'પદ્માવત' જ નહીં, આ ફિલ્મો પણ ગુજરાતમાં BAN

પદ્માવત ફિલ્મનું પૉસ્ટર Image copyright PADMAVAT/FILM

શુક્રવારે ગુજરાત સરકારે વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ લગાવી દીધો.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને કહ્યું કે, ફિલ્મ પર પ્રતિબંધનો નિર્ણય પહેલાથી જ લાગુ છે.

જોકે, 'ગુજરાતમાં પ્રતિબંધ' એવું મથાળું પહેલી સમાચાર પત્રોમાં નથી છપાયું.

તમને આ વાંચવું પણ ગમશે:

આ પહેલા પર ગુજરાત સરકાર કેટલીય ફિલ્મો અને પુસ્તકો પર પ્રતિબંધ લગાવવાનું 'સૌભાગ્ય' હાંસલ કરી ચૂકી છે.


ચાંદ બુજ ગયા

Image copyright Chand Bujh Gaya movie poster

આ ફિલ્મ 2005માં આવી હતી. ગોધરામાં સાબરમતી ટ્રેનના ડબ્બામાં લગાવેલી આગ આ ફિલ્મના બૅક ગ્રાઉન્ડમાં હતી.

શરિક મિન્હાજે ડિરેક્ટ કરેલી આ ફિલ્મની પાર્શ્વભૂમિ ગુજરાત હોવા છતાં પણ ફિલ્મ ગુજરાતમાં જ રજૂ નહોતી થઈ શકી.


ફના

Image copyright Fanna Movie Poster

ફના ફિલ્મ પર પ્રતિબંધ નહોતો લગાવાયો છતાં આ ફિલ્મ 'પ્રતિબંધિત' હતી. આવું કઈ રીતે થયું?

તો વાત એમ હતી કે સામાજિક મુદ્દે પોતાનો પક્ષ રાખવા માટે જાણીતા આમિર ખાને 'નર્મદા બચાવ આંદોલન' માટે ઉઠાવ્યો.

આમીરે અવાજ ઉઠવ્યો તો ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યૂટર્સે તેમની સિનેમા હોલમાંથી 'ફના' ઊતારી લીધી.

એ વખતે ગુજરાતમાં આમિર વિરુદ્ધ ઘણા પ્રદર્શનો થયા. ફિલ્મ વિરુદ્ધ ઘણા પ્રદર્શનો થયા.

સુપ્રીમ કોર્ટે ફિલ્મ દર્શાવનારા થિએટરને પોલીસ રક્ષણ આપવાની તૈયારી બતાવી, પણ થિએટર માલિકો ફિલ્મ રજૂ કરવા તૈયાર ના થયા.

તો અહીં સવાલ એ પણ થાય કે 'ફના' પર સરકારે નહીં લોકોએ જ પ્રતિબંધ મૂકી દીધો એવું કહી શકાય?


પરઝાનિયા

Image copyright Parzania Movie Poster

તમે શાહરુખ ખાનની 'રઇસ' ફિલ્મ જોઈ છે? ટિપિકલ બોલિવૂડ મસાલાથી બરપૂર આ ફિલ્મ રાહુલ ધોળકીયાએ 2017માં ડિરેક્ટ કરી હતી.

એના દસ વર્ષ પહેલા તેમણે એક ફિલ્મ બનાવી હતી 'પરઝાનિયા'. એકદમ ડાર્ક, એકદમ રિયાલિસ્ટિક.

ફિલ્મની સ્ટોરી 2002ના ગુજરાતના હુલ્લડોમાં પુત્ર ગુમાવનારાં રૂપા મોદી પર આધારીત હતી.

એ ફિલ્મ રિયાલિટી પર બેસ્ડ હતી અને કદાચ એટલે જ તે ગુજરાતમાં રજૂ નહોતી થઈ શકી, એ પણ પાછી રિયાલિટી છે.

ફિલ્મ પર સરકારે તો પ્રતિબંધ નહોતો લગાવ્યો પણ બંજરંગ દળના બાબુ બજરંગીએ થિયેટર ઑનર્સને 'સમજાવી' દીધા હતા કે ફિલ્મ રજૂ થશે તો સમાજીક સદ્દભાવ બગડી શકે છે.

હવે એ વાત પાછી અલગ છે કે નરોડા પાટીયા હત્યાકાંડના દોષીત તરીકે બંજરંગી જેલના સળીયા પાછળ છે.


ફિરાક

Image copyright Firaaq Movie Poster

: ગુજરાતી માતા અને બંગાળી પિતાના ટેલેન્ટેડ પુત્રી નંદિતા દાસે ગુજરાતના બૅકગ્રાઉન્ડ પર એક ફિલ્મ બનાવી હતી 'ફિરાક'.

ફિલ્મમાં ગુજરાતમાં થયેલા હુલ્લડોની સામાન્ય લોકોના જીવન પર થયેલી અસરની વાત કરવામાં આવી હતી.

'ફિલ્મની આવકમાં ભાગના મુદ્દે વિવાદ' હોવાનું કહીને કેટલાય વિતરકોએ ફિલ્મ રજૂ નહોતી કરી.

જોકે, એ વખતે અફવા તો એવી પણ ઊડી હતી કે ફિલ્મને રજૂ ના થાય એ માટે રાજકીય દબાણ પણ હતું. જોકે, અફવાઓને આધાર ક્યાં હોય છે?


જિન્નાહ : ઇન્ડિયા, પાર્ટિશન, ઇન્ડિપૅન્ડન્સ

Image copyright Getty Images

: ભાજપના નેતા જશવંત સિંહે 2009માં મહમ્મદ અલી ઝીણા પર આ પુસ્તક લખ્યું હતું.

જોકે, પુસ્તકમાં સરદાર પટેલનું અપમાન કરાયું હોવાનું કહીને ગુજરાત સરકારે પુસ્તક પર પ્રતિબંધ મુકી દીધો હતો. અલબત્ત, ગુજરાત હાઈકોર્ટ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. પણ પુસ્તક જસવંત સિંહ માટે અપશુકનિયાળ સાબિત થયું.

આ પુસ્તક લખવા બદલ સિંહને ભાજપમાં પાણીચું પધરાવી દેવાયું. એવું પણ કહેવાય છે કે આ પુસ્તકે સિંહની રાજકીય કારકીર્દિનો ભોગ લઈ લીધો. જોકે, ઝીણા પર લખાયેલા આ પુસ્તક બદલ કેટલાય લોકો સિંહના વખાણ પણ કર્યા.


ગ્રેટ સૉલ : મહાત્મા ગાંધી એન્ડ હિસ સ્ટ્રગલ વિથ ઇન્ડિયા

Image copyright Getty Images

જૉસેફ લેલવેલ્ડ પર મહાત્મા ગાંધી પર આ પુસ્તક લખ્યું હતું. પુસ્તકમાં ગાંધીજી સજાતિય હોવાનો નિર્દેશ કરાયો હતો.

જેને પગલે ગુજરાતમાં પુસ્તક પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો