હાર્દિકના દબાણથી પરેશ ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા?

હાર્દિક પટેલની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રચાર અભિયાન દરમિયાન હાર્દિક પટેલે કોંગ્રેસની સરકાર બને તો ધાનાણીને મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી હતી

અમરેલીની બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે નીમવામાં આવ્યા છે.

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના નામ પર મંજૂરીની મહોર મારી હતી.

કોંગ્રેસના કહેવા પ્રમાણે, ચૂંટાયેલા ધારાસભ્યોએ પરેશ ધાનાણીને ચૂંટ્યા છે અને તેના માટે કોઈનું દબાણ ન હતું.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના હાર્દિક પટેલે માંગ કરી હતી કે, ધાનાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવે અને આ માટે લડત આપવાની વાત પણ કહી હતી.

તમને આ પણ વાંચવું ગમશે


રાહુલે મારી મંજૂરીની મહોર

ફોટો લાઈન બુધવારે કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમરેલીની બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નીમ્યા છે."

બુધવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત ગુજરાત આવ્યા હતા અને ધારાસભ્યોનો મત જાણ્યો હતો.

કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયા અને વિક્રમ માડમને પણ આ પદ માટે દોડમાં હોવાની ચર્ચા હતી.

એવી જેલ જ્યાં કેદીઓ પરખે છે હીરા


કોણ છે પરેશ ધાનાણી?

41 વર્ષીય પરેશ ધાનાણીએ અમરેલીની બેઠક પરથી ભાજપના બાવકુ ઉંધાડને લગભગ 12 હજાર મતોથી પરાજય આપીને ત્રીજી વખત વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો છે.

ધાનાણીએ 2002ની વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન મોદી સરકારના પ્રધાન પુરુષોત્તમ રૂપાલાને લગભગ 16 હજાર મતે પરાજય આપી પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા.

2007માં ભાજપના નેતા દિલીપ સંઘાણીએ તેમને લગભગ ચાર હજાર મતે પરાજય આપ્યો હતો.

2012માં 13મી વિધાનસભામાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને લગભગ 30 હજાર મતે હરાવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ધાનાણી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. આ વિસ્તારમાં પાર્ટીને 54માંથી 30 બેઠકો મળી છે.

તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક માનવામાં આવે છે. ધાનાણી પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ સાથે સંકળાયેલા છે.

વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસના આગેવાનો શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ડૉ. તુષાર ચૌધરીનો આ ચૂંટણીમાં પરાજય થયો છે. જ્યારે શંકરસિંહ વાઘેલા પાર્ટી છોડી ગયા છે.

આથી નવા નેતૃત્વ માટે માર્ગ વધુ સરળ બન્યો હતો.


હાર્દિકે કર્યું હતું દબાણ

Image copyright Getty Images
ફોટો લાઈન દબાણ હેઠળ પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હોવાની વાતને કોંગ્રેસે નકારી છે

પાસ નેતા હાર્દિક પટેલે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસને પાટીદાર નેતા પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવા જોઇએ. સાથે જ એ માટે લડત ચલાવવાની વાત પણ કહી હતી.

હાર્દિકે ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન અમરેલીમાં એક સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસની સરકારમાં પરેશ ધાનાણી મુખ્યપ્રધાન બનશે.

'શું આ નિર્ણય પાસ નેતા હાર્દિક પટેલના દબાણ હેઠળ લેવામાં આવ્યો હતો?' તેના જવાબમાં ડૉ. દોશીએ કહ્યું હતું, "કોઈનું દબાણ નથી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ પરેશ ધાનાણીની પસંદગી કરી છે."

સાથે જ ઉમેર્યું હતું કે, સમાજના અલગઅલગ વર્ગનાં લોકોનાં સૂચન મળ્યાં હતાં.


કોંગ્રેસની મજબૂત સ્થિતિ

ફોટો લાઈન બુધવારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ધારાસભ્યોના વિચાર જાણ્યા હતા

ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ અમરેલીની બેઠક પરથી ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપીને વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો છે.

વર્તમાન વિધાનસભામાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયાનો વિજય નથી થયો. જ્યારે શંકરસિંહ વાઘેલા પાર્ટી છોડી ગયા છે.

18મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. 77 બેઠકો સાથે કોંગ્રેસ લગભગ બે દાયકામાં પ્રથમ વખત બહુમતી છતાં સૌથી સશક્ત સ્થિતિમાં આવી છે.

જ્યારે 100થી પણ ઓછી બેઠકો સાથે શાસક પક્ષ ભાજપ સૌથી નબળી સ્થિતિમાં છે.

પરિણામ બાદથી જ વિધાનસભામાં વિપક્ષના નેતાના નામ અંગે અટકળો ચાલી રહી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો