બિગ બૉસ વિજેતા શિલ્પા શિંદે વિશે આ વાતો તમે જાણો છો?

શિલ્પા શિંદે Image copyright COLORS

લોકપ્રિય ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ની અંગૂરીભાભી શિલ્પા શિંદે કલર્સના રિઍલિટી શો બિગ બૉસ 11ની વિજેતા બની છે.

રવિવાર સાંજે લોનાવાલામાં થયેલા ગ્રાન્ડ ફિનાલેમાં તેમણે હિના ખાનને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.

બિગ બૉસ 11ના ગ્રાન્ડ ફિનાલેને ખાસ બનાવવા સલમાન ખાનના મિત્ર અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ 'પેડમેન'ને પ્રમોટ કરવા માટે પહોચ્યા હતા.

Image copyright COLORS PR

બિગ બૉસના ઘરમાં શિલ્પા શિંદેએ 105 દિવસો વિતાવ્યા. રવિવારે સાંજે ફાઇનલ દરમિયાન ઘરમાંથી બહાર થવાની પ્રક્રિયા ચાલતી રહી.

સૌથી પહેલા પુનીશ શર્મા ઘરમાંથી બહાર નીકળ્યા, તેઓ ચોથા નંબર પર રહ્યા. ત્યારબાદ નંબર આવ્યો વિકાસ ગુપ્તાનો જેઓ ત્રીજા નંબર પર રહ્યા. અંતમાં બરાબરની સ્પર્ધા શિલ્પા અને હિના વચ્ચે હતી.

બિગ બૉસ વિજેતાને ટ્રોફી સાથે 50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળવાનું હતું જે ઘટીને 44 લાખ રૂપિયા થઈ ગયું.

કારણ કે વિજેતા રકમમાંથી એક ટાસ્ક દરમિયાન વિકાસ ગુપ્તા 6 લાખ રૂપિયા લઈને બહાર થયા હતા.

વર્ષ 1999થી કેરિયરની શરૂઆત કરનાર શિલ્પા શિંદે 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલની 'અંગૂરીભાભી'ના પાત્રથી લોકપ્રિય બન્યાં હતાં.

Image copyright COLORS

ત્યારબાદ સિરિયલથી તેઓ અલગ થતા વિવાદ થયો હતો. શિલ્પાએ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો જેણે નિર્માતાએ નકારતા પાયા વગરનો ગણાવ્યો હતો.

શોથી અલગ થયા બાદ તેઓ ઘણા સમય સુધી બેરોજગાર રહ્યાં. આ સમય દરમિયાન તેમણે હિંદી ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'માં એક આઇટમ સોંગ પણ કર્યું હતું.

શોના પહેલા દિવસથી જ અભિનેત્રી શિલ્પા શિંદે અને ટીવી નિર્માતા વિકાસ ગુપ્તા વચ્ચે અણબનાવ હતો. આ અણબનાવનું કથિત કારણ વિકાસ ગુપ્તા દ્વારા શિલ્પા શિંદેને 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલમાંથી બહાર કાઢવાનું દર્શાવવામાં આવતું હતું.

શિલ્પા શિંદે બિગ બૉસ 11માં ઘરની સૌથી મોટી ઉંમરનાં કન્ટેસ્ટન્ટ હતાં. શિલ્પાએ શોમાં અર્શીખાન અને આકાશ દદલાનીની માની ઉપાધિ સ્વીકારી લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો