ઘાસચારા કૌભાંડ: વધુ એક કેસમાં લાલુને સાડા ત્રણ વર્ષની સજા

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ Image copyright Niraj Sinha
ફોટો લાઈન બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)ની સ્પેશિયલ કોર્ટે ઘાસચારા કૌભાંડના એક કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની સજા ફરમાવી છે.

રાંચીના સ્થાનિક પત્રકાર નીરજ સિંહાના જણાવ્યા મુજબ, લાલુપ્રસાદ યાદવને પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

હાલ રાંચીની બિરસા મુંડા જેલમાં રાખવામાં આવેલા લાલુપ્રસાદને દેવઘર ટ્રેઝરી કેસમાં 2017ની તા. 23 ડિસેમ્બરે દોષી ઠરાવવામાં આવ્યા હતા.

આ કેસમાં કુલ 22 આરોપીઓ હતા. એ પૈકીના બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. જગન્નાથ મિશ્ર સહિતના છ લોકોને કોર્ટે મુક્ત કર્યા છે.

રાંચીમાં લાલુપ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારના જણાવ્યા પ્રમાણે, તેઓ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરશે.

જોગવાઈઓ મુજબ, ત્રણ વર્ષથી વધુની સજા થઈ હોવાથી આ કોર્ટ તેમને જામીન ન આપી શકે.

તમને આ પણ વાંચવું ગમશે


શું હતો મામલો?

Image copyright NEERAJ SINHA/BBC
ફોટો લાઈન લાલુપ્રસાદ યાદવ

લાલુપ્રસાદ ઉપરાંત અન્ય 15 લોકોને પણ દોષી ઠરાવવામાં આવ્યા હતા.

તેમાં ભૂતપૂર્વ સંસદસભ્ય જગદીશ શર્મા અને ભૂતપૂર્વ પ્રધાન આર. કે. રાણાનો પણ સમાવેશ થાય છે.

આ મામલો 1991થી 1994 વચ્ચેનો છે. એ વર્ષો દરમિયાન દેવઘર ટ્રેઝરીમાંથી 84.54 લાખ રૂપિયા ગેરકાયદે ઉપાડવામાં આવ્યા હતા.

લાલુપ્રસાદ યાદવ પર ષડયંત્ર રચનારાઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ સિદ્ધ થયો હતો.

સીબીઆઈએ રજૂઆત કરી હતી કે, લાલુપ્રસાદ એ વખતે બિહારના મુખ્ય પ્રધાન હતા અને તેમણે તપાસની ફાઇલો પોતાના કબજામાં રાખી હતી.

એ ઉપરાંત અમલદારોએ વાંધો લીધો હોવાં છતાં લાલુપ્રસાદે ત્રણ અધિકારીઓને એક્સટેન્શન આપ્યું હતું.

સીબીઆઈના જણાવ્યા મુજબ, લાલુપ્રસાદને આ કૌભાંડની ખબર હતી, તેમ છતાં તેમણે આ ગેરરીતિને અટકાવી ન હતી.

શરૂઆતમાં આ કેસમાં 34 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, પણ એ પૈકીના 11 લોકો કેસની સુનાવણી દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.


શું છે ઘાસચારા કૌભાંડ?

Image copyright NEERAJ SINHA/BBC
ફોટો લાઈન રાંચીની બિરસા મુંડા જેલ

લાલુપ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડ સંબંધે ત્રણ અન્ય કેસ પણ ચાલી રહ્યા છે. એ કેસોની સુનાવણી સીબીઆઈની રાંચીની અલગઅલગ અદાલતોમાં ચાલી રહી છે.

એ ત્રણ પૈકીના એક કેસનો ચુકાદો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

અહીં એ નોંધવું જોઇએ કે, ઝારખંડ હાઈકોર્ટે 2014ના નવેમ્બરમાં લાલુપ્રસાદ યાદવને રાહત આપી હતી.

ઝારખંડ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, એક કેસમાં દોષી ઠરાવવામાં આવેલી વ્યક્તિ વિરુદ્ધ સમાન કાયદા હેઠળના અન્ય કેસોમાં સુનાવણી કરી શકાય નહીં.

ઝારખંડ હાઈકોર્ટના એ ચુકાદાને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અપીલ માન્ય રાખી હતી અને 2017ના મેમાં લાલુપ્રસાદ વિરુદ્ધ ઘાસચારા કૌભાંડના અલગઅલગ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કરતાં જણાવ્યું હતું કે દરેક કેસની સુનાવણી અલગઅલગ થવી જોઈએ.

આ કેસોની સુનાવણી નવ મહિનામાં સમેટી લેવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને આપ્યો હતો.


ઘણીવાર જેલમાં ગયા છે લાલુપ્રસાદ

Image copyright NEERAJ SINHA/BBC
ફોટો લાઈન સલામતીની સજ્જડ વ્યવસ્થા

900 કરોડના ઘાસચારા કૌભાંડમાં એક કેસ ચાઈબાસા ટ્રેઝરીનો પણ છે.

ચાઈબાસા ત્યારે અવિભાજિત બિહારનો એક ભાગ હતું. ચાઈબાસા ટ્રેઝરીમાંથી કથિત રીતે 37.7 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવામાં આવ્યા હતા.

આ કેસમાં રાંચીની સીબીઆઈ કોર્ટે લાલુપ્રસાદને પાંચ વર્ષની સજા 2013ની ત્રીજી ઓક્ટોબરે ફટકારી હતી.

એ ઉપરાંત લાલુપ્રસાદને 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

બે મહિના જેલમાં રહ્યા બાદ લાલુપ્રસાદને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

અલબત, સજા થઈ હોવાથી તેમણે સંસદસભ્યપદ ગૂમાવવું પડ્યું હતું અને ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક થઈ ગયા હતા.

2013માં લાલુપ્રસાદ જેલમાં ગયા ત્યારે ઝારખંડમાં રાષ્ટ્રીય જનતા દલ સાથે ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર હતી.

હવે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો