પ્રેસ રિવ્યૂ : ગુજરાત સરકારની વેબસાઇટ દ્વારા આધાર એક્ટનો ભંગ?

આધાર કાર્ડ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારની ત્રણ અધિકૃત વેબસાઇટ્સ આધાર એક્ટનું ઉલ્લંઘન કરતાં જોવા મળી છે.

આ વેબસાઇટ્સ પર લાભ મેળનારી વ્યક્તિઓના આધાર નંબર સાર્વજનિક કરાયેલા છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતે આ મામલે અજાણ હોવાનું જણાવ્યું છે.

ગુજરાત સરકાર, વિકસતી જાતિ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ્સમાં આવું જોવા મળ્યું છે.

આધાર એક્ટ 2016ની કલમ 4 અંતર્ગત આવી રીતે ડૅટા જાહેર કરી શકાય નહીં.

આપને આ વાંચવું ગમશે :


Image copyright Getty Images

'ડીએનએ'ના જણાવ્યા અનુસાર આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલી 'વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ'ની શરૂઆત યોગ સાથે કરાશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પ્રથમ વખત ભાગ લેશે.

સ્વિત્ઝરલેન્ડના દાઑસમાં યોજાઈ રહેલી આ બેઠકમાં ભારતીય પરંપરાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે.

ફૉરમમાં 'યંગ ઇન્ડિયા-ન્યૂ ઇન્ડિયા'ની ભાવના દર્શાવવા યોગ ઉપરાંત પારંપરિક ભારતીય વ્યંજન પણ રજૂ કરાશે.

બેઠકમાં ભારતના પ્રતિનિધિ મંડળની સૌથી મોટી હાજરી હશે.

બેઠકમાં ભાગ લેવા માટે છ કેન્દ્રીય મંત્રી, બે મુખ્યમંત્રી, સરકારના ઉચ્ચ અધિકારીઓ, 100 સીઈઓઝ્ અને રજિસ્ટર્ડ કંપનીઝ યુરોપ જશે.


'ગુજરાત સમાચાર'ના અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં રમાયેલી એક ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગવાયું હતું.

અખબારે આ અંગેની તસવીર પણ પ્રકાશિત કરી છે. ભારતીય સોશિયલ મીડિયામાં પણ આ તસવીર વાયરલ થઈ હતી.

મેચ દરમિયાન ખેલાડીઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમનું ટી-શર્ટ પહેયું હતું અને સાવધાનની મુદ્રામાં જોવા મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો