ચીફ જસ્ટિસ દીપક મિશ્ર સતત ચર્ચામાં રહ્યા છે

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રની તસવીર Image copyright NALSA.GOV.IN

સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેના કારણે ચકચાર મચી ગઈ છે.

એવું કદાચ પહેલી વખત બન્યું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ પત્રકાર પરિષદ સંબોધી હોય.

સુપ્રીમ કોર્ટમાં બીજા ક્રમાંકના જજ જે. ચેલમેશ્વર ઉપરાંત જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકૂર તથા જસ્ટિસ કુરિયન જોસેફ પણ પત્રકાર પરિષદમાં સામેલ થયા હતા.

પોતાના નિવાસસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં જસ્ટિસ જે. ચેલમેશ્વરમે કહ્યું :

"અમે ચારેય એ વાત અંગે સહમત છીએ છીએ કે આ સંસ્થાનને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી ટકી ન શકે.

તમને આ પણ વાંચવું ગમશે

"સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રએ સારી લોકશાહીની નિશાની છે."

"અમારા તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા છે, એટલે સુધી કે આજે સવારે પણ અમે ચારેય મુખ્ય ન્યાયધીશને મળ્યા હતા અને તેમને આગ્રહ કર્યો હતો.

"પરંતુ અમારી વાત માટે મનાવી શક્યા ન હતા. એટલે અમારી પાસે એક જ વિકલ્પ રહ્યો હતો કે દેશને જણાવીએ કે ન્યાયપાલિકાને સંભાળો."

સ્વાભાવિક રીતે તેમનો ઇશારો મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્ર તરફ હતો. એવું પ્રથમ વખત નથી કે દીપક મિશ્રના નામ સાથે વિવાદ જોડાયો હોય.

થોડા દિવસો અગાઉ, લખનૌ મેડિકલ કોલેજને માન્યતા આપવા અંગે પણ વિવાદ થયો હતો. જેમાં પ્રશાંત ભૂષણ જસ્ટિસ દીપક મિશ્રની કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા.

જોકે, ભૂષણની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.


અનેક ચર્ચિત ચુકાદા આપ્યા છે

Image copyright NALSA.GOV.IN

જસ્ટિસ દીપક મિશ્રએ અનેક બહુચર્ચિત ચુકાદા આપ્યા છે. જેમાંથી કેટલાક ચુકાદા તેમણે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે આપ્યા હતા.

એવી જ રીતે કેટલાક ચુકાદા સુપ્રીમ કોર્ટના જજ હતા, ત્યારે આપ્યા હતા.

તેમના ચર્ચિત ચુકાદાઓમાં દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવી અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીવાળી વેબસાઇટ્સને બેન કરવાનો પણ સમાવેશ થાય છે.

કેરળના સબરીમાલા મંદિરના દ્વાર મહિલા શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો આદેશ જસ્ટિસ મિશ્રએ આપ્યો હતો.


નોંધપાત્ર ચુકાદા

Image copyright GettyImages

1. સિનેમાગૃહોમાં રાષ્ટ્રગાન

30મી નવેમ્બર, 2016ના દિવસે જસ્ટિસ દીપક મિશ્રના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે રાષ્ટ્રગાન સંબંધિત ચુકાદો આપ્યો હતો.

જેમાં સિનેમાગૃહોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન વગાડવાનું અને એ દરમિયાન દર્શકોએ ઊભા રહેવાનું, અનિવાર્ય ઠેરવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 9મી જાન્યુઆરીના વધુ એક ચુકાદો આપ્યો હતો. જેમાં રાષ્ટ્રગાનની અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી હતી.

2. એફઆઈઆરની નકલ વેબસાઇટ પર મૂકવી

7મી સપ્ટેમ્બર, 2016ના દિવસે જસ્ટિસ દીપક મિશ્ર અને જસ્ટિસ સી. નગાપ્પનની બેન્ચે શકવર્તી ચુકાદો આપ્યો હતો.

જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે, 24 કલાકની અંદર એફઆઈઆરની નકલ તેમની વેબસાઇટ પર મૂકે.

અગાઉ જ્યારે જસ્ટિસ મિશ્ર દિલ્હીની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે તા. છ ડિસેમ્બર 2010ના તેમણે દિલ્હી પોલીસને પણ આવો જ ચુકાદો આપ્યો હતો.

જેથી કરીને નાગરિકોને બિનજરૂરી હેરાનગતિ ભોગવવી ન પડે.

3. ફોજદારી બદનક્ષીની બંધારણીય કાયદેસરતા

તા. 13મી મે 2016ના દિવસે સુપ્રીમ કોર્ટની બેન્ચે બદનક્ષી સામેની ફોજદારી જોગવાઈઓને બંધારણને અનુરૂપ ઠેરવી હતી.

આ ચુકાદો સુબ્રમણ્યમ સ્વામી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ તથા અન્યો વિરુદ્ધ યુનિયનના કેસમાં ચુકાદો આપ્યો હતો.

બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે, અભિવ્યક્તિનો અધિકાર અમર્યાદિત નથી.


Image copyright PTI
ફોટો લાઈન જસ્ટિસ ખેહરની નિવૃત્તિ બાદ જસ્ટિસ મિશ્ર મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા

4. યાકૂબ મેમણની ફાંસી

1993ના મુંબઈ હુમલાના ગુનેગાર યાકૂબ મેમણે ફાંસી પૂર્વે સજાને અટકાવવા માટે અરજી દાખલ કરી હતી.

આ મામલે તા. 29મી જુલાઈ 2013ના રાત્રે કોર્ટ ખુલી હતી.

એ સમયે ત્રણ જજોએ સુનાવણી કરી હતી. જેમાં જસ્ટિસ મિશ્ર પણ સામેલ હતા.

દલીલો સાંભળ્યા બાદ સવારે પાંચ વાગ્યે જસ્ટિસ મિશ્રે ઠેરવ્યું હતું, "ફાંસીની સજા પર સ્ટે મૂકવો એ ન્યાયતંત્રની મજાક ઉડાવવા જેવું હશે. અરજી રદ કરવામાં આવે છે."

તેના ગણતરીનાં કલાકો બાદ યાકૂબને ફાંસી આપી દેવામાં આવી હતી.

5. બઢતીમાં અનામત પર સ્ટે

ઉત્તર પ્રદેશની માયાવતી સરકારે બઢતીમાં અનામત આપવાની નીતિ દાખલ કરી હતી. જેની ઉપર અલ્લાહબાદ હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો.

ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

27 એપ્રિલ 2012ના સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રમોશન આપતા પહેલા કાળજીપૂર્વક માહિતી એકઠી કરવામાં આવે.

આ ચુકાદો આપનાર બે જજોની બેન્ચમાં દીપક મિશ્ર પણ હતા.


દીપ મિશ્રની કારકિર્દી

63 વર્ષીય દીપક મિશ્રની નિમણૂક સીનિયોરિટીના આધારે થઈ હતી.

13 મહિનાના કાર્યકાળ બાદ તેઓ તા. બીજી ઓકટોબર 2018ના નિવૃત્ત થશે.

1953માં જન્મેલા મિશ્રએ ફેબ્રુઆરી 1977માં વકીલ તરીકે કૅરિયર શરૂ કરી હતી.

તેમણે લાંબા સમય સુધી ઓડિશા હાઈકોર્ટ તથા સર્વિસ ટ્રિબ્યુનલમાં બંધારણ, સિવિલ, ક્રિમિનલ, મહેસૂલી, સર્વિસ તથા સેલ્સ ટેક્સ સહિતના વિષયોમાં વકીલાત કરી હતી.

1996માં ઓડિશા હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે તેમની નિમણૂક થઈ.

બીજા વર્ષે તેમની મધ્યપ્રદેશમાં બદલી થઈ. વર્ષ 1997ના અંતભાગ સુધીમાં તેઓ કાયમી જજ બની ગયા.

23 ડિસેમ્બર 2009ના જસ્ટિસ મિશ્રએ પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદભાર સંભાળ્યો. 24મી મે 2010ના તેઓ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.

10મી ઓકટોબર 2011ના તેમનું પ્રમોશન થયું અને સુપ્રીમ કોર્ટના જજ બન્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો