અમદાવાદ: નારણપુરામાં કરિયાણાની દુકાનમાં આગ, ચારનાં મૃત્યુ

આગ લાગી તે દુકાનની તસવીર

અમદાવાદના નારણપુરામાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

અહીં આવેલા વરદાન ટાવરમાં એક કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી.

ચારેય મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના ફાયર ઓફિસર એમ. પી. મિસ્ત્રીના કહેવા પ્રમાણે સવારે 7:30 થી 8:00 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી.

તેમણે કહ્યું, "આગ લાગી ત્યારે આ પરિવાર દુકાનમાં જ હતો. આ પરિવાર દુકાનના પાછળના ભાગમાં જ રહેતો હતો."

"આગ લાગી ત્યારે દુકાનના આગળના ભાગની જાળી અને શટર બંધ હોવાથી પરિવાર ભાગી શક્યો ન હતો."

એમ. પી. મિસ્ત્રીના કહેવા પ્રમાણે પરિવારના સભ્યોના મૃત્યુ આગથી નહીં પરંતુ ગૂંગળામણના કારણે થયાં હતાં.

તેમના કહેવા પ્રમાણે મૃતકોમાં બે પુરુષ, એક મહિલા અને એક બે વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

પરિવારમાં સાત વર્ષની બાળકીનો બચાવ થયો છે. આ બાળકી સવારે શાળાએ જતી રહી હોવાથી તે આ દુર્ઘટનામાંથી બચી ગઈ હતી.

દુકાનમાં ઇમરજન્સી એક્ઝિટ પણ ન હતું અને પરિવાર દુકાનની પાછળ આવેલા સ્ટોરમાં રહેતો હતો.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા