સવારે વહેલા ઊઠવાના પ્રયાસ શા માટે ન કરવા જોઈએ?

  • --
  • બીબીસી વર્ટિકલ
ઊંઘી રહેલી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

રાતે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠી જવાથી વ્યક્તિ સ્વસ્થ, સમૃદ્ધ અને શાણી બને છે એવો મતલબ ધરાવતી એક અંગ્રેજી કહેવત છે.

એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) ટિમ કૂક સવારે પોણા ચાર વાગ્યે ઊઠી જાય છે.

ફિએટ કંપનીના સીઈઓ સર્જિયો માર્શિયોન સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠી જાય છે, જ્યારે બ્રિટનના વિખ્યાત બિઝનેસમૅન રિચર્ડ બ્રેનસન સવારે પોણા છ વાગ્યે ઊઠે છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ લોકો અત્યંત સફળ છે એ જગજાહેર વાત છે પણ તેમની સફળતાનું રહસ્ય રોજ વહેલા ઊઠવામાં છુપાયેલું છે?

સવારે વહેલા ઊઠવાથી સફળતા મળે?

ઇમેજ સ્રોત, Getty Images

સવારે વહેલા ઊઠવાના ફાયદા છે તેમાં કોઈ શંકા નથી. સૂર્યોદય સમયે ઊઠીને કસરત, નાસ્તો કરીને ઑફિસ જવા તૈયાર થઈ કેટલાંક કામ પતાવી શકાય છે.

સવાલ એ પણ છે કે જે લોકો મોડા ઊઠતા હોય એ લોકો ઓછા સફળ હોય?

જે લોકો મોડે સુઘી ઊંઘતા હોય તેમનાં કામ અધૂરાં રહી જાય? મોડે સુઘી ઊંઘતા લોકો જીવનમાં સફળ કે સ્વસ્થ થતા નથી?

તમારા દિમાગમાં પણ આવા વિચારો હોય તો તેને કાઢી નાખો.

એક નિરીક્ષણથી જાણવા મળ્યું છે કે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે.

એક ભાગમાં એવા લોકો છે, જેઓ સવારે વહેલા ઊઠી જવાનું પસંદ કરે છે, જ્યારે બીજા ભાગમાંના લોકો રાતે મોડે સુધી જાગવાનું અને સવારે મોડે સુધી ઊંઘવાનું પસંદ કરે છે.

મોડે સુધી ઊંઘતા લોકો, મતલબ દુનિયાના અડધોઅડધ લોકોની જિંદગી નિષ્ફળ છે, એવું તો નથી.

દુનિયામાં અંદાજે 25 ટકા લોકો એવા છે, જેમને સવારે વહેલા ઊઠવું પસંદ છે. સામેની બાજુએ પણ એટલા જ લોકો છે, જેમને રાતે મોડે સુધી જાગવાનું પસંદ છે.

એક સંશોધનનું તારણ જણાવે છે કે સવારે વહેલા ઊઠી જતા લોકો વધારે સહયોગી સ્વભાવના હોય છે.

એ લોકો કોઈ પણ ઘટનાનું યોગ્ય વિશ્લેષણ કરી શકતા હોય છે.

તેનાથી વિપરીત, રાતે મોડે સુધી જાગતા લોકો કલ્પનાશીલતામાં રાચતા હોય છે અને એકલા રહેવાનું વધુ પસંદ કરતા હોય છે.

સવારે વહેલા ઊઠવાના ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

સવારે વહેલા ઊઠતા લોકો સ્વયંપ્રેરિત હોય છે એવું અનેક સંશોધનમાં સાબિત થયું છે.

એ લોકો સતત કામ કરતા હોય છે. અન્ય લોકોની વાત પણ વધુ માનતા હોય છે.

તેમના લક્ષ્યાંક મોટા હોય છે અને ભવિષ્યની યોજનાઓને બહેતર બનાવતા હોય છે.

સવારે વહેલા ઊઠતા લોકો તેમના સ્વાસ્થ્યની વધુ સંભાળ રાખતા હોય છે.

રાતે મોડે સુધી જાગતા લોકોની સરખામણીએ સવારે વહેલા ઊઠતા લોકો ઓછો દારૂ પીતા હોય છે. હતાશાનો શિકાર ક્યારેક જ થતા હોય છે.

રાતે મોડે સુધી જાગતા લોકોની સ્મૃતિ સતેજ હોય છે. સવારે વહેલા ઊઠતા લોકોની સરખામણીએ તેઓ બહેતર હોય છે.

રાતે મોડે સુધી જાગતા લોકો વધુ ઝડપથી કામ કરતા હોય છે. નવા પ્રયોગ કરવાની બાબતમાં ખુલ્લું મન ધરાવતા હોય છે.

રાતે મોડે સુધી જાગતા લોકો પણ સવારે વહેલા ઊઠતા લોકોની માફક સ્વસ્થ, બુદ્ધિશાળી અને વધારે સમૃદ્ધ હોય છે.

એક વાત સ્પષ્ટ થાય છે કે સવારે વહેલા ઊઠવાનો ટાર્ગેટ નક્કી કરવાનું બહુ ફાયદાકારક નથી. થોડુંક વધુ ઊંઘવાની ઈચ્છા હોય તો ઊંઘો.

ઑક્સફોર્ડ યુનિવર્સિટીનાં વિજ્ઞાની કેથરિના વુલ્ફ કહે છે કે દરેક માણસના શરીરમાં એક કુદરતી ઘડિયાળ છે. માણસનું ઊંઘવું-જાગવું એ ઘડિયાળના હિસાબે ચાલતું હોય છે.

એ ઘડિયાળને સિર્કાડિયન ક્લોક કહે છે. આપણને ઊંઘી જવાની કે જાગવાની ઈચ્છા એ ઘડિયાળ અનુસાર થતી હોય છે.

સવારે ધરાર વહેલા ઊઠવાનું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images

કોઈને તેના બોડી ક્લૉકથી વિપરીત સવારે વહેલા કે મોડા ઊઠવાની ફરજ પાડવામાં આવે તો તેનાથી એ વ્યક્તિના આરોગ્ય પર માઠી અસર થશે.

શરીર સાથે જબરદસ્તી ક્યારેય ફાયદાકારક સાબિત થતી નથી.

કેથરિના વુલ્ફના જણાવ્યા અનુસાર, માણસો તેમના સિર્કાડિયન ક્લૉક એટલે કે જૈવિક ઘડિયાળ અનુસાર કામ કરે તો તેમનું પર્ફૉર્મન્સ સારું રહે છે.

રાતે મોડેથી ઊંઘતા લોકોને સવારે વહેલા ઊઠી જવા મજબૂર કરવામાં આવશે તો તેઓ આખો દિવસ સુસ્ત રહેશે.

તેઓ તેમના દિમાગનો સારી રીતે ઉપયોગ નહીં કરી શકે. તેમના વજનમાં વધારો થવાની અને તબિયત બગડવાની શક્યતા પણ હોય છે.

કેથરિના વુલ્ફ કહે છે, લોકોને વહેલા-મોડા ઊંઘવાની કે જાગવાની આદત મોટા ભાગે તેમનાં માતાપિતા પાસેથી મળતી હોય છે.

આપણને સવારે વહેલા ઊઠવાની આદત પડશે કે મોડે સુધી જાગતા રહીશું એ બાબત આપણા ડીએનએમાં હોય છે.

અલબત, ઉમર વધવાની સાથે આ આદત પણ બદલતી હોય છે. બાળકો મોટે ભાગે વહેલાં ઊઠી જતાં હોય છે.

વીસ વર્ષની વય પછી મોડે સુધી જાગવાની આદત પડવા લાગે છે.

વ્યક્તિ પચાસ વર્ષની વયની આસપાસ પહોંચે ત્યાં સુધીમાં તેને વહેલા ઊઠવાની આદત ફરીથી પડવા લાગે છે.

રાતે મોડે સુધી જાગતા લોકો પણ સફળ

ઇમેજ સ્રોત, Getty Images

દરેક સફળ વ્યક્તિ સવારે વહેલી જ ઊઠી જતી હોય છે એવું નથી.

બોક્સ કંપનીના સીઈઓ આરોન લેવી, બઝફીડના સીઈઓ જોનાહ પેરેટી, આયર્લૅન્ડના નવલકથાકાર જેમ્સ જોયસ, અમેરિકન લેખિકા ગર્ટ્રુડે સ્ટેન અને ફ્રેન્ચ નવલકથાકાર ગુસ્તાવ ફ્લોબર્ટ રાતે મોડે સુધી જાગતા હતા અને સવારે મોડા ઊઠતા હતા.

સવારે વહેલા ઊઠવાથી સફળતા 100 ટકા મળે જ છે એવું કોઈ સંશોધનમાં સાબિત થયું નથી.

આપણા શરીરમાં બોડી ક્લૉક અનુસાર હૉર્મોન રિલીઝ થતા હોય છે. ઊંઘ-ઊઠવા સંબંધી આદત ધરાર બદલવાથી હૉર્મોનનું સંતુલન ખોરવાઈ શકે છે.

રાતે મોડે સુધી જાગતી વ્યક્તિ સવારે વહેલી ઊઠશે તો પણ તેના શરીરને તો એવું જ લાગશે કે તે ઊંઘી રહી છે. તેના શરીરમાં હૉર્મોન્સ મોડા રિલીઝ થશે અને તેની અસર વ્યક્તિની તબિયત પર થશે.

વિશ્વના તમામ દેશોમાં મોડે સુધી ઊંઘતા લોકોને આળસુ, કામચોર અને બળવાખોર કહેવામાં આવે છે. એટલે લોકો મજબૂરીમાં સવારે વહેલા ઊઠવાના પ્રયાસ કરતા હોય છે.

હા, સવારે વહેલા ઊઠવાથી તમને કુદરતી પ્રકાશ મળે છે. સૂર્યપ્રકાશમાં રહેવાથી તમારા શરીરને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળી રહે છે. તમે ઘણાં કામ જલદી પતાવી શકો છો.

જોકે તમને મોડે સુધી ઊંઘવાની મજા આવતી હોય તો ચાદર ઓઢીને આરામથી ઊંઘતા રહો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો