ઉત્તરાયણ : આ તહેવારે ખવાતો સાતધાની ખીચડો કેમ હોય છે ખાસ?

  • અરુણા જાડેજા
  • બીબીસી ગુજરાતી માટે

સૂર્ય 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણે ગયો અને ગુજરાતીઓ ધાબા પર. આખા ગુજરાતમાં રસ્તા કરતાં ધાબાં પર વધારે લોકો જોવા મળશે.

'કાયપો છે...'ના હર્ષોલ્લાસની સાથે ગુજરાતના દરેક ધાબે લિજ્જતદાર મિજબાની જામે છે.

સુરતી ઊંધિયું, જલેબી અને પોંકની મહેફિલો થશે. સાથે ખાસ ઉત્તરાયણે ખવાતો ખીચડો અને બોર-જામફળ-શેરડી જેવાં ફળો વગર ઉત્તરાયણની મજા ન જામે.

આજના દિવસે ચીકી ખાવાનો કોઈ ચોક્કસ સમય નથી હોતો. એ તો આખો દિવસ સતત પેટમાં પહોંચતી રહે છે.

ઉત્તરાયણના આ તહેવારમાં આ બધાં સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા ભરપૂર ખવાય છે, પણ આ ઋતુમાં ખવાતી આ તમામ વાનગીઓમાં સ્વાદ ઉપરાંત વૈજ્ઞાનિકતા પણ ભળેલી છે.

જેમાં તંદુરસ્તી રિચાર્જ થઈ જાય છે. આવો જાણીએ આ વાનગીઓના સ્વાદ પાછળ છુપાયેલા આરોગ્યપ્રદ ગુણો...

તમને આ વાંચવું પણ ગમશે:

ચીકી અથવા તલસાંકળી

ચીકી એટલે તલ-ગોળનો પાથરેલો પાક. તલસાંકળીને લાડથી 'ચીકી' પણ કહેવાય.

ઉત્તરાયણ એટલે કડકડતી ઠંડીની ઋતુ. આપણાં બા, દાદી, નાનીના અનુભવ અને સમજણની સ્વાદિષ્ટ સાબિતી એટલે ચીકી.

તલમાં ભારોભાર તૈલી પદાર્થ હોય છે. આવા ગુણકારી તલ સાથે દેશી, કેમિકલ વગરનો ગોળ પણ શરીરને ઊર્જા પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ છે.

તૈલી તલ અને ગરમ ગોળનું આરોગ્યપ્રદ અને ઊર્જાસભર સંયોજન એટલે ચીકી.

તલ ઉપરાંત શીંગ અને સૂકા મેવાની ચીકી પણ બનવા લાગી છે, પણ ખરી ચીકી તો તલની જ.

મહારાષ્ટ્રમાં ઉત્તરાયણ સંક્રાંતિ તરીકે ઊજવાય છે જ્યાં તલગોળની લાડુડીનો મોટો મહિમા છે.

સંક્રાંતિએ મરાઠી લોકો અરસપરસ તલગોળ ધરીને કહે છે - 'તલગોળ લ્યો અને મીઠુંમધૂરું બોલો', કારણ કે સૌનો પ્રેમ પરસ્પર તલની ચીકાશ જેવો ટકાઉ અને ગોળની મીઠાસ જેવા મધૂરો સંવાદ જળવાઈ રહે.

પરંપરાગત ખીચડો

દાળચોખા ભેળવેલી ખીચડી પરથી બન્યો સાત ધાન ભેળવેલો ખીચડો.

ગુજરાતમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ઘરેઘરે સાતધાની ખીચડો બને છે.

જુવારથી અડધા ભાગના ચોખા અને પા ભાગના ઘઉં, દેશી ચણા, મગ, મઠ અને તુવેરદાણા એક-એક ચમચો. જુવાર ખાસ ધાન છે.

તેને રાતે પલાળી રાખો, ચોખા-તુવેરદાણા સિવાયનું ધાન સવારે છડીને એના ફોતરા કાઢીને તડકે સૂકવી લો.

હવે જ્યારે ખીચડો રાંધવો હોય ત્યારે ફરીથી 5-7 કલાક પાણીમાં પલાળીને એમાં સૂકાયેલા ચોખા-તુવેરદાણા ઉમેરીને એને ઊકળતા પાણીમાં ઓરીને બાફી લો.

બફાઈ ગયા પછી તલના તેલમાં ડુંગળી-લસણથી સાત ધાનને વઘારીને મસાલો કરો. ખીચડો તૈયાર. એની મજા માણો મિત્રો સાથે.

આ રીતે આ જ સાતધાનનો લાપશી જેવો ગળ્યો ખીચડો પણ અતિ સ્વાદિષ્ટ બની શકે.

એને પણ શીરાની જેમ આગળ પડતા ઘી અને સૂકામેવાથી લસલસતો બનાવી શકાય. આ સાત ધાનનાં પૌષ્ટિક તત્ત્વો બહારની ઠંડી સામે શરીરને ટકાવી રાખે છે.

તેમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાતેય ધાન ઊર્જાની સાથે સાથે શરીરની પુષ્ટિ કરનારા ગણાય છે, જેમાં ફાઇબર્સ, પ્રોટીન પણ પુષ્કળ માત્રામાં રહેલાં છે.

બધા જ તેલોનો રાજા એટલે તલનું તેલ. શિયાળે શરીરની અંદરબહાર તલનું તેલ ગુણકારી, આરોગ્યવર્ધક અને ઉષ્માદાયક ગણાય છે.

કાળા તલનું શક્તિપ્રદ કચરિયું પણ સૌરાષ્ટ્રમાં વખણાય છે.

બોર-જામફળ અને શેરડી

  • શબરીના બોર - બોર એ ખાસ શિયાળાનું રાનફળ. નાનાંમોટાં સૌને ભાવતું.
  • ચણી બોર - સ્વાદિષ્ટ, બલપ્રદ, પાચ્ય, ભૂખ લગાડનારાં (ઍપિટાઇઝર), લોહીવર્ધક અને ત્રિદોષને શમાવે છે. નાના મણકા જેવડાં હોવાથી તેને 'ચણિ-મણિ' પણ કહે છે.
  • મોટાં રાજબોર - તેને રાંદેરી બોર પણ કહે છે. તેમાં ગર (પલ્પ) વધુ હોવાથી સુપાચ્ય નથી. પચવામાં એ ભારે છે. જોકે, તેમાં પૌષ્ટિક્તા પણ ભારોભાર છે. આયુર્વેદ તેને પિત્તશામક અને વાયુનાશક ગણાવે છે.

જામફળ

ઉપરથી લીલાંછમ અને અંદરથી લાલમલાલ કે અંદરથી મોતિયા રંગના સોહામણાં જામફળ જોઈને કોનું મન ન લલચાય.

આપણે ત્યાં કહેવાય છે કે, આપણે પહેલાં આંખથી જમીએ છીએ અને પછી જીભથી તેનો સ્વાદ માણીએ છીએ.

આયુર્વેદમાં તો ખરું જ પણ એલોપેથીમાં પણ જામફળને ગુણકારી ગણાવ્યાં છે. એને ઊર્જાદાયી ફળ એટલે કે એનર્જી આપનારાં ગણાવ્યાં છે.

એમાંથી વિટામિન બી-9, વિટામિન-સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, મિનરલ્સ મળે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

તેમાં રહેલું લાઇકોપીન નામનું તત્ત્વ કૅન્સરને મટાડવામાં મદદરૂપ બને છે. જામફળ પિત્તશામક અને પેટ સાફ કરનારાં છે.

ગુણકારી શેરડી

લોહતત્ત્વ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં તત્ત્વો ભરપૂર માત્રામાં હોવાથી જ આપણા વડેરાંઓએ શિયાળામાં શેરડીને સ્થાન આપ્યું હશે.

સુપાચ્ય શેરડી પણ જામફળની જેમ રેચક છે. તેમાં રહેલી સાકર શિયાળામાં શરીરને ઊષ્ણતા અને ઊર્જા આપે છે.

એટલે જ, ધાબે પતંગ ચઢાવતી વખતે શેરડીના ટુકડા ચૂસવાની પ્રથા પડી હશે. શેરડીને ચૂસવાથી મળતો રસ બત્રીસે કોઠાને ઝળહળ કરી મૂકે છે અને શરીરમાં શક્તિ રેલાય છે.

આજકાલ ડૉક્ટર્સ એવું કહે છે કે એ કોલેસ્ટ્રેરોલને પણ કાબૂમાં રાખે છે.

છોલેલી શેરડી ખાવાથી દાંત મજબૂત બને છે. શેરડીનો ચૂસાતો મીઠોમધૂરો રસ માણીને થાય કે દેવોનું અમૃત આવું જ હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો