જજોની પત્રકાર પરિષદ મામલે પૂર્વ કાયદા મંત્રીએ શું કહ્યું?

રાહુલ ગાંધીની તસવીર Image copyright Getty Images

આ પહેલા ભારતના ઇતિહાસમાં સુપીમ કોર્ટના ચાર જજોએ પહેલીવાર પત્રકાર પરિષદ કરી હતી.

જેમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં ચાલતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી જીવતી નહીં રહી શકે.

સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર સારી લોકશાહીની નિશાની છે."

સાંજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું,"હું માનું છું કે આ એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ બાબત છે. આવું અગાઉ ક્યારેય નથી બન્યું. જજોએ જે મુદ્દા ઉઠાવ્યા તે અત્યંત મહત્વૂપર્ણ છે.

"સુપ્રીમ કોર્ટના ચાર જજોએ સવાલ ઉઠાવ્યા છે. ગંભીર બાબત છે. તેને ધ્યાનપૂર્વક જોવી જોઈએ. જજોએ જજ લોયાની મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ."

રાહુલ ગાંધીએ કહ્યું કે જે નાગરિકોને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે, તેઓ આ મુદ્દા પર મીટ માંડી બેઠા છે. અને ઇચ્છે છે કે આ મુદ્દે તત્કાળ કાર્યવાહી કરવામાં આવે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, "ન્યાયતંત્રની આંતરિક બાબતો હોય છે. તેની જાહેરમાં ચર્ચા ન થવી જોઈએ અને તેની પર રાજનીતિ ન થવી જોઈએ.

"અમને દુખ છે કે કોંગ્રેસ પાર્ટીને દેશની જનતાએ દરેક ચૂંટણીમાં નકારી છે. તે એવી જગ્યાએ તક શોધી રહી છે, જ્યાં શોધવી ન જોઈએ."

બીજી બાજુ, એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ કહ્યું હતું કે આવતીકાલે (શનિવાર) સુપ્રીમ કોર્ટના જજો તેમની વચ્ચેના મતભેદો ઉકેલી લેશે.


દિવસ દરમિયાન શું થયું?

પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજે જજોની પત્રકાર પરિષદ મામલે કહ્યું, 'સમગ્ર સંસ્થાની પ્રતિષ્ઠા ખોવા સમાન છે.

જો તમે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દો તો બાકી શું રહ્યું? ન્યાયતંત્ર લોકશાહીનો મજબૂત પાયો હોવું જ જોઈએ.

એ કઈ રીતે કાર્ય કરે છે તે જોવાની કાયદા મંત્રીની જવાબદારી છે.'


16:05-રાહુલ ગાંધીને મળશે કપિલ સિબ્બલ

કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાંજે 5 વાગ્યે જજોની પત્રકાર પરિષદ મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે.


15:51-ડી રાજાની મુલાકાત

સીપીઆઈએમના સાંસદ ડી રાજાએ જસ્ટિસ ચેલમેશ્વર સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત જસ્ટિસ ચેલમશ્વેરના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને થઈ હતી.


15:28-કોણ છે જસ્ટિસ કુરિયન જોસેફ?

જસ્ટિસ કુરિયન જોસેફનો જન્મ 1953ની 30 નવેમ્બરે કેરળમાં થયો હતો.

તેમણે તિરુઅનંતપુરમની કેરળ લો એકેડમી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

1977-78માં તેઓ કેરળ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા અને 1983થી 1985 સુધી તેઓ કોચ્ચિ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતા.

તેમણે 1979માં કેરળ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. 1987માં તેઓ સરકારી વકીલ બન્યા હતા અને 1994થી 1996 સુધી એડિશનલ એડવોકેટ જનરલ હતા.

1996માં તેઓ સીનિઅર વકીલ બન્યા હતા અને 2000ની 12 જુલાઈએ કેરળ હાઈકોર્ટમાં જજ બન્યા હતા.

2013ની આઠમી માર્ચે તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. તેઓ 2018ની 29 નવેમ્બરે નિવૃત્ત થવાના છે.

Image copyright TWITTER
ફોટો લાઈન જસ્ટિસ કુરિયન જોસેફ

15:15-સુપ્રીમ કોર્ટના વકીલે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંગે કહ્યું, "મારા મત પ્રમાણે આ ઐતિહાસિક પત્રકાર પરિષદ હતી.

"મારા મત પ્રમાણે આપણે ભારતના લોકોને એ જાણવાનો હક્ક છે કે ન્યાયતંત્રમાં શું ચાલી રહ્યું છે. હું તેનું સ્વાગત કરું છું."


14:46-હાઇકોર્ટના નિવૃત જજે શું કહ્યું?

હાઇકોર્ટના નિવૃત જજ મુકુલ મુદગલે કહ્યું, "કોઈ ગંભીર કારણ હશે જેથી તેમના પાસે કોઈ અન્ય વિકલ્પ ના રહ્યો અને પત્રકાર પરિષદ યોજવી પડી.

"પરંતુ તેની સાથે જસ્ટિસ લોયાનું શું કનેક્શન છે તેના વિશે હું કંઈ જાણતો નથી. હું કોઈપણ રાજકીય મામલે ટિપ્પણી કરવા માગતો નથી."


14:28-કોંગ્રેસની પ્રતિક્રિયા

ચાર જજોની પત્રકાર પરિષદ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.

તેમના ઑફિશલ ટ્વિટર હૅન્ડલ પર ટ્વીટ કરીને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસ આ મામલે પક્ષ તરફથી ચિંતા વ્યક્ત કરી હતી.


14:27- આ અપૂર્વ ઘટના છે

સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પી. બી. સાવંતે કહ્યું, "જેમાં જજો મીડિયા સામે આવ્યા હોય તેવી આ અપૂર્વ ઘટના છે.

"એનો મતલબ એ થયો કે ચીફ જસ્ટિસ સાથે તેમના ગંભીર મતભેદ હશે"


14:20-કોણ છે જસ્ટિસ રંજન ગોગોઈ

18 નવેમ્બર, 1954ના રોજ જન્મેલા જસ્ટિસ રંજન ગોગોઈ 1978માં વકીલ બન્યા.

ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા બાદ 28 ફેબ્રુઆરી 2001ના રોજ તેમની ગુવાહાટી હાઇકોર્ટમાં સ્થાયી જજના રૂપમાં નિમણૂક થઈ.

તે બાદ 9 સપ્ટેમ્બર, 2010ના રોજ તેમની બદલી પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં થઈ. 23 એપ્રિલ, 2012ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા.


14:05-ચીફ જસ્ટીસે બેઠક બોલાવી

પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ચીફ જસ્ટીસ દીપક મિશ્રએ આ પત્રકાર પરિષદના અનુસંધાનમાં એટર્નિ જનરલ કે. કે. વેણુગોપાલ સાથે બેઠક બોલાવી.


14-00-સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા

સુપ્રીમ કોર્ટના જજોની આ પત્રકાર પરિષદની સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પત્રકાર પરિષદ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચીફ જસ્ટિસ અને પ્રેસ કૉન્ફરન્સ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે.


13:50-કોણ છે જસ્ટિસ ચેલમેશ્વર?

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં 23 જુલાઈ, 1953ના રોજ જન્મેલા જસ્ટિસ જસ્તી ચેલમેશ્વરે દક્ષિણ ભારતની પ્રસિદ્ધ મદ્રાસ લોયલા કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.

ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ આંધ્ર યુનિવર્સિટીમાંથી તેમણે 1976માં કાયદાનો અભ્યાસ કર્યો હતો.


13:42-સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજોએ પહેલીવાર દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં રહેલી અનિયમિતતા અંગે મીડિયા સાથે વાત કરી હતી.

જેમણે પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી તે ચાર જજ જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટીસ કુરિયન જોસેફની તસવીર.

Image copyright SUPREME COURT

13:30 બીબીસી સાથેની વાતચીતમાં એડવોકેટ અસીમ સરોદેએ કહ્યું, "આજ સુધી દેશમાં ભરાયેલું આ ગંભીર પગલું છે.

"આપણી ન્યાયવ્યવસ્થામાં જે ભ્રષ્ટાચાર છે તેમની સામેનો તેમનો આ ગુસ્સો હોઈ શકે છે."


13:00-ચીફ જસ્ટીસને લખેલા પત્રની કોપી જજોએ મીડિયા સાથે શેર કરી હતી.

Image copyright SUPREME COURT
ફોટો લાઈન ચીફ જસ્ટીસને લખેલા પત્રની નકલ

12:40-જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું, "કારણ કે અમારા તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા, ત્યાં સુધી કે આજે સવારે અમે ચારેય ચીફ જસ્ટિસને મળ્યા, તેમને આગ્રહ કર્યો.

"પરંતુ અમે અમારી વાત પર તેમને સંમત ના કરી શક્યા. ત્યારબાદ અમારી પાસે કોઈ વિકલ્પ ના રહ્યો કે અમે દેશને બતાવી શકીએ કે દેશની દેખભાળ કરે.

"હું નથી ઇચ્છતો કે 20 વર્ષ બાદ આ દેશનો કોઈ બુદ્ધિમાન વ્યક્તિ કહે કે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે પોતાનો આત્મા વેચી દીધો."



12:30-પોતાના નિવાસ સ્થાન પર યોજાયેલી આ પત્રકાર પરિષદમાં સુપ્રીમ કોર્ટના નંબર 2 જજ જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું:

"અમે ચારેય એ વાત પર સહમત છીએ કે આ સંસ્થાને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી જીવતી નહીં રહી શકે.

"સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર સારી લોકશાહીની નિશાની છે."


12:15- સુપ્રીમ કોર્ટના તંત્ર અને વ્યવસ્થા અંગે ચાર જજો વાત કરી રહ્યા છે.


12.00- જજોએ પત્રકારો સાથે વાતચીત શરૂ કરી.


11:50 આ ચાર જજ- જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટીસ કુરિયન જોસેફ છે.


11:45 ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના જજોએ પત્રકાર પરિષદ બોલાવી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો