કાશ્મીર: પેલેટ ગને આંખો છીનવી જુસ્સો નહીં. આંખો વિના દસમું ધોરણ કર્યું પાસ!

ફોટો Image copyright BILAL BAHADUR/BBC

ભારત શાસિત કાશ્મીરમાં હમણાં જ ધોરણ 10નું પરિણામ જાહેર થયું. જેમાં 62 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. પાસ થનારા વિદ્યાર્થીઓમાં ઈન્શા મુશ્તાક પણ સામેલ છે.

દક્ષિણ કાશ્મીરમાં આવેલા શોપિયાનમાં રહેતી ઈન્શા પાસ થનારા અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ છે. એની વાત કંઈક જુદી છે.

ઈન્શાની ઉંમર 16 વર્ષની છે. બે વર્ષ પહેલાં એટલે કે 2016માં તેને આંખમાં છરા લાગ્યા હતા અને તેણે કાયમ માટે દ્રષ્ટી ગુમાવી દીધી હતી.

પણ એ પંગુતા અને એ ભયને પાછળ છોડી ઈન્શાએ દસમાની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.

તમને આ વાંચવું પણ ગમશે :

આંખો ગુમાવવાથી લઈને 10મું પાસ કરવા સુધીની ઈન્શાની સફર સરળ નહોતી.

આ અંગે વાત કરતાં ઇન્શા કહે છે, "છરા લાગ્યા બાદ મારે અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી."

"પહેલાં તો એવું હતું કે સ્કૂલમાં મને બધું જ એક જ વખતમાં યાદ રહી જતું."

"પણ છરા લાગ્યા બાદ બધું જ બદલાઈ ગયું. શિક્ષક મને ચાર-ચાર વખત શીખવતા ત્યારે મને કંઈ યાદ રહેતું. હવે હું ક્યારેક ક્યારેક ભૂલી પણ જઉં છું."


પેલેટ ગને છીનવી આંખોની રોશની

Image copyright BILAL BAHADUR/BBC

પોલીસ એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરમાં લગભગ છ મહિના સુધી ભારત વિરોધી પ્રદર્શનો ચાલ્યાં હતાં.

જેમાં 80થી વધુ લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં અને હજારો લોકોને ઇજા પહોંચી હતી.

આ પ્રદર્શન દરમિયાન કેટલાય લોકોને પેલેટ ગનથી ઈજા પહોંચી હતી. એમાંથી ઘણા લોકોની આંખોની રોશની પણ છીનવાઈ ગઈ હતી.

આજે ઈન્શાના ઘરે ઉસ્તાહનો માહોલ છે. ઇન્શાના મિત્રોએ તેને અભિનંદન પાઠવ્યાં છે. જોકે, અહીં સુધી પહોંચવું ઇન્શા માટે સરળ નહોતું.

છરા વાગ્યા બાદ ઈન્શાએ દિલ્હી અને મુંબઈમાં આંખોનું ઑપરેશન કરાવ્યું હતું. એને આજે પણ બીજા લોકોના સહારે ચાલવું પડે છે.


ઇન્શા ફરીથી આપશે ગણિતની પરીક્ષા

Image copyright BILAL BAHADUR/BBC

ઇન્શા કહે છે, "મને મારા પિતા પાસેથી પરિણામ જાણવા મળ્યું. કોઈએ એમને ફોન કરીને જાણ કરી હતી."

"મારા કેટલાય મિત્રોએ પણ મને ફોન કરીને અભિનંદન પાઠવ્યાં છે. હું બહુ જ ખુશ છું. અલ્લાહનો આભાર માનું છું."

થોડા મહિના બાદ ઈન્શા ગણિતનું પેપર ફરીથી આપશે. જોકે, એ ઇચ્છે તો અગિયારમા ધોરણમાં પ્રવેશ પણ મેળવી શકે છે.

વાત એમ છે કે દસમા ધોરણમાં ઇન્શાએ ગણિતની જગ્યાએ સંગીતનો વિષય લીધો હતો.

એ કહે છે, "જેટલા માર્કર્સ આવ્યા છે એનાથી થોડા વધુ મેળવવાની આશા હતી."


ઘાવ પર થોડો મલમ લાગ્યો

Image copyright BILAL BAHADUR/BBC

ઈન્શાના પિતા મુશ્તાક અહેમદ કહે છે કે તેમની પુત્રીએ મુશ્કેલીઓ સામે લડીને એ બધું મેળવ્યું છે જે થોડા દિવસો અગાઉ અશક્ય લાગતું હતું.

તેઓ ઉમેરે છે, 'મને ખુદને વિશ્વાસ નહોતો કે ઈન્શા દસમું પાસ કરી શકશે. પણ એણે કરી બતાવ્યું. તેની આ સિદ્ધિથી પરિવાર ખૂબ ખુશ છે.

લોકો સતત ફોન કરી રહ્યા છે. અભિનંદન પાઠવી રહ્યા છે. ઈન્શાએ દસમું પાસ કર્યું તો એક ઘાવ પર થોડો મલમ લાગ્યો છે.

ઈન્શાનું પેપર લખવા માટે શાળા વહીવટી તંત્રએ એક જૂનિયર વિદ્યાર્થીને બેસાડ્યો હતો. ઈન્શા બોલતી ગઈ અને એ લખતો ગયો.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને હુર્રિયત કૉન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારુકે પણ ટ્વીટ કરીને ઈન્શાને અભિનંદન પાઠવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો