જજ લોયાના મૃત્યુ અંગે તેમના પુત્રએ શું કહ્યું?

જજ લોયાની તસવીર Image copyright CARAVAN MAGAZINE

જજ લોયાના મૃત્યુ અંગે ચર્ચાની વચ્ચે તેમના પુત્ર અનુજે રવિવારે કહ્યું હતું કે, તેમના પરિવારને કોઈ પર શંકા નથી.

સામયિક 'ધ કૅરવૅન' ના નવેમ્બર મહિનાના અહેવાલમાં જજ લોયાનું મૃત્યુ સંદેહાસ્પદ સ્થિતિમાં થયું હોવાનું પરિવારના સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું હતું.

શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પત્રકાર પરિષદ સંબોધી હતી.

ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અન્ય વિષયોની સાથે જજ લોયાના નિધનની તપાસનો મુદ્દો પણ તેમણે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્ર સાથે ચર્ચયો હતો.

તમને આ પણ વાંચવું ગમશે


કોઈ પર શંકા નથી

Image copyright PTI
ફોટો લાઈન શુક્રવારે સુપ્રીમના જજોની પત્રકાર પરિષદ બાદ ફરી જજ લોયાનો મામલો ચર્ચામાં આવ્યો

જજ બ્રજગોપાલ લોયાના પુત્ર અનુજે રવિવારે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે લોયાના મૃત્યુ અંગે પરિવારને કોઈ શંકા નથી.

અનુજે કહ્યું કે આ બાબતે તેમનો પરિવાર ખૂબ જ તકલીફમાં છે અને તેમાંથી બહાર આવવા માંગે છે.

21 વર્ષીય અનુજે કહ્યું, "હું સ્પષ્ટ કરી દેવા માંગું છું કે પરિવારને આ બધીય બાબતોને કારણે તકલીફ પડી રહી છે. અમને કોઈ પર શંકા નથી.

"અમે શોકમાં છીએ અને આ બધીય બાબતોમાંથી બહાર નીકળવા માંગીએ છીએ.

"હું આપ લોકોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને અમને પરેશાન કરવાનો પ્રયાસ ન કરો. હું મીડિયા મારફત આ વાત તમામને જણાવવા માંગું છું.


નથી ઇચ્છતા કોઈ લાભ લે

ફોટો લાઈન જજ લોયા એકદમ જમણે

રવિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે અનુજ લોયાને પૂછવામાં આવ્યું કે તેઓ પિતાના મૃત્યુ અંગે તપાસ ઇચ્છે.

જેના જવાબમાં અનુજે કહ્યું, 'આ વિશે નક્કી કરનાર તેઓ કોઈ નથી. '

વધુ એક વખત તેમને પૂછવામાં આવ્યું તો અનુજે કહ્યું, "કોઈ શંકા નથી."

પરિવારના અન્ય સભ્યોએ સવાલ ઉઠાવેલા સવાલો અંગે પૂછવામાં આવતા અનુજે કહ્યું, "તેમની સામે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે.

"એ વખતે તેઓ ભાવનાત્મકતાને કારણે કેટલાક સંદેહ હતા, પરંતુ હવે કોઈ શંકા નથી."

સોશિયલ મીડિયામાં તેમના નામે પત્ર વહેતો થયો હતો. જેમાં તેમના વર્તમાન વલણથી અલગ વાત હતી.

જેના જવાબમાં અનુજે કહ્યું, "મેં કહ્યું તેમ તે સમય ભાવનાત્મક રીતે અસમંજસનો સમય હતો. એટલે એ સમયે કેટલીક શંકાઓ હતી, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ છે."

"તેમની સાથે હાજર તેમના વકીલ અમીર નાઇકે કહ્યું, "કોઈ વિવાદ નથી. આ મુદ્દે રાજકારણનો સવાલ નથી.

"જે કાંઈ થયું તે દુખદ છે, પરંતુ અમે આ મુદ્દે કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવા નથી માંગતા.

"અમે નથી ઇચ્છતા કે કોઈ પણ તેનો લાભ લે."


સુપ્રીમમાં સોમવારે સુનાવણી

Image copyright Getty Images

આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પત્રકાર પરિષદ સંબોધી હતી.

આ પત્રકાર પરિષદમાં જજોએ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્ર દ્વારા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ કેસોની ફાળવણી જુનિયર બેન્ચોને થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સાથે જ જજ લોયાના નિધનની તપાસ અંગે પણ ચર્ચા થઈ હોવાનું ચાર જજોએ મીડિયાને જણાવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં જસ્ટિસ જે. ચેમલેશ્વર, જસ્ટિસ મદન લોકુર, જસ્ટિસ ગોગોઈ તથા જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ થયા હતા.

આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.


જજ લોયાનું નિધન ફરી ચર્ચામાં

પહેલી ડિસેમ્બર 2014ના જજ લોયાનું નિધન થયું હતું. એ સમયે એક લગ્ન કાર્યક્રમમાં સામેલ થયા હતા.

જજ લોયા સીબીઆઈની વિશેષ કોર્ટના જજ હતા અને મૃત્યુ પહેલા ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર અંગે સુનાવણી કરી રહ્યા હતા.

આ કેસમાં અન્ય લોકોની સાથે ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ પણ આરોપી હતા. આ કેસ સમાપ્ત થઈ ગયો છે અને શાહને દોષમુક્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અરજીની સુનાવણી કરતી વખતે આ બાબતને ગંભીર ઠેરવી હતી.

કોંગ્રેસ પાર્ટી પણ જજ લોયાના નિધનનો મુદ્દો ઉઠાવતી રહી છે. શુક્રવારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જજ લોયાના મૃત્યુની તપાસની માંગ કરી હતી.

આ પહેલા બેહરીનની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંવેદનશીલ કેસોની સુનાવણી કરી રહેલા જજોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ થઈ રહ્યા છે.


મીડિયામાં જજ લોયા અંગે અહેવાલો

'ધ કૅરવૅન' નામના સામયિકે જજ લોયાના પરિવારજનો સાથે વાતચીતના આધારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જજ લોયાનું નિધન શંકાસ્પદ સંજોગોમાં થયું હતું.

જોકે, 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારે તેના અહેવાલ દ્વારા આ આશંકાને આધારહીન જણાવી હતી. આ માટે બે જજોના નિવેદન ટાંકવામાં આવ્યા હતા.

પત્રિકા 'ધ કૅરવૅન'ના નવેમ્બર મહિના અંકના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જજ લોયાને ઑટો રિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા.

આ સિવાય લોયાના બહેને સવાલ ઉઠાવ્યો હતો કે, જો હૃદયરોગનો હુમલો આવ્યો હતો તો તેમનું ECG કેમ ન કરાયું?

તેના થોડા દિવસો બાદ 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં ECGનો રિપોર્ટ પ્રકાશિત થયો હતો. દાંડે હૉસ્પિટલના પ્રબંધકોએ પણ ન્યૂઝપેપરને જણાવ્યું કે, જજ લોયાનો ECG ટેસ્ટ કરાયો હતો.

તેની ઉપર સવાલ ઉઠાવતા 'ધ કૅરવૅન'ના રાજકીય મામલાના સંપાદક હરતોષ સિંઘ બલે ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું હતું, "અત્યાર સુધી એટલી જ નોંધ લેવી પૂરતી નથી કે ઇન્ડિયન એક્સપ્રેસે જે ECG રિપોર્ટ છાપ્યો છે, જેનો હવાલો NDTVએ આપ્યો છે, તેના પર તારીખ 30 નવેમ્બરની છે. જે જજ લોયાના મૃત્યુના એક દિવસ અગાઉની છે."

અંગ્રેજી ન્યૂઝપેપર 'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા 'ધ કૅરવૅન'ના રિપોર્ટ પર સવાલ ઉઠાવાયા હતા.

ન્યૂઝપેપરે મુંબઈ હાઇકોર્ટના બે જજ- જસ્ટિસ ભૂષણ ગવઈ અને જસ્ટિસ સુનીલ શુકરે સાથે વાતચીત કરી છે, એ બન્નેનું કહેવું છે કે, તેઓ જજ લોયાના મૃત્યુ સમયે હૉસ્પિટલમાં હાજર હતા.

'ઇન્ડિયન એક્સપ્રેસ'એ લખ્યું હતું કે, બન્ને જજોનું માનવું છે કે લોયાના મૃત્યુની પરિસ્થિતિઓમાં એવું કંઈ પણ ન હતું, જેના પર શંકા ઊભી થાય.

જસ્ટિસ શુકરેએ કહ્યું, "તેમને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાનો સવાલ જ નથી, જજ બરડ તેમને પોતાની કારમાં દાંડે હૉસ્પિટલ લઈ ગયા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ