'જજ લોયાનું મૃત્યુ કોઈ એક પરિવાર સાથે જોડાયેલો મામલો નથી'

જજ લોયાની તસવીર Image copyright CARAVAN MAGAZINE

સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ ઇતિહાસમાં પહેલી વખત દેશને જાહેરમાં કહ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.

પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે આ જજો જે સંવેદનશીલ કોર્ટકેસની વાત કરી રહ્યા છે, તેમાં શું જજ લોયાના મૃત્યુનો મામલો પણ છે? એના જવાબમાં જસ્ટિસ ગોગોઈએ કહ્યું, 'હા'

જજ લોયાના મૃત્યુની તપાસ માટે બોમ્બે હાઈ કોર્ટ અ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ કરવામાં આવી છે.

એમાંથી એક બોમ્બે લૉયર્સ એસોસિએશન દ્વારા બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

સુપ્રીમ કોર્ટમાં એક અરજી કોંગ્રેસના નેતા તહેસીન પૂનાવાલાએ દાખલ કરી છે અને બીજી મહારાષ્ટ્રના પત્રકાર બંધુ રાજ લોને દાખલ કરી છે.

તહેસીન પૂનાવાલા અનુસાર, એમણે સુપ્રીમ કોર્ટમાં જજ લોયા મૃત્યુ પર અરજી ડિસેમ્બરમાં દાખલ કરી હતી, જ્યારે મુંબઈ હાઈ કોર્ટમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દાખલ કરવામાં આવી છે.


લોયાના કેસની સુનાવણી

Image copyright SUPREME COURT OF INDIA

સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં બંધુ રાજ લોને તરફથી દલીલ કરી રહેલા સિનિયર વકીલ ઇંદિરા જયસિંહનું કહેવું છે કે આ મામલો કોઈ એક પરિવાર સાથે જોડાયેલો નથી.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે એક જજનું મૃત્યુ થાય તો એ ન્યાયતંત્રની જવાબદારી છે કે તે આ મામલાની તપાસ કરે.

સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે આ બાબતે સુનાવણી કરીને મહારાષ્ટ્ર સરકારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો.

સોમવારે આ કેસની વધુ સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી કરનારા જજોમાંથી એક જજ કોર્ટ ન આવ્યા એટલે એ ટળી ગઈ છે.

ઇંદિરા જયસિંહની માગ છે કે જજ લોયાના મૃત્યુના પૂરા મામલા પરથી પડદો હટવો જોઇએ.

તેમણે કહ્યું, "અમે એમ ન કહી શકીએ કે લોયાને કોઈએ મારી નાખ્યા છે, પરંતુ એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે જે પરિસ્થિતિઓ હતી, એનાથી અમને લાગે છે કે તે એક અપ્રાકૃતિક મૃત્યુ હતું."

તેમણે જજ લોયાના પુત્ર અનુજની પ્રેસ કોન્ફરન્સ વિશે વાત કરતા કહ્યું કે, પરિવારની વાતોમાં વિરોધાભાસ છે એટલે મૃત્યુની તપાસ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે.

ઇંદિરા જયસિંહે કહ્યું, "તેમની બહેન કહે છે કે તેમના ભાઈની મૃત્યુ પ્રાકૃતિક નથી અને તેમનો 20 વર્ષનો દીકરો કહે છે, કે તેમને કોઈ શંકા નથી."


'અનુજમાં આત્મવિશ્વાસ નહોતો'

Image copyright TWITTER/INDIRAJAISING
ફોટો લાઈન વકીલ ઇંદિરા જયસિંહ

ઇંદિરા જયસિંહ આગળ કહે છે, "જો તમે તેમની (અનુજની) બૉડી લૅંગ્વેજને જોઇએ અને તેમની આસપાસના લોકોને જોઇએ તો જણાય છે કે, તેમનામાં આત્મવિશ્વાસ નહોતો. આથી મને લાગે છે કે હવે આ મામલો વધુ ગંભીર થઈ ગયો છે."

આ મામલે બોમ્બે હાઈ કોર્ટમાં બોમ્બે લૉયર્સ એસોસિએશને અરજી દાખલ કરી છે, જેની સુનાવણી 23 જાન્યુઆરીએ થવાની છે.

ઇંદિરા જયસિંહને એ બાબતનો વિરોધ છે કે જ્યારે આ કેસ મુંબઈમાં ચાલી રહ્યો છે, તો એવામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી યોગ્ય નથી.

તે કહે છે, "દરેક કેસ પહેલા હાઈ કોર્ટમાં ચાલવો જોઇએ, એવો કાયદો છે. ત્યારબાદ જ તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ શકે. બોમ્બે હાઈ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે અને તેની સુનાવણી 23 જાન્યુઆરીએ થવાની છે."

તેમણે ઉમેર્યું, "સુપ્રીમ કોર્ટને એટલી શું ઉતાવળ છે? કોર્ટ એટલી જ ચિંતિત છે તો જે સમયે મૃત્યુ થયું હતું, એ સમયે જ કાર્યવાહી કેમ ન કરી, જે રીતે જસ્ટિસ કર્ણનના મામલે કર્યું હતું."


'શંકાઓ દૂર થવી જોઇએ'

Image copyright Getty Images
ફોટો લાઈન સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ આ મામલે કોંગ્રેસી નેતા તહેસીન પૂનાવાલા અને મહારાષ્ટ્રના પત્રકાર બંધુ રાજ લોનેની અરજી પર સુનાવણી કરી રહી છે.

આ સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રાની કોર્ટમાં થઈ રહી છે.

કોંગ્રેસી નેતા તહેસીન પૂનાવાલાનું કહેવું છે કે, ઇંદિરા જયસિંહે સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરી છે એટલે એ કેસની સુનાવણી અટકાવી દેવી જોઇએ.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "બોમ્બે હાઈ કોર્ટમાં અરજી 4 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી હતી. જ્યારે મારી અરજી સુપ્રીમ કોર્ટમાં 12 ડિસેમ્બરે દાખલ કરવામાં આવી હતી."

તહેસીન પૂનાવાલાનો દાવો છે કે તેમણે સૌથી પહેલા અરજી દાખલ કરી હતી, જ્યારે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી પર પ્રથમ સુનાવણી 23 જાન્યુઆરીએ થવાની છે.

તેમણે વધુમાં કહ્યું, "હું કોઈ વ્યક્તિના મૃત્યુની વાત નથી કરી રહ્યો. હું એક જજનાં મૃત્યુ વિશે કહી રહ્યો છું. જે શંકાઓ છે તે દૂર થવી જોઇએ"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો