બહેનને આઝાદ કરાવવા જ્યારે ભાઈ બન્યો વેશ્યાલયનો ગ્રાહક

હાથમાં પકડેલા હાથની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

બિહારના બેગૂસરાય જિલ્લાના એક વિસ્તાર બખરીમાં દલાલને એક યુવાન રૂપિયા આપે છે.

જે બાદ તે એક મહિલા સાથે રૂમમાં ઘુસે છે અને થોડી જ મિનિટોમાં બહાર નીકળી જાય છે.

થોડા સમય બાદ એ જ યુવાન પોલીસ પાસે પહોંચે છે. આ વખતે તે મહિલાને દેહવ્યાપારના વ્યવસાયમાંથી બહાર કાઢવા આવ્યો છે.

આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ તેની સગી બહેન હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

પહેલી નજરમાં આ ચોંકાવનારી ઘટના કોઈ ફિલ્મની કે કાલ્પનિક વાર્તા લાગે પરંતુ બિહારના બખરીમાં આવું થયું છે.

પોલીસની કાર્યવાહીમાં બે મહિલાઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી.

આ યુવાન અને તેની બહેન બિહારના શિવહર જિલ્લાથી છે અને બીજી મહિલા ઝારખંડની છે.


જાણીતો ફેરિયો જોઈ જાગી આશા

Image copyright AMIT PARMAR

શિવહરની પ્રતિમાએ (નામ બદલ્યું છે) પોતાના પિયર પહોંચીને બીબીસી સાથે ફોન પર વાત કરી.

"લગભગ ત્રણ વર્ષ પહેલાં અશોક ખલીફા મને સીતામઢીથી ભગાડીને બખરી લાવ્યો હતો અને પછી મારી પાસે આ કામ કરાવવા લાગ્યો."

બખરીમાં તે પોતાના દીકરા સાથે રહેતી હતી. તેમના જણાવ્યા પ્રમાણે તેમને બંદી બનાવીને રખાતાં હતાં. તેઓ ક્યાંય બહાર નીકળી નહોતાં શક્તાં.

તેમણે જણાવ્યું "લગભગ બે અઠવાડિયા પહેલાં મારે ત્યાં એક ફેરિયો આવ્યો. અમે બન્ને એકબીજાને ઓળખતા હતાં."

"મેં તેમનો ફોન નંબર લીધો અને અહીંથી નીકળવાની વાત કરી."

એ ફેરિયો પ્રતિમાના પિયરથી હતો.


પિયર સુધી પહોંચી વાત

Image copyright AMIT PARMAR

શિવહર પહોંચીને ફેરિયાએ સમગ્ર વાત પ્રતિમાના પરિવારજનોને જણાવી. જે બાદ તેના પરિવારજનો બેગૂસરાય પહોંચ્યા હતા.

પ્રતિમાનાં ભાઈ મનોજે (નામ બદલ્યું છે) બહેનને છોડાવવાની વાત બીબીસી સાથે કરી.

"ફેરિયાએ બહેનને કહી રાખ્યું હતું કે હું આવીશ. હું અશોક પાસે ગ્રાહક બનીને પહોંચ્યો. બસો રૂપિયા આપ્યા તો તેણે મને બે છોકરીઓ બતાવી."

"મેં ઇશારો કરી મારી બહેનને પસંદ કરી. જે બાદ હું મારી બહેન સાથે રૂમમાં પાંચ મિનિટ રહ્યો. તેને એમ કહીને નીકળ્યો કે પોલીસને લઈને આવું છું."

જે બાદ પ્રતિમાના પિતાએ લખાવેલી એફઆઈઆર પર બખરી સ્ટેશનની પોલીસે છાપો મારીને પ્રતિમા અને અન્ય એક મહિલાને આઝાદ કરાવી.


આખરે પોતાના ઘરે પહોંચી પીડિતા

Image copyright AMIT PARMAR

બખરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શરતકુમારે બીબીસીને જણાવ્યું "પ્રતિમાને છોડાવ્યા બાદ બીજા દિવસે તેમનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું."

"ત્યારબાદ ત્રીજા દિવસે કોર્ટમાં તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. જે બાદ તેમને તે જ દિવસે તેમનાં માતા-પિતા પાસે મોકલી આપવામાં આવ્યા હતા."

એફઆઈઆરમાં જેમનાં નામ છે તેમાંનાં એક નસીમા ખાતૂનની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અશોક ખલીફા ફરાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો