દલિત મેડિકલ સ્ટુડન્ટ ગુજરાત શા માટે છોડવા ઇચ્છે છે?

ફરિયાદી ડૉ. મારી રાજ
ફોટો લાઈન ફરિયાદી ડૉ. મારી રાજ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ, દુઃખી ચહેરાઓ અને લાંબી કતારો વચ્ચે માસ્ટર ઓફ સર્જરી અભ્યાસક્રમના ત્રીજા વર્ષના એક સ્ટુડન્ટની સારવાર ચાલી રહી છે.

ડૉ. મારી રાજ નામના એ સ્ટુડન્ટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હવે તેઓ ફરીથી સ્વસ્થ થઈ રહ્યા છે.

ડૉ. મારી રાજે આક્ષેપ કર્યો હતો કે તેમના ઉપરી ડૉક્ટરોએ તેમનું જાહેરમાં અપમાન કર્યું હતું.

ડૉ. મારી રાજના આક્ષેપ અનુસાર, તેમને ઉપરીઓ માટે ખુરશી પરથી ઉઠી જવાની ફરજ પાડવામાં આવી હતી.

ઉપરાંત અન્ય સાથી તબીબો તથા ઉપરીઓને ચા સર્વ કરવાની ફરજ પાડી હતી.

ડૉ. મારી રાજે જણાવ્યું હતું કે જ્ઞાતિ આધારિત ભેદભાવના ભાગરૂપે તેમની સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું.

તામિલનાડુના વતની ડૉ. મારી રાજે એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેઓ 2015ના જૂનથી કોલેજમાં જોડાયા, ત્યારથી તેમની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે હોસ્પિટલના નવ ડૉક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોતાને જ્ઞાતિવાદ, પ્રદેશવાદ અને ભાષા સંબંધી ભેદભાવનો ભોગ બનેલી વ્યક્તિ ગણાવતા ડૉ. મારી રાજ તેમના વતનમાં જઈને બાકીનો અભ્યાસ પુરો કરવા ઇચ્છે છે.


આત્મહત્યાનો પ્રયાસ શા માટે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
દલિત મેડિકલ સ્ટુડન્ટ ગુજરાત શા માટે છોડવા ઇચ્છે છે?

ડૉ. મારી રાજનું પોસ્ટિંગ હોસ્પિટલના સેટરડે સર્જિકલ યુનિટમાં કરવામાં આવ્યું છે.

તામિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના ખેડૂત પરિવારના ડૉ. મારી રાજે જણાવ્યું હતું કે માસ્ટર્સ ડિગ્રી કોર્સ માટે તેમને દેશની કોઈ પણ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શક્યું હોત, પણ તેઓ ગુજરાતમાં અભ્યાસ કરવા ઇચ્છતા હતા.

હોસ્પિટલના રૂમમાં એકલા બેઠેલા ડૉ. મારી રાજે બીબીસી ન્યૂઝ ગુજરાતીને કહ્યું હતું કે "હવે હું મારા રાજ્યમાં પાછો જવા ઇચ્છું છું."

તેમણે જણાવ્યું હતું કે ઉપરી ડૉક્ટરો અને સાથી તબીબોએ 2018ની પાંચમી જાન્યુઆરીએ જાહેરમાં કરેલા અપમાનને લીધે તેઓ આત્મહત્યા કરવા ઉશ્કેરાયા હતા.

સ્લીપિંગ પિલ્સના ઓવરડોઝને કારણે તેમને હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉ. મારી રાજે આ ઘટના બાબતે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


આક્ષેપો પાયાવિહોણા?

ફોટો લાઈન પોતાની યોગ્યતા અનુસારનું કામ ફાળવવામાં ન આવતું હોવાનો આક્ષેપ પણ ડૉ. મારી રાજે કર્યો છે.

ડૉ. મારી રાજે આક્ષેપ કર્યો હતો કે તેમને તેમની યોગ્યતા અનુસારનું કામ, તેમની જ્ઞાતિ તથા ધર્મને કારણે ફાળવવામાં આવતું નથી.

ડૉ. મારી રાજ જ્યાં કામ કરે છે એ વિભાગના વડા ડૉ. પ્રશાંત મહેતા સાથે બીબીસીએ વાત કરી હતી.

ડૉ. મારી રાજે કરેલા આક્ષેપોને ડૉ. પ્રશાંત મહેતાએ પાયાવિહોણા ગણાવ્યા હતા.

ડૉ. પ્રશાંત મહેતાએ કહ્યું હતું કે "ડૉ. મારી રાજ છેલ્લા બે મહિનાથી મારા હાથ નીચે કામ કરે છે અને તેમની સાથે વાતચીત કરવાનો બહુ ટાઇમ મને મળતો નથી.

"અમારી સાથે અનુસુચિત જાતિના બીજા ઘણા સ્ટુડન્ટ્સ કામ કરે છે, પણ એ પૈકીના કોઈએ ક્યારેય સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી."

બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસનો એક ભાગ છે. આ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે.

બી.જે. મેડિકલ કોલેજ ગુજરાતમાં શરૂ થયેલી પહેલી મેડિકલ કોલેજો પૈકીની એક છે. બી. જે. મેડિકલ કોલેજ સાથે અર્ધો ડઝનથી વધુ ઈન્સ્ટિટ્યૂટ્સ સંકળાયેલી છે.

ડૉ. પ્રશાંત મહેતાએ કહ્યું હતું કે "ડૉ. મારી રાજે તેમને એક સર્જરી કરવા દેવાની માગણી પાંચમી જાન્યુઆરીએ કરી હતી."

"યુનિટનો વડો હોવાને નાતે હું કોઈ સ્ટુડન્ટને સર્જરી કરવાની પરવાનગી આપી શકું નહીં. છેલ્લા બે મહિનામાં ડૉ. મારી રાજે 22 સર્જરીમાં ભાગ લીધો હતો."


પોલીસ શું કહે છે?

ફોટો લાઈન ડૉ. મારી રાજે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ હોસ્પિટલના સત્તાવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ડૉ. મારી રાજે પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ અગેન્સ્ટ શિડ્યૂલ કાસ્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ દાખલ કરેલી ફરિયાદમાં ડૉ. પ્રશાંત મહેતાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

આ ફરિયાદ બાબતે બીબીસીએ એફ ડિવિઝનના પોલીસ વડા રાજેશ ગઢિયા સાથે પણ વાત કરી હતી.

રાજેશ ગઢિયાએ જણાવ્યું,"આ ફરિયાદ સંબંધે તપાસ શરૂ કરવામાં આવી છે અને સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.

"જોકે, એકેય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

"આરોપીઓ વિરુદ્ધ નક્કર પુરાવા તથા સાક્ષીઓને એકઠા કર્યા બાદ અમે તેમની ધરપકડ કરીશું."

પાંચમી જાન્યુઆરીની ઘટના બાબતે ડૉ. મારી રાજે કહ્યું હતું કે તેમના ઉપરીઓ અને સાથી ડૉક્ટરોએ તેમને ગાળો આપી હતી. તેમની સામે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.

પોતાની સાથે ભેદભાવપૂર્ણ વર્તન થતું હોવાનો આક્ષેપ ડૉ. મારી રાજે પહેલીવાર કર્યો નથી.

ડૉ. મારી રાજના જણાવ્યા અનુસાર, તેમણે 2015ના સપ્ટેમ્બરમાં પણ હોસ્પિટલના સત્તાવાળાઓ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી.

તેમણે કહ્યું હતું કે "ભેદભાવ પર પૂર્ણવિરામ મૂકવા ક્યારેય પગલાં લેવાયાં નથી."

પોતાની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું તેની વિગત ડો. મારી રાજે આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે સીનિયર્સ માટે ખુરશી ખાલી કરી આપવાનું અને અન્યો માટે નાસ્તો-ચા વગેરે ખરીદી લાવવાનું તેમને વારંવાર કહેવામાં આવે છે.

પોતાની યોગ્યતા અનુસારનું કામ ક્યારેય ફાળવવામાં ન આવ્યું હોવાનો દાવો પણ ડો. મારી રાજે કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે "હું થર્ડ યરનો સ્ટુડન્ટ છું અને અન્ય સીનિયર ડૉક્ટર્સની સાથે મોટાભાગની સર્જરી કરવાની છૂટ મને હોવી જોઈએ.

"સર્જરીની પરવાનગીને બદલે મારી સાથે હંમેશા ભેદભાવ કરવામાં આવે છે."

તેમણે ઉમેર્યું હતું કે "પાંચમી જાન્યુઆરીથી હું સારવાર હેઠળ છું, પણ ડૉક્ટરોએ સોમવારથી મારી સંભાળ લેવાનું બંધ કર્યું છે.

"મને સારવાર અને ભોજન આપવામાં આવતું નથી. મારા ભોજનની વ્યવસ્થા ફરજ પરના પોલીસ કર્મચારીઓ કરી આપે છે."

ડૉ. મારી રાજે એવો આક્ષેપ પણ કર્યો હતો કે આરોપીઓને મદદ કરવા તેમને હોસ્પિટલમાંથી ગેરકાયદે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ડૉ. મારી રાજના મોટાભાઈ વિજ્ઞાની છે અને જાપાનમાં રહે છે, જ્યારે તેમના નાનાભાઈ તામિલનાડુમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે.

ડૉ. મારી રાજના માતાએ નેશનલ કમિશન ઑફ શિડ્યૂલ કાસ્ટના અધ્યક્ષને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પત્ર લખીને પોતાના પુત્ર સાથે થતા કથિત ભેદભાવની ફરિયાદ કરી હતી.


આંકડાની વાત

ફોટો લાઈન કથિત અપમાનને કારણે આત્મહત્યા કરવા ઉશ્કેરાયા હોવાનો દાવો ડૉ. મારી રાજે કર્યો હતો.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોના 2016ના આંકડા અનુસાર, અનૂસુચિત જાતિના લોકો વિરુદ્ધના ગુનાઓ અને અત્યાચારની ઘટનાઓ સૌથી વધુ નોંધાતી હોય એવાં ટોચનાં રાજ્યોમાં ગુજરાત દસમા ક્રમે છે.

પછાત જ્ઞાતિઓ વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો હોવાનું પણ આ આંકડાઓ જણાવે છે.

જોકે, એવા ગુનાઓ પૂરવાર થવાનું પ્રમાણ ઘટ્યું છે.

મહાર જ્ઞાતિના સૈનિકોએ પેશવાઓ સામેની લડાઈમાં વિજય મેળવ્યાની 200મી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં તાજેતરમાં જ્ઞાતિઓ વચ્ચે રમખાણ થયું હતું.

એ રમખાણને પગલે દલિતો વિરુદ્ધની હિંસા પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થયું છે.

આરોપીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

બુધવારે તમામ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમની સામેની ફરિયાદને રદ કરવાની દાદ માગી છે.

આ અરજી મુખ્ય ન્યાયધીશ જે.બી. પારડીવાલા સમક્ષ પડતર છે.

દલિત કાર્યકર કાન્તિલાલ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં ઢીલ કરી હતી. જેના કારણે તેમને કોર્ટ સમક્ષ અરજી કરવાનો સમય મળી ગયો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા