કાશ્મીરમાં ઇઝરાયલ ભારતને રસ્તો બતાવી રહ્યું છે?

  • વપ્પલા બાલાચંદ્રન
  • બીબીસી ગુજરાતી માટે
મોદી અને નેતન્યાહુ

ઇમેજ સ્રોત, TWITTER/PIB

ઇમેજ કૅપ્શન,

મોદીએ દિલ્હીમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનું આ રીતે સ્વાગત કર્યું હતું

ભારતીય જનતા પાર્ટી પરંપરાગત રીતે ઇઝરાયલ સાથે સુરક્ષા સંબંધો બાંધવા માટે હંમેશાં ઉત્સાહીત રહેતી હોય છે.

14 જૂન 2000માં તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ઇઝરાયલનો પ્રવાસ કર્યો હતો.

તે સમયે તેઓ પોતાની સાથે ભારતના તમામ સુરક્ષા પ્રમુખોને લઈને ગયા હતા. આ એક અભૂતપૂર્વ પગલું હતું.

અડવાણીના પ્રવાસ બાદ રશિયાના આંતરિક મામલાના મંત્રી વ્લાદિમિર રશેલો પણ ભારત આવ્યા હતા.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સમયે જ ઇઝરાયલના ઉગ્રવાદી વિરોધી નિષ્ણાત રેવેન પેજે એક નિવેદન આપ્યું હતું.

જેમાં તેમણે કહ્યું હતું કે એ તમામ દેશો જે પેલેસ્ટાઇનના 'ફ્રિડમ ફાઇટર્સ' (આઝાદીની માગ કરનારા પ્રદર્શનકારીઓ) સામે ઇઝરાયલની કાર્યવાહીની નિંદા કરતા હતા, તે દેશો ખુદ હવે લાઇનમાં ઊભા રહીને પોતાના દેશોના ફ્રિડમ ફાઇટર્સ સાથે કઈ રીતે કામ લેવું તે ઇઝરાયલ પાસેથી શીખી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રમ્પ વિરુદ્ધ મત

ઇમેજ સ્રોત, Getty Images

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ યાત્રાએ તે દેશના લોકોમાં ઊંડી છાપ છોડી અને ભારત પ્રત્યેની તેમની આશામાં વધારો કર્યો.

પરંતુ ડિસેમ્બર 2017માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેરુસલેમને ઇઝરાયલની રાજધાની બનાવવાનો પ્રસ્તાવ લઈને આવ્યા તો ભારતે આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત કર્યો. ભારતના આ પગલાથી ઇઝરાયલ નિરાશ થયું.

ઇઝરાયલી અખબાર હારેટ્ઝે 4 જાન્યુઆરીના રોજ લખ્યું કે ભારત ઇઝરાયલ સાથે ગંભીર સંબંધો ઇચ્છતું નથી.

તેમના આ લેખમાં અખબારે ભારત-ઇઝરાયલના દ્વિપક્ષીય સંબંધોનું સત્ય સમજાવવાનો પ્રયાસ કર્યો.

લેખ મુજબ, આ બંને દેશોના સંબંધો 'આકર્ષણ'થી શરૂ થયા, 'પ્રેમ' સુધી પહોંચ્યા અને હવે 'ઇઝરાયલના વિરોધ' સુધી આવી ગયા.

અખબાર લખે છે કે ભારતે અરબ અને મુસ્લિમ દેશો સાથે પોતાના સંબંધોમાં તાલમેલ બનાવવાની જરૂરત છે. સાથે જ ભારતમાં રહેતા મુસ્લિમ સમાજ સાથે પણ મેળ બેસાડવાની જરૂર છે.

અખબાર સાથે એ પણ લખે છે કે સાઉદી અરેબિયા-અમેરિકા-ઇઝરાયલનાં ગુપ્ત અને અતિવાદી ગઠબંધનના કારણે ભારતના નીતિ ઘડનારાઓ સામે મુશ્કેલીઓ આવી રહી છે.

'કાશ્મીરમાં ઇઝરાયલની નીતિ'

ઇમેજ સ્રોત, TWITTER/PIB

વર્ષ 2014થી જ ભાજપ ભારત પ્રશાસિત કાશ્મીરમાં એ નીતિ અપનાવી રહ્યો છે જે ઇઝરાયલે પેલેસ્ટાઇનના આઝાદીના સમર્થકો સાથે અપનાવી હતી.

14 મે 2017ના રોજ રામ માધવે ટીવી ચેનલ એનડીટીવીમાં કહ્યું હતું કે તેઓ જમ્મૂ-કાશ્મીરમાં રહેલા દરેક ઉગ્રવાદીઓનો અંત લાવી દેશે.

જોકે, આ તમામ કોશિશો બાદ પણ ખીણમાં પરિસ્થિતિ થાળે પડતી નજરે નથી પડી રહી. પથ્થરબાજો સાથે ઉગ્રવાદી જેવી નીતિ અખત્યાર કરવી ઊંધી પડી રહી છે.

ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ભારતીય સેનાની ટીકા થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પેલેટ ગનના ઉપયોગથી ભારત પોતાના નાગરિકોને જ અંધ બનાવી રહ્યું છે.

ગયા વર્ષે જુલાઈમાં બુરહાન વાનીના મોત બાદ ભારતીય સુરક્ષા દળો પર હુમલાઓ વધી ગયા છે.

વર્ષ 2016 સુધી માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોના મૃત્યુના આંકડાઓ વધારે હતા પરંતુ 2016 બાદ જમ્મૂ-કાશ્મીરમાં આ આંકડો માઓવાદી વિસ્તારો કરતાં વધી ગયો છે.

સામાન્ય લોકોનું ઉગ્રવાદીઓને સમર્થન

ઇમેજ સ્રોત, BILAL BAHADUR

પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થતી નજરે પડે છે જ્યારે સામાન્ય લોકો પણ વિદ્રોહમાં સામેલ થઈ જાય છે.

બુરહાન વાનીના મૃત્યુ બાદ મોટી સંખ્યામાં સામાન્ય લોકો તેના જનાજામાં સામેલ થવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. લોકોએ ભારતીય સેના સામે પ્રદર્શનો પણ કર્યાં હતાં.

તાજેતરમાં જ 8 જાન્યુઆરી 2018માં બડગામ જિલ્લામાં ત્રણ ઉગ્રવાદીઓનાં મૃત્યુ બાદ આમ જનતાએ પ્રદર્શન કર્યાં હતાં.

ઉગ્રવાદીઓ માટે સામાન્ય લોકોમાં આ પ્રકારનું સમર્થન અન્ય ઉગ્રવાદથી પીડિત દેશમાં જોવામાં મળતું નથી. ભલે તે અફઘાનિસ્તાન, સીરિયા કે ઈરાક હોય.

આ પ્રકારની પરિસ્થિતિ માત્ર ઇઝરાયલની સરહદો પર જ જોવા મળે છે જ્યાં દરેક પેલેસ્ટાઇનીયન્સ ઇઝરાયેલના કબ્જાનો વિરોધ કરે છે.

ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાના નેતૃત્વમાં કાશ્મીર મામલે કેટલાક લોકોએ એ વાત ઉઠાવી હતી કે કાશ્મીરી લોકોમાં દિવસે દિવસે નિરાશા અને હતાશાની ભાવના વધી રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકારના આ વલણના વિરોધમાં છે. જેમાં બધા જ પ્રદર્શનકારીઓને પાકિસ્તાનની કઠપૂતળી બતાવવામાં આવી રહ્યા છે.

ત્યાં સુધી કે ભાજપ સાથે ગઠબંધન કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ 8 જાન્યુઆરી 2018ના રોજ શ્રીનગરમાં કહ્યું કે વાતચીતથી જ કાશ્મીરની સમસ્યાનું સમાનધાન નીકળશે.

એટલે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની આ યાત્રાથી એવી આશા રાખવી નકામી હશે કે તેમની સાથે સુરક્ષા સંબંધો પર વધારે ચર્ચા થશે.

એ પણ ત્યારે જ્યારે સરકારે કાશ્મીરની સમસ્યાના સમાધાન માટે એક પૂર્વ આઈબી પ્રમુખ દિનેશ્વર શર્માને નિયુક્ત કરી લીધા છે.

(આ લેખકના અંગત વિચારો છે.)

(લેખક કેબિનેટ સચિવાલયના પૂર્વ વિશેષ સચિવ રહી ચૂક્યા છે. તેઓ 26/11 મુંબઈ હુમલામાં પોલીસ પ્રદર્શનની તપાસ કરનારી બે સભ્યોની ઉચ્ચ સ્તરીય ટીમના સભ્ય રહી ચૂક્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો