ન્યાયતંત્ર વિવાદ: હવે આ મામલે શું થઈ શકે?

ભારતની સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright Reuters

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ સંબોધી, જેના કારણે દેશભરમાં ચર્ચા જાગી હતી.

જેમાં તેમણે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

આ અંગે બીબીસી ગુજરાતીએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે સાથે વાતચીત કરી હતી.

જેમાં દવેએ કહ્યું જસ્ટિસ દીપક મિશ્રા સામે તક છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સુધારણા લાવી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

સાથે જ ઉમેર્યું કે જજોએ રાજકારણીઓથી દૂર રહેવું જોઈએ.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે તાજેતરના ઘટનાક્રમ બાદ ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવે તેવી વ્યવસ્થા ઊભી થશે.


હિંદુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના

Image copyright Facebook@NirmaUniLaw

દવેના કહેવા પ્રમાણે, "આજે સુપ્રીમમાં જે ઘટના ઘટી, તે હિંદુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. કદાચ આવું અગાઉ ક્યારેય નથી બન્યું.

"એક રીતે આ સુખદ ઘટના છે કે તે 'નવી આવતીકાલ'ના અણસાર આપે છે.

"બીજી રીતે દુખદ પણ છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ પછીના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ ભરવી પડી.

"અને દેશને અને સમગ્ર જગતને કહેવું પડ્યું કે સુપ્રીમ કોર્ટમાં 'બધુંય બરાબર' નથી."


જસ્ટિસ લોયાના મૃત્યુની તપાસ

Image copyright CARAVAN MAGAZINE

દવેએ મત વ્યક્ત કર્યો હતો કે, સંવેદનશીલ બાબતો માટે ચીફ જસ્ટિસે કેસ પાંચ કે સાત સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોની બેન્ચને સોંપવો જોઇએ, જેથી કરીને તેની ઉપર કોઈ સવાલ ન રહે, પરંતુ એવું થતું ન હતું.

જજ લોયાના મૃત્યુની સુનાવણી પોતાની સાથે વરિષ્ઠતમ બેન્ચને સોંપવી જોઇતી હતી. તે ન્યાયતંત્ર અને દેશના હિતમાં હતું. એના બદલે તેમણે જુનિયર જજને સાથે હોય તેવી બેન્ચને સુનાવણી સોંપી.

દવેના કહ્યું કે આજે દેશ સામે સૌથી મોટો મુદ્દો આધાર અને 'રાઇટ ટુ પ્રાઇવસી'નો છે.

સાથે ઉમેર્યું, "નવ જજોની ખંડપીઠે ઠેરવ્યું છે કે 'રાઇટ ટુ પ્રાઇવસી'એ ભારતના નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.

"એ ચુકાદો આપનારી ખંડપીઠના જજોને બાજુએ રાખીને નવી બેન્ચને સોંપ્યો છે. જે નવ જજોની બેન્ચમાં ન હતા. આથી સામાન્ય નાગરિકોના મનમાં પ્રશ્ન ઉઠે કે આવું કેમ થઈ રહ્યું છે?"


ચર્ચા થતી નહોતી

Image copyright SUPREME COURT

છેલ્લા કેટલાક વર્ષોથી દેશની જ્યુડિશિયરીની સ્થિતિ સારી નથી. તાજેતરમાં અને ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચાર અને સગાવાદના આરોપો લાગ્યા છે. બધાય જાણે જ છે.

કોઈ તેની ચર્ચા કરતું ન હતું અને ઢાંકપિછાડો કરવામાં આવતો હતો. લોકો એવું કહેતા કે જો તેની ચર્ચા થશે તો ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ખરડાશે.

જો તમે આવી બાબતોની ચર્ચા ન કરો અને છાવરો તો ન્યાયતંત્રને વધારે નુકસાન પહોંચે છે. આજે પૂરી ન શકાય તેવી ક્ષતિ પહોંચી છે.

દુષ્યંત દવેના કહેવા પ્રમાણે ન્યાયાધીશોએ રાજનેતાઓથી અંતર જાળવવું જોઈએ.


આ મામલે હવે શું થશે?

Image copyright NALSA.GOV.IN

દવેના કહેવા પ્રમાણે કોઈ જજ સામે આવા આરોપ લાગે તો તેની તપાસ કરવા માટે તેમની આંતરિક વ્યવસ્થા છે.

તેને સક્રિય કરવી પડશે કારણ કે તેમની આંતરિક વ્યવસ્થામાં સરકારની કોઈ દખલ નથી હોતી.

દેશના ન્યાયતંત્રમાં જે સ્થિતિ પ્રવર્તમાન છે. તેને સુધારવાની જવાબદારી મુખ્ય ન્યાયાધીશ, જજો, શાસક પક્ષ, વિપક્ષ, વકીલો અને બાર એસોસિયેશન એમ બધાયની છે.

દરેકે પોતાની ભૂમિકા ભજવીને ન્યાયતંત્ર વધુ મજબૂત બને તેવો ઉકેલ લાવવો જોઇએ. જે લોકોમાં વિશ્વાસ ઊભો કરે છે કે ગમે તે થાય પણ તેમને ન્યાય મળશે.

ન્યાયતંત્ર માટે એક કહેવત છે કે 'ન્યાય માત્ર થવો જ ન જોઇએ, પરંતુ થયો છે તે દેખાવું પણ જોઇએ' એ બાબત સુપ્રીમ કોર્ટે દેશ અને દુનિયાને બતાવવાની જરૂર છે.

સાથે જ ઉમેર્યું હતું કે જો ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ન્યાય ન આપી શકે તો તે બિનજરૂરી વ્યવસ્થા બની રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો