દૃષ્ટિકોણ: ‘ચીફ જસ્ટિસ વલણ બદલો, ત્યારે જ ભરોસો થઈ શક્શે’

સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright AFP

સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો ઇતિહાસમાં પ્રથમ વખત મીડિયાની સામે આવ્યા. તેમણે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વિશે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા.

આ ચાર ન્યાયાધીશોમાંના ન્યાયાધીશ ચેલમેશ્વરે કહ્યું હતું કે તેઓને મજબૂર થઈને મીડિયાની સમક્ષ આવવું પડ્યું છે.

ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે તેમણે પત્ર લખીને તેમની ચિંતાઓ મુખ્ય ન્યાયમૂર્તિને જણાવી હતી, પરંતુ તેઓ તેમને સહમત ન કરાવી શક્યા.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને મુખ્ય ન્યાયમૂર્તિ વચ્ચેના મતભેદ જાહેર થયા પછી ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

પ્રશ્ન એ પણ ઊઠી રહ્યો છે કે દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે?

બીબીસીએ આ વિશે કાયદાના જાણકારો સાથે વાત કરી.


ઇંદિરા જયસિંહ, વરિષ્ઠ વકીલ

Image copyright SUPREME COURT

ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે. પરંતુ એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે શું વહીવટી વ્યવસ્થા ન્યાયતંત્રમાં દખલ કરે છે?

જ્યાં સુધી આ પ્રશ્નનો જવાબ નહીં મળે ત્યાં સુધી સત્ય સામે નહીં આવે. કોઈ પણ દખલગીરી ફક્ત ત્યારે જ કરી શકે કે જ્યારે સિસ્ટમ પડી ભાંગી હોય.

મેં આ પ્રશ્ન એટલે ઊભો કર્યો છે કારણ કે ન્યાયમૂર્તિઓનાં પત્રમાં લખ્યું છે કે મુખ્ય ન્યાયમૂર્તિ નિયમો અનુસાર ચાલતા નથી.

આ પહેલાં પણ જે મુખ્ય ન્યાયમૂર્તિ હતા, તેમના કિસ્સામાં પણ જોવા મળ્યું હતું કે મરજી પ્રમાણે બંધારણીય બેન્ચ બનાવવી અને મરજી પ્રમાણે કેસ ચલાવવા.

નોટબંધીનો કેસ અત્યાર સુધી લેવામાં આવ્યો નથી અને આધારનો કેસ આટલા લાંબા સમય પછી સામે આવી રહ્યો છે.

જજના રોસ્ટર, તેમના મુજબ ન લાગવા કે ખોટા લાગવા કરતાં પણ આ મામલો વધુ ગંભીર છે. કારણ કે કોર્ટની કાર્યવાહીને લઈને લેવાયેલા નિર્ણય પર સમગ્ર કોર્ટ સહમત હોવી જોઈએ.

તેથી કોર્ટની આંતરિક કાર્યવાહી લેખિતમાં સામે આવવી જોઇએ. અત્યાર સુધી આવું કંઈ લેખિતમાં છે જ નહીં.

ન્યાયતંત્ર સામે ઘણી મુશ્કેલી આવી છે. ઘણા કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટ આ મુશ્કેલીનો સામનો કરી શકી નથી. કટોકટી બાબતે તેનો ચૂકાદો તેનું એક ઉદાહરણ છે, જેનાથી દેશને નિરાશ કર્યો હતો.

આજે આવી એક ઐતિહાસિક તક આવી છે, જ્યારે કાયદાનું પાલન કરનારા લોકો ન્યાયતંત્રમાં વહીવટી દખલગીરીને નકારવા માટે ભેગા થાય એ જરૂરી છે. આ જવાબદારી સમગ્ર દેશની છે.


શાંતિ ભૂષણ, પૂર્વ કાયદામંત્રી

Image copyright Reuters

સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મુખ્ય ન્યાયમૂર્તિએ વલણ બદલવું પડશે.

એ સ્પષ્ટ છે કે આજે સુપ્રીમ કોર્ટ કટોકટીમાંથી પસાર થઈ રહી છે. આ ચાર ન્યાયમૂર્તિઓએ મુખ્ય ન્યાયમૂર્તિને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે વિશ્વસનીયતા ખતમ થઈ રહી છે.

આ પ્રકારના વાતાવરણમાં લોકોનો વિશ્વાસ સર્વોચ્ચ અદાલતથી ઊઠી રહ્યો છે. એટલે જ ચાર ન્યાયાધીશોને દેશની સામે આવવું પડ્યું.

લોકશાહી દેશમાં લોકો જ સર્વોચ્ચ હોય છે. તેને બધા જવાબદાર છે. આ ન્યાયાધીશોએ એટલે જ પોતાની વાત આગળ ધરી કે કંઇક થઈ શકે.

મારું સૂચન એ છે કે હવે સુપ્રીમ કોર્ટની બેન્ચ બનાવવાનો અધિકાર મુખ્ય ન્યાયમૂર્તિને બદલે પાંચ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની બેન્ચને આપવો જોઈએ. જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ પણ હોય.

પછી સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ ફરી જન્મશે.

આ પહેલાં ક્યારેય આવું થયું નથી. કટોકટી દરમિયાન એ એન રે મુખ્ય ન્યાયમૂર્તિ હતા.

ત્યારબાદ ભૂતપૂર્વ એટર્નિજનરલે તેમને કહ્યું હતું કે હેબિયેસ કોર્પસ કેસ પાંચ સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સામે જવા જોઈએ.

તેમણે આ વાત માનીને હેબિયસ કોર્પસ કેસને પાંચ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને આપ્યા. પસંદ કરેલા જુનિયર ન્યાયાધીશોને મોકલવામાં આવ્યા નહોતા.

આવી ઘટના પહેલાં ક્યારેય બની નહોતી. જજોની પ્રેસ કૉન્ફરન્સ પછી દબાણ તો આવશે જ. હવે જોવાનું છે કે મુખ્ય ન્યાયમૂર્તિ શું કરે છે?

ભરોસાની મુશ્કેલી વધી રહી છે. હવે મુખ્ય ન્યાયાધીશ રાજીનામું આપે અથવા તેમના વલણમાં ફેરફાર કરે તો લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.

જે ભરોસો તૂટ્યો છે, તે આમ કર્યા વિના પુનઃસ્થાપિત થશે નહીં.


રાજૂ રામચંદ્રન, વરિષ્ઠ વકીલ

Image copyright NALSA.GOV.IN
ફોટો લાઈન મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્ર

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો ગંભીર છે અને ઇતિહાસમાં તે પહેલી વાર બન્યું છે. તે દેશની સર્વોચ્ચ અદાલતમાં લાગેલા ગંભીર સડાને ખુલ્લો પાડનારી ઘટના છે.

આ ચાર ન્યાયમૂર્તિઓએ સામાન્ય લોકોના હિત વિશે જ વાત કરી છે. દેશના સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ સંસ્થાના કાર્યમાં પારદર્શિતા લાવવાના તેમના પ્રયત્નોને બધાની સામે રાખ્યા છે.

મુખ્ય ન્યાયમૂર્તિને બુદ્ધિગમ્ય સિદ્ધાંતને આધારે બેન્ચોને કેસ સોંપવા જોઇએ. જો આવું ન થયું તો જાહેર જનતાનો વિશ્વાસ ડગમગી શકે છે.

કારણ કે લોકો અને દેશને લગતા મહત્વના મુદ્દા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોના હાથમાં હોવા જોઈએ.

ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં તેમની ચિંતા વ્યક્ત કરી છે.

એટલે બધા જ ન્યાયમૂર્તિઓએ કોર્ટમાં બેસીને આ વિશે ચર્ચા કરવી જોઇએ અને પત્રમાં ઉઠાવેલા પ્રશ્નોના ઉકેલ માટે પગલાં લેવા જોઇએ.

આ પત્રકાર પરિષદ પછી લોકોનો વિશ્વાસ ન્યાયતંત્રથી ડઘાઈ ગયો છે. પરંતુ યોગ્ય પગલાં લઈને તેને ફરી મેળવી શકાય છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકોના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ