિવેદનોને ધ્યાને લેતાં તેમની સામે જાહેર શાંતિના ભંગ બદલની ઇન્ડિયન પીનલ કોડની કલમ 153 (એ), 505 અને 117 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૂના વિશ્રામબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી એફ.આઇ.આર (ફર્સ્ટ ઇન્ફોરમેશન રિપોર્ટ) હેઠળની વિગતો અનુસાર આ અંગેની વધુ તપાસ પોલીસ નિરીક્ષક અમૃત મરાઠે ચલાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો