પ્રેસ રીવ્યુ : આદિવાસી સંમેલન છોડી ગણપત વસાવા કેમ ભાગ્યા?

પ્રતીકાત્મક તસ્વીર : વિરોધ નોંધાવી રહેલા પ્રદર્શનકારીઓ
ફોટો લાઈન પ્રતીકાત્મક તસ્વીર

દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ મુજબ રાજપીપળા નજીક જીતનગર ચોકડી પાસે આયોજીત આદિવાસી મહાસંમેલનમાં લોકોએ કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો વિરોધ કર્યો હતો.

અહેવાલ મુજબ ગણપત વસાવાની કાર પર પથ્થરમારો પણ થયો હતો.

પરિણામે ગણપત વસાવાને આદિવાસી મહાસંમેલનમાંથી ભાગવું પડ્યું હતું.

આદિવાસી મહાસંમેલનમાં હાજર મેદનીમાંથી લોકોએ ઊભા થઈને ગણપત વસાવા ગદ્દાર છે અને તેઓને બહાર કાઢવાની બૂમો પાડી હોવાના અહેવાલો છે.

વિરોધ કરી રહેલા લોકોનું કહેવું હતું કે આદિવાસીઓમાં ભરવાડ, ચારણ, અને સિદ્દી મુસલમાનોની જાતિઓનો સમાવેશ કરીને ગણપત વસાવાએ આદિવાસી વિરોધી કામ કર્યું છે.

સમગ્ર ઘટના સંદર્ભે મીડિયાએ ગણપત વસાવાને સવાલો પૂછતાં તેમણે મીડિયાને કશું પણ કહેવાની ના પાડી હતી.

તમને આ પણ વાંચવું ગમશે


અમેરિકન વિઝા માટેની લોટરી પ્રથા બંધ

Image copyright FACEBOOK/DONALDTRUMP
ફોટો લાઈન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા આપવા માટે લોટરી પ્રથા નાબૂદ કરી

એનડીટીવીના અહેવાલ મુજબ અમેરિકા પ્રથમની નીતિ સંદર્ભે રવિવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેરીટના આધારે લોકોને વિઝા આપવાની વાતને સમર્થન આપ્યું છે. જેથી લોટરી આધારીત વિઝા પદ્ધતિ બંધ થઈ જશે.

નવી વિઝા પદ્ધતિ પર ભાર મૂકતાં ટ્રમ્પે જણાવ્યું છે કે મેરીટ આધારિત વિઝા પદ્ધતિમાં જે લોકોનો સારો ટ્રેક રેકોર્ડ હશે તેમને જ અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે.

અમેરિકા દ્વારા મેરીટ આધારિત વિઝા આપવાની પ્રથાથી ભારત જેવા રાષ્ટ્રોને લાભ થવાની સંભાવના જોવાઈ રહી છે.

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે જે રાષ્ટ્રોમાંથી લોકો લાયકાતના આધારે સફળ થઈ ન શકે એવા લોકો લોટરી પ્રથા આધારિત વિઝા પદ્ધતિને કારણે અમેરિકામાં આવી ને વસ્યા અને ગ્રીનકાર્ડધારક બની ગયા હતા.


દુશ્મન મિલ્કતો પર સરકારનો ડોળો

ફોટો લાઈન ઝીણાની આ કોઠી, દક્ષિણ મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં આવેલી છે.

ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારત સરકાર આગામી દિવસોમાં 1 લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી 9,400 દુશ્મન મિલકતોની હરાજી કરવાનું વિચારી રહી છે.

ભારત સરકારે 49 વર્ષ જૂના એનિમી પ્રૉપર્ટી ઍક્ટમાં સુધારા-વધારાઓની જોગવાઈઓ બાદ આ નિર્ણય લીધાનો અહેવાલ છે.

એનિમી પ્રૉપર્ટી ઍક્ટમાં કરાયેલા સુધારા-વધારાની જોગવાઈઓ પ્રમાણે ભાગલા દરમ્યાન જે લોકો અને પરિવારોએ પોતાની વારસાગત મિલકતો ભારતમાં છોડીને પાકિસ્તાન અને ચીનમાં વસવાટ કર્યો છે તેવા લોકો અને પરિવારો તેમની ભારતમાં રહેલી વારસાગત મિલકત પર હવે પછી દાવેદારી નોંધાવી નહીં શકે.

9,400 મિલકતોની હરાજી દ્વારા રાજકોષમાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાની આવકની સંભાવના જોવાઈ રહી છે.

ભારતીય લોકો અને પરિવારોની દાવેદારીવાળી પાકિસ્તાન સ્થિત આવી અનેક દુશ્મન મિલકતો ઘણા સમય પહેલાં વેચી દેવામાં આવી હતી

હાલ પાકિસ્તાનમાં સ્થાયી થયા હોય એવા લોકો અને પરિવારોની દાવેદારીવાળી ભારત સ્થિત 9,280 મિલકતોમાંની સૌથી વધુ 4,991 મિલકતો ઉત્તર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં 2,735 મિલકતો અને દિલ્હીમાં 487 મિલકતો આવેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો